Barapullah Elevated Road Delhi: દિલ્હીના(Delhi) લોકોને લાંબા સમયથી રાહ જોવડાવનારા બારાપુલા એલિવેટેડ રોડને લઈને હવે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. દિલ્હી સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી ‘સેવા પખવાડિયા’ની શરૂઆત કરવામાં આવશે અને આ દરમિયાન રાજધાનીમાં તૈયાર થઈ ગયેલી અનેક મોટી વિકાસ યોજનાઓ જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન બારાપુલા એલિવેટેડ રોડ ફેઝ-3 પણ લોકો માટે શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ 1,635 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા હાજર રહે તેવી માહિતી આપવામાં આવી છે.
મયૂર વિહારથી AIIMS સુધીનો પ્રવાસ સરળ બનશે
બારાપુલા એલિવેટેડ રોડ ફેઝ-3 મયૂર વિહારથી સરાય કાલે ખાન સુધીનો માર્ગ જોડશે. આ રોડ શરૂ થયા બાદ દિલ્લી (Delhi) મયૂર વિહારથી AIIMS સુધી પહોંચવામાં લાગતો સમય નોંધપાત્ર રીતે ઘટી શકે છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ અંતર હવે લગભગ 15થી 20 મિનિટમાં કાપી શકાય તેવી અપેક્ષા છે. આ ઉપરાંત મુકરબા ચોક નજીક આઉટર રિંગ રોડ પર અંડરપાસ અને બાદલી જંક્શનથી હૈદરપુર મેટ્રો સ્ટેશન સુધીનો એપ્રોચ રોડ પણ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.

પાણી અને ગટર વ્યવસ્થામાં પણ મોટા પ્રોજેક્ટ
દિલ્હીમાં(Delhi) માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ પાણી અને ગટર વ્યવસ્થાને લગતી યોજનાઓ પણ શરૂ કરવામાં આવશે. બવાના ખાતે 20 MGDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 2 MGD ક્ષમતાવાળો રિસાયક્લિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ઓખલા વિસ્તારમાં 564 MLD ક્ષમતાના વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બારાપુલા ડ્રેનથી બટલા હાઉસ ફેઝ-2 સુધીના ઇન્ટરસેપ્ટર સીવરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓને લીલી ઝંડી
દિલ્લી (Delhi) સરકારના જણાવ્યા પ્રમાણે પાણી અને સીવરેજ સાથે જોડાયેલી કુલ 863 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ શરૂ થશે. આ ઉપરાંત આશરે 232 કરોડ રૂપિયાની વીજળી સંબંધિત યોજનાઓ પણ જનતાને સમર્પિત કરવામાં આવશે. આ તમામ પ્રોજેક્ટ શરૂ થયા બાદ દિલ્હીના ટ્રાફિક, પાણી, ગટર અને નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવાનો સરકારનો દાવો છે. હવે સૌની નજર બારાપુલા એલિવેટેડ રોડના ઉદ્ઘાટન પર છે.
