Lifestyle News: ચોમાસાની ઋતુમાં તમે કેળના રોપાની વાવણી સરળતાથી કરી શકો છો. આ ઋતુમાં એનો વિકાસ ઘણો સારો થાય છે. કેળના રોપાને ઘર આંગણાની ખુલ્લી જમીનમાં અથવા તો ધાબા પર પણ વાવી શકાય છે.
આજકાલ લોકો પોતાના ઘર આંગણે જ ખેતી કરવા લાગ્યા છે. જો તમને પણ તમારા ઘરે ફૂલ-છોડ ઉગાડવાનો શોખ હોય તો, આ ચોમાસામાં કેળાંનો છોડ તમે આસાનીથી તમારા ઘરે લગાવી શકો છો. ચોમાસાની ઋતુ કેળના રોપાની વાવણી માટે ઉત્તમ ગણાય છે. જો આ ઋતુમાં તમે કેળ વાવી દેશો તો શિયાળો આવતા સુધીમાં તો એના પર ફળ આવવા લાગશે!
કેળાંનો છોડ તમારા બગીચાની શોભા વધારે છે એટલું જ નહિં પણ, સાથે-સાથે એના ફળ પણ સ્વાસ્થ્ય માટે ઘણા જ પૌષ્ટિક હોય છે. કેળાની ખાસ વાત એ છે કે, એને તમામ ઉંમરના લોકો ખાઇ શકે છે અને પસંદ પણ કરે છે. એમાંથી આપણને ફાઇબર, પોટૅશિયમ અને કેટલાય પ્રકારના વિટામિન પ્રાપ્ત થાય છે.
કેળના રોપાને ક્યાં વાવવો?
કેળાનો છોડ ઘરના આંગણે વાવવો એ ધાર્મિક દ્રષ્ટિએ પણ શુભ ગણાય છે, જો કે એને કઇ દિશામાં વાવવો એ તો વાસ્તુશાસ્ત્રનો વિષય છે! તમે તમારા ઘરના ધાબા પર, બાલ્કની કે પછી આંગણામાં કેળ રોપી શકો છો. કેળનો છોડ લગાવતી વખતે પ્રકાશ અને પાણીનું ધ્યાન રાખવું આવશ્યક હોય છે. સૂર્યપ્રકાશની સાથે-સાથે એને વધારે પાણીની પણ જરુર પડે છે. કેળ વાવ્યાં બાદ, નિયમિત રીતે ખાતર આપવું અને સમયાંતરે એના સુકાઇ ગયેલા પાંદડાઓને દૂર કરવાનું યાદ રાખવું.
કેળાંનો છોડ શી રીતે વાવવો?
કેળાંના છોડને લગાવવા માટે સૌપ્રથમ હળવી માટીની પસંદગી કરવી. જો તમે એને કૂંડામાં લગાવી રહ્યાં છો તો, મોટી સાઇઝનું કૂંડુ લેવું. છોડ વાવતા પહેલા માટીને સારી રીતે તૈયાર કરી લેવી. માટીમાં તમે જૈવિક ખાતર પણ મિક્સ કરી શકો છો. હવે કેળના રોપાને લગાવ્યા બાદ, સમયાંતરે પાણી આપતા રહેવું, કેમ કે એને પાણીની જરુર વધારે પ્રમાણમાં પડે છે. અઠવાડિયામાં એક વાર છાણીયું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ પણ અવશ્ય નાખો. આવું કરવાથી છોડમાં પોષક તત્વોની ઉણપ જણાશે નહિં.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
