Gujarat News/ દિલજીત દોસાંઝને ગુજરાતનો રંગ લાગ્યો! ગીરમાં સિંહ સફારી કરી, કાઠિયાવાડી થાળીના કર્યા વખાણ

દિલજીત દોસાંઝે ગીરમાં સિંહ સફારી કરી અને કાઠિયાવાડી થાળીની મજા (Diljit Dosanjh Gujarat Visit) માણી. 21 નવેમ્બરના અમદાવાદ કોન્સર્ટ પહેલાં નશાવાળાં ગીતો ન ગાવા પોલીસને પત્ર લખાયો.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Diljit Dosanjh Gujarat Visit: દિલજીત દોસાંઝની ગીર મુલાકાત

Gujarat News: ગ્લોબલ સ્ટાર અને પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ગુજરાત પ્રવાસ (Diljit Dosanjh Gujarat Visit) દરમિયાન ગીરના જંગલમાં સિંહ દર્શન કર્યા અને કાઠિયાવાડી ભોજનની મોજ માણી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 21 નવેમ્બરે યોજાનારા તેમના કોન્સર્ટ પહેલાં દિલજીતની આ મુલાકાત ચર્ચામાં આવી છે. બીજી તરફ, કોન્સર્ટમાં નશા અને હિંસાને પ્રોત્સાહન આપતાં ગીતો ન ગાવા માટે અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

Diljit Dosanjh Gujarat Visit: સાસણમાં સિંહ દર્શન, કાઠિયાવાડી થાળીની મજા માણી

મંગળવારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે પહોંચેલા દિલજીત દોસાંઝે સિંહ સફારીનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન તેમણે એશિયાઈ સિંહોને નિહાળ્યા (Gir Safari) અને ગીરના કુદરતી સૌંદર્યનો અનુભવ કર્યો હતો. ગીરની મુલાકાત દરમિયાન તેમણે કાઠિયાવાડી ભોજનની પણ મજા માણી હતી.

Diljit Dosanjh Gujarat Visit: દિલજીત દોસાંઝની ગીર મુલાકાત
Diljit Dosanjh Gujarat Visit: દિલજીત દોસાંઝની ગીર મુલાકાત

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં દિલજીત કાઠિયાવાડી થાળીનો સ્વાદ માણતા જોવા મળે છે. ભોજન પીરસતી વખતે વેઈટર દ્વારા શરૂઆતમાં મીઠાઈ આપવામાં આવતાં દિલજીતે રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, ‘ભોજન પહેલાં જ મીઠાઈ આવી ગઈ? પહેલાં મીઠું ખાઈ લઈશું તો ભોજન કઈ રીતે ખાશું?’

કાઠિયાવાડી ભોજનના કર્યા વખાણ

કાઠિયાવાડી થાળીનો સ્વાદ માણ્યા બાદ દિલજીતે ગુજરાતના ભોજનનાં વખાણ પણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, ‘તમે ગુજરાત આવ્યા છો અને કાઠિયાવાડી થાળી (Kathiyawadi Food) ખાધી છે તો સ્વાદની ખબર જ હશે. અહીંનું ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ છે. જો તમે ગુજરાત નથી આવ્યા તો અહીં આવો અને ભોજનનો સ્વાદ માણો.’

દિલજીતની આ મુલાકાતથી કોન્સર્ટની સાથે ગુજરાતના વન્યજીવન અને પર્યટન સ્થળો તરફ પણ ધ્યાન ખેંચાયું છે. ગીરના સિંહ, સાંસ્કૃતિક વારસો અને સ્થાનિક ભોજન જેવા અનુભવો રાજ્યમાં કોન્સર્ટ ટૂરિઝમની સંભાવનાઓને પણ ઉજાગર કરે છે.

કોન્સર્ટમાં નશાને પ્રોત્સાહન આપતાં ગીતો ન ગાવા રજૂઆત

દિલજીત દોસાંઝનો લાઇવ કોન્સર્ટ 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનો (Ahmedabad Concert 2026) છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી એક લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે. આ દરમિયાન કોન્સર્ટમાં નશાને પ્રોત્સાહન આપતાં ગીતો ન ગાવા માટે રજૂઆત કરવામાં આવી છે.

ચંદીગઢના એક સામાજિક કાર્યકર દ્વારા આ અંગે પત્ર મોકલવામાં આવ્યા બાદ અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. કોન્સર્ટમાં પાંચ વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને પ્રવેશની મંજૂરી હોવાથી બાળકો પર ગીતોની અસર અને કાર્યક્રમ દરમિયાનની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રજૂઆત કરાઈ છે.

‘પટિયાલા પેગ’ સહિતનાં ગીતો ન ગાવા માગ

રજૂઆતમાં ‘પટિયાલા પેગ’, ‘5 તારા ઠીકે’, ‘જીબ વિખો ફીમ લબ્બિયા’ અને ‘જાટ ઉથે ફાયર કરડા જીથે પબંદી હથિયારા દી’ જેવાં ગીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગીતોમાં દારૂ, માદક દ્રવ્યો અને હથિયારોને પ્રોત્સાહન મળતું હોવાનો આક્ષેપ કરીને કોન્સર્ટ દરમિયાન આવાં ગીતો ન ગાવા માગ કરવામાં આવી છે.

Diljit Dosanjh Gujarat Visit: દિલજીત દોસાંઝની ગીર મુલાકાત

આ ઉપરાંત, સ્ટેજ પર બુલેટ બેલ્ટ ન પહેરવા અને બાળકોને સ્ટેજ પર ન બોલાવવા પણ રજૂઆત કરવામાં આવી છે. લાઇવ શો દરમિયાન 120 ડેસિબલ સુધીનો અવાજ બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે તેવી બાબતનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ પોલીસ કમિશનરને લખ્યો પત્ર

અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તન્વીકા પરમારે જણાવ્યું હતું કે, ચંદીગઢના એક સામાજિક કાર્યકર તરફથી 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંઝના શો અંગે પત્ર મળ્યો હતો. દેશમાં ચાલી રહેલા નશામુક્ત અભિયાનને ધ્યાનમાં રાખીને કોન્સર્ટમાં નશાને પ્રોત્સાહન આપતાં ગીતો ન ગવાય અને અભિયાનની ગરિમા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે.


આ પણ વાંચો: ઇન્દોર કોન્સર્ટમાં ગીતો પર રોકથી નારાજ થયા દિલજીત દોસાંઝ, રાહત ઇન્દોરીના શેર સંભળાવી આપ્યો જવાબ

આ પણ વાંચો: ‘આ મ્યુઝિક શો છે, કોઈ પોલિટિકલ અખાડો નહીં’ – કેનેડામાં દિલજીતે ખાલિસ્તાનીઓને સ્ટેજ પરથી ખખડાવ્યા

આ પણ વાંચો: દિલજીતના ક્યારેક આલ્કોહોલ તો ક્યારેક આલ્બમની ટિકિટને લઈ સૌથી વધુ ચર્ચાતા નામ પાછળનું મુખ્ય કારણ