Gujarat Weather Forecast April: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોને દઝાડી રહી છે, ત્યારે બીજી તરફ કુદરતનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં આજથી સતત ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ એટલે કે ‘માવઠું’ પડવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે, જેને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.
કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગે 19 થી 21 એપ્રિલ દરમિયાન વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે, જેમાં 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 20 એપ્રિલના રોજ આ જિલ્લાઓ ઉપરાંત તાપી અને ડાંગ જિલ્લામાં પણ માવઠાની અસર જોવા મળશે. જ્યારે 21 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ તેમજ સુરત અને ભરૂચ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
2026 માં ચોમાસું રહેશે નબળું?
માત્ર માવઠું જ નહીં, પરંતુ આગામી ચોમાસાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, વર્ષ 2026 નું ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે, જેમાં દેશભરમાં વરસાદ સરેરાશના માત્ર 92 ટકા (LPA) રહેવાનો અંદાજ છે. આ સ્થિતિને ‘બિલો નોર્મલ’ શ્રેણીમાં ગણવામાં આવે છે. ખાસ કરીને ચોમાસા પર ‘અલ નીનો’ ની અસર જોવા મળી શકે છે, જે વરસાદમાં મોટો ઘટાડો લાવી શકે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું છે કે 21 એપ્રિલ સુધી માવઠું પડ્યા બાદ રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચશે. ખાસ કરીને કચ્છ અને મધ્ય ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ ભેજને કારણે અસહ્ય બફારો અને ઉકળાટ લોકોને પરેશાન કરશે. અમદાવાદમાં પણ તાપમાન 42 ડિગ્રી ને પાર કરી શકે છે.
કેમ બદલાયું વાતાવરણ (Weather)?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર ‘અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન’ સર્જાયું છે. આ સિસ્ટમના કારણે ભેજવાળા પવનો ફૂંકાશે, જે પ્રી-મોન્સૂન એક્ટિવિટી તરીકે ઓળખાય છે.
