Lifestyle News: વરસાદની ઋતુમાં કીડી તથા અન્ય જીવ-જંતુઓનો જાણે કે રાફડો ફાટી નીકળે છે. એમને મારવાની જગ્યાએ, ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓમાંથી ખાસ સ્પ્રે બનાવીને તમે એમને ઘરથી દૂર ભગાડી શકો છો.
વરસાદી મોસમમાં કીડી સહિત કેટલાય કીડા-મંકોડા ઘરમાં વધારે પ્રમાણમાં નજરે ચઢે છે. ખાસ કરીને, રસોડામાં અથવા બાલ્કનીમાં તો એમની લાંબી હરોળ જોવા મળે છે. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ધાર્મિક દ્રષ્ટિએ આ મહિનાનું અત્યંત વિશેષ મહત્વ છે. શ્રાવણમાં લોકો નૉનવેજ કે દારુનું સેવન કરવાનું ટાળે છે, અને ઘણા ઘરોમાં તો ડુંગળી-લસણ પણ ખાવામાં નથી આવતા.
આવામાં કીડી સહિત કોઇ પણ જીવ-જંતુને મારવાનું ઉચિત માનવામાં નથી આવતું. પરંતુ, આ દિવસોમાં તમને ઘરમાં લાલ કે કાળી કીડીઓની લાંબી હરોળ જોવા મળે તો હેરાન-પરેશાન થવાની જરુર નથી. અહિં અમે તમને કેટલાક એવા નુસખા બતાવીશું કે, જેમની મદદથી ચોમાસામાં ઉભરાતી ઢગલાબંધ કીડીઓને માર્યા વિના જ તમે ઘરમાંથી દૂર ભગાડી શકશો.
કીડીઓને ભગાડવાનાં ઘરગથ્થુ નુસખા
કીડીઓને ઘરમાંથી દૂર ભગાડવા માટે તમે હોમમેઇડ સ્પ્રે બનાવી શકો. આ માટે અડધા ગ્લાસ પાણીમાં આશરે અડધી ચમચી હીંગ નાખો, સાથે જ થોડું ડૅટોલ ભેળવી દો. આ તમામ સામગ્રીને સારી રીતે હલાવી લો અને એક સ્પ્રે બોટલમાં ભરી લો. જ્યાં પણ તમને કીડીઓ નજરે ચઢે, ત્યાં એનો છંટકાવ કરો. થોડી વારમાં જ જોશો કે, એ સ્થળે કીડીઓનું નામોનિશાન નહિં રહે. તમે આ સ્પ્રે ને પાણીમાં નાખીને ઘરમાં પોતું પણ મારી શકો છો. એની વાસથી કીડીઓ ઘરમાં નહિં આવે.
તજ પાઉડરથી પણ કીડીઓ ભાગે છે
જો તમને કોઇ જગ્યાએ કીડીઓનું ઝુંડ અથવા તો ઘણા બધા ઈંડા દેખાય તો, ત્યાં એક તજનો ટુકડો મૂકી દો. આમ કરવાથી, એ સ્થળેથી કીડીઓ તરત જતી રહેશે. આ ઉપાય કરવાથી, કીડીઓને માર્યા વિના જ તમે રસોડામાંથી દૂર ભગાડી શકો છો.
સિરકા(વિનેગર)ને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બનાવો
તમે સિરકાનો ઉપયોગ કરીને પણ કીડીઓને ભગાડી શકો છો. થોડું પાણી લઇ, એમાં વિનેગર મિક્સ કરો. જ્યાં-જ્યાં પણ કીડીઓ દેખાય, ત્યાં-ત્યાં એનો છંટકાવ કરો. આમ કરવાથી, થોડા જ સમયમાં કીડીઓ ગાયબ થઇ જશે!
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
