Not Set/ દેવું વધી જતાં આપઘાતનો વિચાર આવ્યો પણ પરિવારજનોનો વિચાર આવતા માંડી વાળ્યું, પછી રચ્યું એવું તરકટ કે…

ફરિયાદી ભગુભાઈએ ડીપ્રેશનમાં આવી જઈને પ્રથમ આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો. બાદમાં તેમના પુત્ર અને પરિવારજનોનો વિચાર આવતા આપઘાત કરવાનું માંડી વાળીને કર્યું આવું કૃત્ય

Gujarat Others
sugri 18 દેવું વધી જતાં આપઘાતનો વિચાર આવ્યો પણ પરિવારજનોનો વિચાર આવતા માંડી વાળ્યું, પછી રચ્યું એવું તરકટ કે...

કોરોના કાળમાં ભલભલા માણસો હિમ્મત ગુમાવી બેઠા છે. તો કેટલાક ફીનીક્ષ પક્ષીની માફક બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો અસંખ્ય લોકોએ જિંદગીને ગુડ બાય પણ કહી દીધું છે. તો કેટલાક કિસ્સામાં સામાન્ય જન ગુનાહિત કૃત્ય કરવા પણ પ્રેરાયો છે. આખરે પાપી પેટ નો સવાલ છે. પેટ કરાવે વેઠ ની માફક લોકો કોરોનાની મંદીમાં સપડાઈ ગમે ટેકરી છૂટવા મજબુર બન્યા છે.

આવો જ એક કિસ્સો કચ્છ ખાતે સામે આવ્યો છે જ્યાં કોરોનાની મંદીમાં દેવું વધી જતા પહેલા તો વ્યક્તિએ જીવન ટુંકાવવાનો વિચાર કર્યો હતો.પરંતુ પાછળથી પરિવારજનોનો વિચાર આવતા સમગ્ર વિચાર માંડી વાળ્યો હતો. અને આખી ઘટનાને ટ્વીસ્ટ આપી નવો જ વળાંક આપવાનો ઉપાય અજમાવ્યો. પરંતુ વાંકા નસીબે તેમાયે સાથ નાં આપ્યો.

પ્રાપ્ત વિગતો અનુસાર માંડવી હાઈવે પર આવેલા ખત્રીતળાવ નજીક રૂા. ૧૦ લાખની લૂંટના બનાવમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માનકુવા પોલીસ મથકે આ સમગ્ર બનાવ અંગે ઝીણવટભરી તપાસ આદરતા ખુદ ફરિયાદીએ જ ડીપ્રેશનમાં આવી જઈને આ પ્રકારનું તરકટ કર્યું હોવાનું સત્તાવાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ માનકુવા પોલીસ મથકે ભગુભાઈ સુથાર નામના યુવાને તેની સાથે રૂા. ૧૦ લાખની લૂંટ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્રણ અજાણ્યા ઈસમોએ તેની સાથે ઝપાઝપી કરી ગાડીમાં રહેલી ૧૦ લાખની રોકડ લૂંટીને ચાલ્યા ગયા હોવાનું તેણે ફરિયાદમાં નોંધાવ્યું હતું. આ સમગ્ર મામલે માનકુવા પોલીસે ઝીણવટભરી તપાસ આદરી હતી. માનકુવાના ઈન્ચાર્જ પીઆઈ એસ. બી. વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર બનાવ ઉપજાવી કાઢેલો હતો. વાસ્તવમાં ફરિયાદી ભગુભાઈ પર દેવું વધી જતા તેમણે ડીપ્રેશનમાં આવી જઈને આ પ્રકારે તરકટ રચ્યું હતું.

ફરિયાદ નોધાયા બાદ ગુનાની તપાસ દરમ્યાન પ્રારંભથી જ આ ઘટનામાં ભેદ ભરમ જણાયા હતા, તેથી ખુદ ફરિયાદીની જ ઝીણવટભરી તપાસ કરી પુછતાછ કરતા અને તેના પુત્ર અને પત્નિને પણ તપાસ માટે બોલાવતા એવું જાણવા મળ્યું હતું કે, ભગુભાઈ પર દેવું વધી જતા તેઓ છેલ્લા થોડા સમયથી ડીપ્રેશનમાં આવી ગયા હતા. સ્થળ તપાસમાં અને ફરિયાદીની તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, તેણે પોતે જ ચાકુથી પોતાનું શર્ટ ફાડી નાખ્યું હતું. તેમની ગાડીમાંથી ચાકુ પણ મળી આવ્યું હતું. આ પ્રકારે કરવા પાછળ ફરિયાદી એવું સાબિત કરવા માંગતા હતા કે તેમની સાથે ઝપાઝપી કરીને હુમલાનો પ્રયાસ કરાયો છે.

પરંતુ વાસ્તવમાં તેમની પાસે રૂપિયા દસ લાખની રકમ પણ હતી નહીં. તેમજ કોઈ અજાણ્યા ત્રણ ઈસમો તેમને લુંટવા માટે પણ આવ્યા ન હતા. આ રીતે આ સમગ્ર બનાવ ફરિયાદી ભગુભાઈ દ્વારા ડીપ્રેશનમાં આવી જઈને ઉપજાવી કાઢવામાં આવ્યો હતો. થોડી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા ચોંકાવનારી એવી વિગત પણ સામે આવી હતી કે, ફરિયાદી ભગુભાઈએ ડીપ્રેશનમાં આવી જઈને પ્રથમ આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો. બાદમાં તેમના પુત્ર અને પરિવારજનોનો વિચાર આવતા આપઘાત કરવાનું માંડી વાળીને આ પ્રકારનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.