Ahmedabad News/ બાવળા પાસે રિક્ષા ડિવાઇડર કૂદી સામેના રોડ પર ફંગોળાઈ, રિક્ષાચાલકનું મોત

અમદાવાદના Bavla-બગોદરા હાઇવે પર કેરાળા બ્રિજ પાસે પેસેન્જર રિક્ષા પલટી જતાં ગંભીર અકસ્માત. રિક્ષાચાલકનું
મોત અને લોકડાયરો જોઈ પરત ફરતા મુસાફરો ઈજાગ્રસ્ત.

Top Stories Ahmedabad Gujarat
Bavla Bagodara Highway Accident

Bavla Bagodara Highway Accident: અમદાવાદના બાવળા-બગોદરા હાઇવે પર શનિવારની વહેલી સવાર મુસાફરો માટે કાળ સાબિત થઈ છે. કેરાળા બ્રિજ પાસે એક પેસેન્જર રિક્ષા બેકાબૂ બની પલટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

લોકડાયરો સાંભળી પરત ફરી રહ્યા હતા મુસાફરો

મળતી માહિતી મુજબ, મૂળ સાણંદના દદુકા ગામના અને હાલ બાવળા રહેતા 60 વર્ષીય હિંમતસિંહ ડોડિયા ભાયલા ખાતે આવેલા મોગલ ધામમાં લોકડાયરો સાંભળવા ગયા હતા. લોકડાયરો પૂર્ણ થયા બાદ વહેલી સવારે 4 વાગ્યાના સુમારે તેઓ અન્ય મુસાફરો સાથે રિક્ષામાં પરત ફરી રહ્યા હતા. રિક્ષાચાલક કનકસિંહ ઝાલા રિક્ષા હંકારી રહ્યા હતા અને તેમાં પાછળના ભાગે મહિલાઓ સહિત અન્ય 6 મુસાફરો સવાર હતા.

સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

રિક્ષા જ્યારે કેરાળા બ્રિજ ઉતરીને કનૈયા હોટલ પાસે પહોંચી, ત્યારે ચાલક કનકસિંહે અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. રિક્ષા એટલી બેકાબૂ હતી કે તે પલટી મારીને સીધી ડિવાઇડર કૂદી હાઇવેની બીજી તરફના રોડ પર ફંગોળાઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને હોટલના કર્મચારીઓ દોડી આવ્યા હતા.

રિક્ષાચાલકનું મોત, અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ગંભીર ઈજાઓને કારણે રિક્ષાચાલક કનકસિંહ ઝાલાનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આગળની સીટ પર બેઠેલા હિંમતસિંહને ખભા અને પગના ભાગે ગંભીર ફ્રેક્ચર થતા બાવળાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે.

Bavla પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બાવળા પોલીસે ઈજાગ્રસ્ત હિંમતસિંહ ડોડિયાની ફરિયાદના આધારે મૃતક રિક્ષાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત પાછળનું ટેકનિકલ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:તમિલનાડુ બોર્ડની માર્કશીટના નામે કૌભાંડ, બેરોજગારો ભરાયા

આ પણ વાંચો: અમદાવાદના શાહપુરમાં મોડી રાતે અકસ્માત બાદ તોડફોડ, વીડિયો વાયરલ

આ પણ વાંચો: અમદાવાદના કૃષ્ણનગરમાં AMTS બસનો અકસ્માત: બેદરકારી સામે ફરી ઉઠ્યા પ્રશ્નો