Delhi NCR Heavy Rain Weather Update August 2026: દિલ્હી અને એનસીઆરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. વરસાદને કારણે ઓફિસ સમય દરમિયાન રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે હજારો લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.
દિલ્હીના(Delhi NCR Heavy Rain) પ્રીત વિહારમાં ભારે વરસાદ દરમિયાન એક વિશાળ વડનું ઝાડ ધરાશાયી થતાં તેની નીચે ત્રણ કાર દબાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી.

હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હી (Delhi NCR Heavy Rain), નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને આસપાસના વિસ્તારોમાં આગામી બે-ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. આ સમય દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વચ્ચે-વચ્ચે ઝાપટાં પડવાની શક્યતા છે.

ગુરુગ્રામમાં વર્ક ફ્રોમ હોમની અપીલ
ગુરુગ્રામમાં પણ સતત વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. ભારે ટ્રાફિકની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે કોર્પોરેટ ઓફિસો અને ખાનગી સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવા અપીલ કરી છે, જેથી રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઓછી રહે અને ઇમરજન્સી સેવાઓને અવરોધ ન થાય.

ઉત્તરાખંડ હાઈ એલર્ટ પર, પ્રયાગરાજમાં શાળાઓ બંધ
દેશના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત્ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ સહિત કુલ 17થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં સતત વરસાદને પગલે વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદને કારણે ધોરણ 1થી 8 સુધીની શાળાઓ એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવામાન નિષ્ણાતોએ લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે.
