Usa News : હાલમાં અમેરિકામાં ચૂંટણીના પડઘમ લાગી રહ્યા છે. ચૂંટણીને હવે 15 દિવસ જ બાકી રહ્યા છે. 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારબાદ નક્કી થશે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે સત્તામાં પાછા ફરશે કે કમલા હેરિસ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. જો કે ચૂંટણી પહેલાં અમેરિકામાં રાજકારણ ખૂબ જ તેજ બની ગયું છે.દરમિયાન રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલ્વેનિયામાં મેકડોનાલ્ડ્સ પહોંચ્યા અને ત્યાં શેફ તરીકે કામ કર્યું. એટલું જ નહીં ટ્રમ્પે તેમના ડેમોક્રેટિક હરીફ કમલા હેરિસની પણ મજાક ઉડાવી હતી. ટ્રમ્પે કહ્યું, ‘મેં મેકડોનાલ્ડ્સમાં કમલા હેરિસ કરતાં 15 મિનિટ વધુ કામ કર્યું.’
તમને જણાવી દઈએ કે કમલા હેરિસે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ સ્ટુડન્ટ હતા ત્યારે તેમણે અમેરિકામાં મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું હતું. ટ્રમ્પે તેમના દાવા પર કટાક્ષ કર્યો હતો.ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલ્વેનિયાના ફિસ્ટરવિલે-ટ્રેવોઝમાં મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. તેમણે દાવો કર્યો હતો કે હેરિસે ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું નથી. મેકડોનાલ્ડ્સ પહોંચ્યા પછી ટ્રમ્પે શેફનું એપ્રોન પહેર્યું અને અન્ય કર્મચારીઓ સાથે વાત કરતી વખતે ફ્રાઈસ બનાવવાનું કામ કર્યું. તેમણે રેસ્ટોરન્ટના ડ્રાઇવ થ્રુમાં લોકોને ખાવાનું પણ પીરસ્યું.મેકડોનાલ્ડ્સમાં કામ કરતા ડોનાલ્ડ ટ્રમ્પનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
જેમાં જોઈ શકાય છે કે તે મેકડોનાલ્ડના સ્ટોર પર જાય છે અને તેમનું જેકેટ ઉતારે છે. આ પછી તેઓ કાળા અને પીળા રંગનું એપ્રોન પહેરે છે. તેઓ મેકડોનાલ્ડના કર્મચારીઓની મદદથી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવે છે. એક કર્મચારીએ તેમને ફ્રાઈરમાં ફ્રાઈસનું બકેટ કેવી રીતે ડુબાડવી તે બતાવ્યું. તેના પર મીઠું ભભરાવ્યું અને સ્કૂપની મદદથી કન્ટેનરમાં રાખ્યું.ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવું જ કર્યું. આ પછી તેમણે મેકડોનાલ્ડ્સની બહાર કારમાં હાજર ગ્રાહકોને ફ્રાઈસ આપ્યા. તમને જણાવી દઈએ કે અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે જણાવ્યું કે 1980ના દાયકામાં તે કેલિફોર્નિયામાં મેકડોનાલ્ડની ફાસ્ટ-ફૂડ ચેઈનમાં કામ કરતાં હતાં.
જોકે, ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે કમલા હેરિસે ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું નથી. ટ્રમ્પે કહ્યું, “તે તેમના (કમલા હેરિસ) રિઝ્યૂમનો મોટો ભાગ હતો કે તેમણે મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું. તે કેટલું મુશ્કેલ હતું. તેમણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવ્યા. ગરમીને લઈને વાત કરી. તેમણે ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું નથી. કમલા પર કટાક્ષ કરતા કહ્યું કે મેં મેકડોનાલ્ડ્સમાં કમલા કરતાં 15 મિનિટ વધુ કામ કર્યું છે.”ગયા મહિને જ ઇન્ડિયાના અને પેન્સિલ્વેનિયામાં પોતાના પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ફ્રાય કૂક તરીકે કામ કરવા માગે છે. જેથી આપણે જોઈ શકીએ કે તે કેવું હોય છે.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં બંને ઉમેદવારો સતત પેન્સિલ્વેનિયાની મુલાકાત લઈ રહ્યા છે. બંને માને છે કે વિજય સુનિશ્ચિત કરવા માટે આ રાજ્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બંનેએ પોતાના ચૂંટણી પ્રચાર માટે આ રાજ્યમાં કરોડો ડોલરનો ખર્ચ કર્યો છે.અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણીનાં બે અઠવાડિયાં પહેલાં બંને ઉમેદવારો વચ્ચે જોરદાર સ્પર્ધા છે. બંને ઉમેદવારો મુખ્ય રાજ્યોમાં જોરશોરથી પ્રચાર કરીને પોતાના પ્રયાસો વધારી રહ્યા છે.
આ પણ વાંચો:કેનેડામાં ડર હેઠળ જીવતા ભારતીયો, બે ટંકનું રળવું પણ મુશ્કેલ
આ પણ વાંચો:પિતા-પુત્રની સરકાર વખતે જ ભારત અને કેનેડાના સંબંધો કેમ બગડ્યા?
