Gir Somnath News/ દેવાયત ખવડે 15 દિવસ પહેલા હુમલાનું કાવતરૂ ઘડ્યું હતું : મિત્રો પાસેથી ફોર્ચ્યુનર અને ક્રેટા માંગીને લીધી હતી

ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેની ટોળકી સામે તાલાલા પોલીસે મહત્વપૂર્ણ તપાસ કરી છે.

Gujarat Others

Gir Somnath News : અમદાવાદના સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં થયેલા હુમલા કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેની ટોળકી સામે તાલાલા પોલીસે મહત્વપૂર્ણ તપાસ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દેવાયત ખવડે 15 દિવસ પહેલા હુમલાનો પ્લાન બનાવ્યો હતો.  તેના માટે પોતાના પરિચિતો-મિત્રો પાસેથી ફોર્ચ્યુનર અને ક્રેટા માંગીને લીધી હતી.

બંને કારની વિગત મુજબ ફોર્ચ્યુનર કાર નંબર : GJ 18 B 9523, માલિક : મિલનભાઈ બાબુભાઈ દાવડા, રાજકોટની છે જ્યારે ક્રેટા કાર નંબર : GJ 14 BD 8300, માલિક : મહેશભાઈ અમરૂભાઈ વરુ, અમરેલીની છે.

તાલાલા પોલીસ સ્ટેશનના DySP વી. આર. ખેંગારે જણાવ્યું કે દેવાયત ખવડે ગુના માટે બે કાર મેળવી હતી, જેમાં રાજકોટના દાવડા મિલનભાઈ બાબુભાઈ પાસેથી ફોર્ચ્યુનર કાર 15 દિવસ પહેલા અને અમરેલીના મહેશભાઈ અમરૂભાઈ વરુ પાસેથી ક્રેટા કાર 8 દિવસ પહેલા મેળવી હતી. હુમલાના બે દિવસ બાદ 14 ઓગષ્ટે તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળઆઈ મંદિર નજીક જંગલ વિસ્તારમાંથી ગુનામાં વપરાયેલી આ બંને કાર પોલીસને બિનવારસી મળી આવી હતી. પોલીસે બંને કાર કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્રેટા કારના માલિક અમરેલીના મહેશભાઈ અમરૂભાઈ વરુ સીધી રીતે દેવાયત ખવડના સંપર્કમાં નથી. મહેશભાઈએ દેવાયતના પરિચિત દેવેન્દ્રભાઈ સાથે પોતાની ક્રેટા કાર સામે બીજી કારનો સોદો 13.5 લાખમાં કરી દેવેન્દ્રભાઈને પોતાની ક્રેટા કાર આપી હતી. 25 દિવસ પહેલા સોદો થયો હતો, જે પેટે 3.5 લાખની લેતીદેતી બાકી છે. આ ક્રેટા કાર હાલ તાલાલા પોલીસમાં કબ્જામાં છે.

પોલીસે બંને કારના એન્જિન નંબર અને ચેસીસ નંબર પરથી માલિકોની ઓળખ કરી હતી અને બંને કારમાલિકના નિવેદન લેવા માટે તાલાલા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. ફોર્ચ્યુનર કારના માલિક મિલનભાઈ દાવડા દેવાયત ખવડના પરિચિત છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા દેવાયત ખવડ પોતે તેમની પાસેથી ફોર્ચ્યુનર કાર લઈ ગયો હતો.તપાસમાં બહાર આવ્યું છે કે દેવાયત જૂની અદાવતમાં હુમલો કરવાના ઇરાદે આયોજનબદ્ધ રીતે ગીરમાં આવ્યો હતો. ચિત્રોડ પાસે 12 ઓગષ્ટે બુધવારે થયેલી ઘટનામાં દેવાયત સહિત 12થી 15 શખ્સો આ બે કારમાં આવ્યા હતા.

તેમણે ધ્રુવરાજસિંહની કિયા કારને આગળ-પાછળથી ઘેરી લીધી હતી. હુમલા સમયે બંને કાર પર નંબર પ્લેટ નહોતી, એટલે કે ઘટના પહેલા કાઢી નાખવામાં આવી હતી.તાલાલા પોલીસ સ્ટેશને આવેલા ધ્રુવરાજસિંહના પિતા રામચંદ્રજી ચૌહાણે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, અગાઉ સનાથલ ખાતે યોજાયેલા ડાયરામાં આવવા માટે દેવાયત ખવડે પૈસા લીધા હોવા છતાં તે આવ્યો નહોતો. આ અદાવતમાં તેણે ફોન પર ધમકી આપી હતી અને મારા દીકરાની હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, અમને પોલીસની કામગીરી પર સંપૂર્ણ ભરોસો છે અને અમને સોમનાથ દાદા ન્યાય અપાવશે.

પોલીસે દેવાયતના અમદાવાદના ઘરની તપાસ કરી હતી અને તેના પત્ની વૈશાલીબેનની પૂછપરછ કરી છે અને PI જે.એન. ગઢવીએ તેમનું નિવેદન નોંધ્યું છે. વધુમાં, પોલીસે દેવાયત અમદાવાદના ઘર અને સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈના ઘરની તપાસ કરી છે. હાલ પોલીસ આરોપીઓની ધરપકડ માટે તપાસ કરી રહી છે. ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ, ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, તાલાલા પોલીસ સહિત પાંચ ટીમો દેવાયત ખવડ અને તેમના સાગરિતોનું પગેરું દબાવી રહી છે.

ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. ત્યારબાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાંખ્યા હતા. દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી.

ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા ત્યાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો બહાર આવતા જ સનસનાટી મચી ગઈ હતી. મોડી રાત્રે પોલીસે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ હતી. ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તાલાલા દોડી આવ્યા હતા. પોલીસે અલગ-અલગ પાંચ ટીમો બનાવીને દેવાયત ખવડને ઝડપી પાડવા વ્યાપક અભિયાન ચલાવ્યું છે. જેમાં બે દિવસ બાદ 14મી ઓગસ્ટ સાંજે બનાવામાં વપરાયેલી ફોર્ચ્યુનર અને ક્રેટા કાર રેઢી મળી આવી હતી.ધ્રુવરાજસિંહ ચૌહાણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અક્ષરશ: આ પ્રમાણે છે…
‘હું મારા સંબંધી રાજેન્દ્રસિંહ સરવૈયા અને ડ્રાઈવર કિશન પરમાર સાથે તારીખ 11 ઓગસ્ટના રોજ કિયા કારમાં ગીર ફરવા નીકળ્યા હતા. રાત્રે તાલાલાના ચિત્રોડ ગામની સીમમાં ક્રિષ્ના ફાર્મ હાઉસ ખાતે રોકાયા હતા. ત્યારે મારા મોબાઈલ ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ પર પૂજા પંડ્યા નામના એકાઉન્ટથી મેસજ આવ્યો હતો અને મને ગાળો ભાંડી હતી. મને આ ફેક મેસેજ લાગતાં હું ઊંઘી ગયો હતો.’

‘બીજા દિવસે 12 ઓગસ્ટના રોજ સવારે 11.30 વાગ્યે અમે કાર લઈને ક્રિષ્ના ફાર્મથી સોમનાથ દર્શન કરવા નીકળ્યા હતા. ચિત્રોડ પાટિયાથી અંદાજે 200 મિટર દૂર જતાં સામેથી પૂર ઝડપે એક બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર આવી હતી અને મારી કાર સાથે જોરથી અથડાવી હતી. મારી કાર હું પોતે ચલાવતો હતો. બચવા માટે મેં મારી કાર રિવર્સમાં લેતાં પાછળથી બીજી બ્લેક કલરની ક્રેટા કારે જોરથી અથડાવી હતી. ફોર્ચ્યુનર અને ક્રેટા કારે અનેકવાર મારી કારને ટક્કર મારી હતી, જેથી મારી કાર રોડની બાજુમાં ઊતરી ગઈ હતી.’

‘ત્યાર બાદ બંને કારમાંથી 12થી 15 બુકાનીધારી માણસો ઊતર્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. ફોર્ચ્યુનર કારનો ચાલક જેના મોઢા પર બુકાની ઊતરી જતાં તે લોકગાયક દેવાયત ખવડ હતો. બધા બુકાનીધારીઓ પાસે એક સરખા લોખંડની પાઈપ હતી. દેવાયત ખવડે મને મારી ગળાના ભાગેથી પકડીને બહાર ખેંચ્યો હતો. મારા ગળામાં પહેરેલો 15 તોલા સોનાનો ચેઈન અને 4 તોલા લોકેટ ખેંચી તોડીને લઈ લીધું હતું.’

બીજી તરફ, ધ્રુવરાજસિંહ ચૌહાણને તેના ઈન્સ્ટાગ્રામ પર પૂજા પંડ્યા નામના ડમી એકાઉન્ટથી મેસેજ હોવાનું જાણાવ્યા મળ્યું હતું, જેમાં એક મેસેજમાં લખ્યું હતું, ‘આ બાજુ આવવામાં ધ્યાન રાખજે. દેવાયત અડી જશે.’ અન્ય એક મેસેજમાં લખ્યું હતું, ‘લોકેશન મોકલ. તને મળીને જઈશું. 100 ટકા લખીને રાખજે’. ધ્રુવરાજસિંહ ચૌહાણને આ મેસેજ દેવાયત ખવડ અને તેના માણસોએ કર્યા હોવાની પૂરી શક્યતા છે.સૂત્રોના જણાવ્યા મુજબ, ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું, જે દેવાયત ખવડ અને તેના માણસોના ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેમણે ધ્રુવરાજસિંહ ચૌહાણની રેકી કરીને આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat/અમદાવાદ:કાલપુર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં નારણપુરા મંદિરના પાંચ સંતોએ મંદિરનો કર્યો ત્યાગ કાલપુર સ્વામિ. મંદિરના તાબા હેઠળ છે નારણપુરા મંદિર કાલુપુર મંદિરના ગાદીપતિના

આ પણ વાંચો: ફરીથી વિવાદમાં આવ્યું કાલુપુર સ્વામિનારાયણ મંદિર, સાધુ માધવપ્રિયદાસ પરણિતાને લઇ ફરાર

આ પણ વાંચો: અમદાવાદ: સ્વામિનારાયણ મંદિરોમાં સુરક્ષા વધારાઇ ગુરકુલ,કાલુપુર અને સેટેલાઇટ મંદિરોની સુરક્ષા વધારાઇ સાળંગપુર ભીંતચિત્ર વિવાદને લઇ સુરક્ષામાં કરાયો વધારો સ્વામિનારાયણ