આપણે જે ખોરાક લઈએ છીએ તે માત્ર પેટ ભરવાનું માધ્યમ નથી, પરંતુ તે શરીરને ચલાવવા માટે ઊર્જા અને વિટામિન્સ પૂરા પાડતો મુખ્ય સ્ત્રોત છે. જોકે, મોટાભાગના લોકો જમ્યા (eating)પછી તરત જ એવી આદતોને વશ થઈ જાય છે જે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર કરે છે. આ આદતો સીધી આપણી પાચન પ્રક્રિયા અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.
પાચન ક્રિયાને સમજવી કેમ જરૂરી છે?
જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ત્યારે આપણું શરીર તેને પચાવવા અને તેમાંથી પોષક તત્વો મેળવવા માટે સક્રિય બને છે. આ સમયે પેટના ભાગમાં લોહીનું પરિભ્રમણ સામાન્ય કરતાં વધી જાય છે. જો આ જ સમયે કોઈ ખોટી પ્રવૃત્તિ કરવામાં આવે તો પાચનતંત્રના કામમાં અવરોધ આવે છે અને શરીરમાં અસ્વસ્થતા વધવા લાગે છે. તેથી, ભોજન પછી શું કરવું અને શું ન કરવું તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
ભોજન કર્યા બાદ તરત જ આ 4 ભૂલો ક્યારેય ન કરો:
(1). ભારે કસરત કે વર્કઆઉટ ન કરો: હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, જમ્યા પછી તરત જ જોરદાર કસરત કે વેઈટ લિફ્ટિંગ કરવાથી પેટમાં અસહ્ય ખેંચાણ, ઉબકા અને અપચાની સમસ્યા થઈ શકે છે.
(2). ઝડપથી ચાલવાનું ટાળો: જમ્યા પછી વોકિંગ કરવું સારું છે, પરંતુ તરત જ સ્પીડમાં ચાલવાથી પાચનમાં ગરબડ થઈ શકે છે. ચાલવું જ હોય તો એકદમ હળવી ગતિએ ટહેલવું જોઈએ.
(3). તરત જ પથારીમાં ન જાઓ: જમીને તરત જ આડા પડવાથી અથવા સૂઈ જવાથી પેટનું એસિડ અન્નનળી તરફ પાછું ફરે છે, જેને કારણે એસિડ રિફ્લક્સ (એસિડિટી) અને છાતીમાં બળતરા થવાનું જોખમ ખૂબ વધી જાય છે.
(4). ઓવરઇટિંગથી બચો:જરૂર કરતાં વધુ ખોરાક પેટમાં નાખવાથી પેટ ભારે થઈ જાય છે, ગેસ બને છે અને પાચનક્રિયા સંપૂર્ણપણે ધીમી પડી જાય છે. સંતુલિત માત્રામાં જ ખાવું હિતાવહ છે.
જમ્યા પછી વોકિંગ અને ઊંઘ વચ્ચે કેટલો સમય રાખવો?
જો તમે જીમ કે કોઈ ભારે શારીરિક કસરત કરવા માંગતા હોવ, તો ભોજન અને કસરત વચ્ચે ઓછામાં ઓછો 1 થી 2 કલાકનો ગેપ રાખવો જોઈએ. તે જ રીતે, રાત્રે જમ્યા પછી તરત જ ઊંઘી જવાના બદલે અંદાજે 2 થી 3 કલાક બાદ સૂવાની ટેવ પાડવી જોઈએ, જેથી ખોરાક સરળતાથી પચી જાય.
તંદુરસ્ત રહેવા માટે આ વાતો ગાંઠે બાંધી લો:
હંમેશા શાંતિથી અને ખોરાકને બરાબર ચાવીને ખાવાની આદત રાખો. જમ્યા પછી તરત જ લોટા ભરીને પાણી પીવાનું ટાળો. ધૂમ્રપાન અથવા દારૂનું સેવન પાચનતંત્રને બગાડે છે, તેથી તેનાથી દૂર રહો. જો આ બધી કાળજી રાખવા છતાં તમને વારંવાર ગેસ, એસિડિટી કે પેટમાં ભારેપણું રહેતું હોય, તો કોઈ સારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લો.
