Gujarat News : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોંઘવારીએ (Inflation)સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે. એક તરફ તહેવારોની ખરીદી અને ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘી, બટર, દૂધની બનાવટો, કઠોળ અને ચોખા જેવી ખાદ્ય સામગ્રી મોંઘી બની છે. એટલું જ નહીં, રાંધણ ગેસ, CNG અને પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવને કારણે મધ્યમ વર્ગના પરિવારોનું ઘરખર્ચનું ગણિત ખોરવાયું છે. વધતી મોંઘવારી વચ્ચે આ વખતે દિવાળીની ઉજવણી પણ બજેટ પ્રમાણે કરવાની નોબત આવી શકે છે.
દિવાળી પહેલાં ખાદ્ય સામગ્રીના ભાવમાં વધારો
દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને વિવિધ વાનગીઓ બનાવવા માટે ઘી, બટર અને દૂધની બનાવટોનો વધુ ઉપયોગ થાય છે. જોકે, તહેવાર પહેલાં જ આ ચીજવસ્તુઓના ભાવમાં વધારો (Diwali Inflation)થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અમૂલ દ્વારા ઘી અને બટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 500 ગ્રામ શુદ્ધ ઘીનો પાઉચ રૂ.325થી વધીને રૂ.345 થયો છે. જ્યારે 500 ગ્રામ બટરના ભાવમાં રૂ.15 અને 100 ગ્રામના પેકેટમાં રૂ.3નો વધારો થયો છે.
બીજી તરફ, બજારમાં કઠોળના ભાવ પણ ઊંચા ગયા છે. તુવેર દાળનો ભાવ પ્રતિ કિલો રૂ.100થી વધીને રૂ.130 થયો છે. મગની દાળ રૂ.120 પ્રતિ કિલો, ચણાની દાળ રૂ.95 અને અડદની દાળ રૂ.105ના ભાવે વેચાઈ રહી છે. ચોખાની વિવિધ જાતોના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ.20થી રૂ.25 સુધીનો વધારો નોંધાયો છે.
CNG અને રાંધણ ગેસના ભાવવધારાથી પરિવહન મોંઘું
ખાદ્ય ચીજવસ્તુઓ બાદ હવે વાહનચાલકો અને ગેસના ગ્રાહકોને પણ મોંઘવારીનો માર પડી રહ્યો છે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.2.30નો વધારો (CNG Price Hike)કરવામાં આવ્યો છે. આ વધારા સાથે અમદાવાદમાં CNGનો ભાવ રૂ.100.77 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. છેલ્લા છ મહિનામાં CNGના ભાવમાં ઓછામાં ઓછા છ વખત વધારો થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત વડોદરા ગેસ લિમિટેડે પણ CNGના ભાવમાં (CNG Price Hike)પ્રતિ કિલો રૂ.1.50 અને ઘરેલું PNGના ભાવમાં પ્રતિ યુનિટ 50 પૈસાનો વધારો કર્યો છે. રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો અને સ્કૂલ વાન સંચાલકો માટે આ ભાવવધારો વધારાના આર્થિક બોજ સમાન બન્યો છે. 1 નવેમ્બરથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ રૂ.10થી રૂ.17 સુધીનો વધારો નોંધાયો છે.
પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવથી સામાન્ય જનતા પર બોજ
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ આશરે રૂ.102 અને ડીઝલનો ભાવ આશરે રૂ.82 પ્રતિ લિટરના સ્તરે પહોંચ્યો છે. ઈંધણના ઊંચા ભાવની અસર માત્ર વાહનચાલકો પૂરતી મર્યાદિત રહેતી નથી, પરંતુ પરિવહન ખર્ચ વધવાથી અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ તેની અસર પડી શકે છે. પરિણામે સામાન્ય પરિવારના માસિક ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.
ભેળસેળ અને સંગ્રહખોરીની ચિંતાએ તહેવારોની મજા બગાડી
તહેવારોની મોસમમાં ખાદ્ય ચીજવસ્તુઓની માગ વધતી હોવાથી ભેળસેળ અને સંગ્રહખોરીની ચિંતા પણ વધી રહી છે. બજારમાં અસલી ઘીની ઉપલબ્ધતા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે અને ભેળસેળયુક્ત ઘીના વેપારની ફરિયાદો પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને ઊંચા ભાવ ચૂકવવા છતાં ગુણવત્તાયુક્ત વસ્તુઓ મળશે કે નહીં તે ચિંતા સતાવી રહી છે.
એકંદરે, દિવાળી પહેલાં જ જીવનજરૂરી વસ્તુઓ અને ઈંધણના ભાવમાં થયેલા વધારા (Diwali Inflation)એ સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ બગાડ્યું છે. મર્યાદિત આવકમાં ઘરખર્ચ, બાળકોની જરૂરિયાતો અને તહેવારોની ખરીદી વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. હવે મોંઘવારી (Inflation)પર અંકુશ મેળવવા અને સંગ્રહખોરી-ભેળસેળ સામે અસરકારક કાર્યવાહી કરવા તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
