Dhandhuka Murder SIT Investigation: અમદાવાદના ધંધુકામાં નજીવી બાબતે થયેલી ધર્મેશ ગમારાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસા મામલે હવે તંત્ર સખત બન્યું છે. શહેરમાં શાંતિ જાળવવા અને દોષિતોને પાઠ ભણાવવા માટે પોલીસે લોખંડી બંદોબસ્ત સાથે મેગા ઓપરેશન શરૂ કર્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોતા સરકારે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાની જાહેરાત કરી છે.
હિંસા અને તોડફોડ કરનારા 125 લોકો સામે ફરિયાદ
ધર્મેશની હત્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ધંધુકામાં ભારે તોડફોડ અને આગચંપી કરી હતી. હોટેલો, ગેરેજ અને વાહનોને નિશાન બનાવનારા આશરે 125 જેટલા લોકો સામે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલા પોતે આ મામલે ફરિયાદી બન્યા છે. અત્યાર સુધીમાં તોડફોડ અને આગજનીના આરોપસર 25 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
Dhandhuka : રાત્રિભર ચાલ્યું મેગા કોમ્બિંગ
અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ 200 થી વધુ પોલીસ જવાનોએ ગત રાત્રિએ ધંધુકાના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે ઘરે-ઘરે જઈને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી અને અનેક તીક્ષ્ણ હથિયારો જપ્ત કર્યા છે. SRP ની ટુકડીઓ અને અન્ય જિલ્લાની પોલીસ પણ હાલ ધંધુકામાં તૈનાત છે.
પીડિત પરિવારને ન્યાયની ખાતરી
એસપી ઓમ પ્રકાશ જાટે મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને ખાતરી આપી છે કે કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. આ સાથે જ, સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવશે જેથી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને પરિવારને વહેલી તકે ન્યાય મળે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા તમામ ગેરકાયદે દબાણો અને સ્ટ્રક્ચર્સને નોટિસ આપીને તોડી પાડવામાં આવશે.
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર
ધર્મેશ ગમારાના પાર્થિવ દેહને ગઈકાલે મોડી રાત્રે જ પોલીસના પહેરા વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભરવાડ સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આક્ષેપ છે કે અગાઉ પણ આવી ઘટનાઓ બની છે, તેથી આ વખતે ન્યાય મળવો જ જોઈએ.
સાયબર ટીમની ચાંપતી નજર
શહેરમાં અફવાઓ ન ફેલાય તે માટે સાયબર પોલીસ સોશિયલ મીડિયા પર સતત નજર રાખી રહી છે. પ્રવેશ અને નિકાસ માર્ગો પર નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં શહેરમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:ધંધુકામાં યુવકની હત્યા બાદ તોફાન! ટોળાએ દુકાન ફૂંકી મારી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
આ પણ વાંચો:ધંધુકામાં 42 લાખના દારૂ સાથે 79 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:ધોલેરા અને ધંધુકાના પોલીસ અધિકારીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન
