New Delhi : દિલ્હીમાં સરકારની રચના અને મંત્રીમંડળના શપથ પછી હવે વિભાગોનું પણ વિભાજન કરવામાં આવ્યું છે. કેબિનેટ બેઠક પહેલા મંત્રીઓને વિભાગો ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતે 5 વિભાગો પોતાની પાસે રાખ્યા છે. આ ઉપરાંત પ્રવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમને 3 મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
| મંત્રીઓના નામ | વિભાગ |
| મુખ્યમંત્રી – રેખા ગુપ્તા | ગૃહ, નાણાં, સેવાઓ, આયોજન, વિજિલન્સ |
| નાયબ મુખ્યમંત્રી – પ્રવેશ વર્મા | શિક્ષણ, પરિવહન, PWD |
| મનજિન્દર સિંહ સિરસા | શહેરી વિકાસ, આરોગ્ય, ઉદ્યોગો |
| રવિન્દ્ર કુમાર ઇન્દ્રજ | સમાજ કલ્યાણ, SC/ST બાબતો, શ્રમ |
| કપિલ મિશ્રા | પર્યટન, પાણી, સંસ્કૃતિ |
| આશિષ સૂદ | મહેસૂલ, પર્યાવરણ, ખાદ્ય અને નાગરિક પુરવઠો |
| પંકજ કુમાર સિંહ | આવાસ, કાયદાકીય બાબતો, કાયદો |
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કુલ 5 વિભાગો પોતાની પાસે રાખ્યા છે, જેમાં નાણાં વિભાગ અને તકેદારી વિભાગનો સમાવેશ થાય છે. તેઓ ગૃહ, તકેદારી અને આયોજન વિભાગની જવાબદારી પણ સંભાળશે. નાયબ મુખ્યમંત્રી પ્રવેશ વર્માને શિક્ષણ, પરિવહન અને પીડબ્લ્યુડી વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. નવી સરકારમાં રોહિણીથી ચોથી વખત જીત મેળવનારા ભાજપના વરિષ્ઠ નેતા વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભા અધ્યક્ષ અને મુસ્તફાબાદના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવી શકે છે. વિભાગોના વિભાજન અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કદાચ નવી સરકાર એક કે બે દિવસમાં આ અંગે નિર્ણય લઈ શકે છે.
