New Delhi News: એર ઈન્ડિયાના વધુ બે પાયલટ પ્રાથમિક ડ્રગ ટેસ્ટ (Drug Test)માં પોઝિટિવ મળ્યા છે. બંને પાયલટોને ફાઈનલ રિપોર્ટ આવે ત્યાં સુધી ડ્યુટી અને ફ્લાઈટ રોસ્ટરમાંથી હટાવવામાં આવ્યા છે. અત્યાર સુધી 300થી વધુ પાયલટની તપાસ થઈ ચૂકી છે.
2 પાયલટ ડ્રગ ટેસ્ટ (Drug Test)માં પોઝિટિવ
એર ઈન્ડિયા(Air India) ના બે વધુ પાયલટ પ્રાથમિક તપાસમાં પોઝિટિવ મળ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, બંનેના ફાઈનલ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ જ બંને પાયલટ સામે આગળની કાર્યવાહી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ફાઈનલ રિપોર્ટ આવે ત્યાં સુધી બંને પાયલટોને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના નામ ફ્લાઈટ રોસ્ટરમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કંપની દ્વારા મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે. એર ઈન્ડિયાના 300થી વધુ પાયલટની અત્યાર સુધીમાં તપાસ થઈ ચૂકી છે. આ તપાસનો હેતુ ઉડાન દરમિયાન પ્રતિબંધિત અથવા સાયકો-એક્ટિવ પદાર્થોના ઉપયોગ અંગે નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે.
ફાઈનલ રિપોર્ટ માટે 24થી 48 કલાકની રાહ
બંને પાયલટના ફાઈનલ ટેસ્ટ રિપોર્ટ(Drug Test) આવવામાં 24થી 48 કલાક અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે. અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ એ સ્પષ્ટ થશે કે પ્રાથમિક તપાસમાં પોઝિટિવ આવેલા પાયલટો સામે કઈ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ હતી. આ ઘટના બાદ કંપનીએ પોતાના પાયલટોની તપાસ વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો હતો.
ટાટા ગ્રુપની બંને એરલાઈન્સમાં 5,000થી વધુ પાયલટ
ટાટા ગ્રુપની એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં કુલ મળીને 5,000થી વધુ પાયલટ છે. કંપની દ્વારા મોકલવામાં આવેલા આંતરિક સંદેશમાં પાયલટોને નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને દવાઓ અંગેની તપાસમાં સહયોગ આપવા જણાવાયું હતું.
આ તપાસ માટે ગુરુગ્રામની એકેડેમી (Gurugram Academy)ઉપરાંત તાલીમ સત્રો, ફ્લાઈટ બાદના બ્રીફિંગ સેન્ટર, કંપનીની ઓફિસ અથવા સંબંધિત બેઝ પર પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરો અને સામાન્ય લોકોમાં વિશ્વાસ જાળવવા તથા સુરક્ષાના ઉચ્ચ ધોરણો સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ટર્બ્યુલન્સની ઘટનામાં 24 મુસાફરો થયા હતા ઈજાગ્રસ્ત
4 ઓગસ્ટે ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની AI2379 ફ્લાઈટ ટર્બ્યુલન્સ (Turbulence)માં ફસાઈ હતી. આ દરમિયાન એરબસ A320 વિમાન અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગયું હતું. ઘટનામાં ઓછામાં ઓછા 24 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાનમાં 137 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો સહિત કુલ 145 લોકો સવાર હતા. આ ઘટના બાદ મુખ્ય પાયલટની તપાસમાં મારિજુઆના એટલે કે ગાંજાના સેવનના અહેવાલો સામે આવ્યા હતા.
હવે બે વધુ પાયલટ (Pilot)ના પ્રાથમિક ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ એર ઈન્ડિયા માટે મામલો વધુ ગંભીર બન્યો છે. જોકે, બંનેના અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર મામલાની સ્થિતિ સ્પષ્ટ થશે અને કંપની દ્વારા આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો:એર ઈન્ડિયા ફ્લાઇટમાં ટેકનિકલ ખામી અંગે નવો ખુલાસો! પાયલટનો ડોપ ટેસ્ટ પણ પોઝિટિવ?
આ પણ વાંચો:અમેરિકામાં અપાચે હેલિકોપ્ટર ક્રેશ; બે પાયલટના મોત, ખેતરમાં ફાટી નીકળી ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદ એર ઇન્ડિયા AI-171 પ્લેન ક્રેશ: પાયલટની કોકપિટ વાતચીત જાહેર નહીં થાય, AAIBએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું
