ચોમાસા (monsoon) ની ઋતુ શરૂ થતાં જ હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે મોટાભાગના લોકોને સ્કેલ્પમાં ચીકાશ, ડેન્ડ્રફ અને વાળ ખરવાની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બજારમાં મળતા મોંઘા અને કેમિકલયુક્ત હેર પ્રોડક્ટ્સ ઘણીવાર વાળને ફાયદો પહોંચાડવાને બદલે વધુ નુકસાન કરે છે. આવી સ્થિતિમાં આપણો પરંપરાગત અને દેશી ઉપાય એટલે કે ‘મુલતાની માટી’ (MultaniMitti )વાળની તમામ સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તે વાળને કોઈ પણ આડઅસર વિના કુદરતી રીતે સ્વચ્છ અને સુંદર બનાવે છે.
વાળ માટે મુલતની માટી કેમ છે ગુણકારી?
મુલતાની માટી ખોપરીની ત્વચા પર જમા થયેલો વધારાનો સીબમ (તેલ) અને પ્રદૂષણના કણોને ખેંચી લે છે. તેમાં રહેલા ખાસ તત્વો સ્કેલ્પના બ્લડ સર્ક્યુલેશનને વેગ આપે છે, જેથી વાળના મૂળને પૂરતું પોષણ મળે છે. નિયમિત અને સાચી રીતે તેનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ વધે છે, ખોડો ગાયબ થાય છે અને વાળ કુદરતી રીતે સોફ્ટ બને છે.
હેર ટાઈપ પ્રમાણે બનાવો આ ખાસ હેર માસ્ક:
મુલતાની માટી સીધી લગાવવાથી વાળ ડ્રાય થઈ શકે છે, તેથી તેને નીચે મુજબ હોમમેઇડ પેક બનાવીને જ લગાવવી જોઈએ.
ઓઈલી સ્કેલ્પ અને ખોડા માટે (લિબું-ગુલાબજળ પેક):
જો ચોમાસામાં તમારા વાળ અતિશય ચીકણા થઈ જતા હોય, તો ૩ ચમચી મુલતાની માટીમાં ૨ ચમચી ફ્રેશ લીંબુનો રસ અને જરૂરિયાત મુજબ ગુલાબજળ મેળવીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. આ પેકને વાળના મૂળમાં લગાવીને ૩૦ મિનિટ માટે છોડી દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. આનાથી ચીકાશ દૂર થશે અને સ્કેલ્પ ઈન્ફેક્શનથી રાહત મળશે.
ડ્રાય અને ડેમેજ્ડ વાળ માટે (દહીં-મધ પેક):
સૂકા કે બેજાન વાળ ધરાવતા લોકોએ ૩ ચમચી મુલતાની માટીમાં ૪ ચમચી ઘટ્ટ દહીં અને ૧ મોટી ચમચી મધ ઉમેરવું જોઈએ. દહીં અને મધનું મિશ્રણ વાળને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે. આ હેર માસ્કને અડધા કલાક સુધી લગાવી રાખ્યા બાદ હળવા નેચરલ શેમ્પૂથી વાળ સાફ કરી લો.
અઠવાડિયામાં માત્ર એક જ વાર આ કુદરતી ઉપચાર કરવાથી ચોમાસાની ઋતુમાં પણ તમારા વાળ સિલ્કી, લાંબા અને હેલ્ધી રહેશે. બસ એટલું ધ્યાન રાખવું કે ધોતી વખતે માટીના કણો વાળમાં રહી ન જાય.
