Kutch News : ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ (Drugs) રેકેટનો પર્દાફાશ કરી આશરે 119 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. બ્રાઝીલથી ભારતમાં કોકેઇન પહોંચાડવાના કાવતરાને નિષ્ફળ બનાવતા એક વિદેશી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATSને મળેલી બાતમીના આધારે “Europe” નામના કાર્ગો વહાણ પર નજર રાખવામાં આવી હતી. બાતમી મુજબ વહાણના ક્રૂ મેમ્બર Ngingite Nassoro Jumanne અને Juma Nasir Omar દ્વારા બ્રાઝીલથી 6 થેલામાં કોકેઇન લાવવામાં આવ્યું હતું. આ જથ્થો મુન્દ્રા નજીક દરિયામાં ફિશિંગ બોટ મારફતે દિલ્હી સુધી પહોંચાડવાનો પ્લાન હતો.
ATSના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ મુન્દ્રા ખાતે પહોંચી હતી અને કોસ્ટગાર્ડ સાથે મળીને દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વોચ દરમિયાન “Europe” કાર્ગો વહાણની ઓળખ થતાં જ ટીમે તેની નજીક જઈ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન બે શંકાસ્પદ ઇસમોએ વજનદાર થેલાઓ દરિયામાં ફેંકી દીધા હતા.

કોસ્ટગાર્ડની મદદથી દરિયામાં તરતા પાંચ થેલાઓ રિકવર કરવામાં આવ્યા હતા. જેમાંથી બે થેલાના પાર્સલ ખોલીને તપાસ કરતાં ડ્રગ્સ (Drugs)ડિટેક્શન કિટમાં કોકેઇનની હાજરી મળી આવી હતી. કુલ 115 પેકેટમાંથી 118.977 કિલો કોકેઇન ઝડપાયું હતું. સાથે જ ચાર Apple AirTag પણ મળી આવ્યા હતા.
ત્યારબાદ ATS અને કોસ્ટગાર્ડની ટીમે કાર્ગો વહાણ પર ચડી તમામ ક્રૂ મેમ્બર્સની પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. આરોપી Juma Nasir Omarએ કબૂલાતમાં જણાવ્યું કે તેણે નવેમ્બર 2025થી માલ વહાણના મોટર રૂમમાં છુપાવ્યો હતો અને હેન્ડલરના કહેવા મુજબ ડિલિવરી કરવાનું હતું.
બીજો આરોપી Ngingite Nassoro Jumanne દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે. તપાસ દરમિયાન વહાણમાંથી Garmin કંપનીના બે GPS અને સેટેલાઇટ કોમ્યુનિકેશન ડિવાઇસ પણ મળી આવ્યા છે.
આ કેસમાં દિલ્હી ખાતે રહેલા Kelvin Chukwuma અને Byaruhanga James નામના બે વિદેશી નાગરિકોને પણ ગુજરાત ATSએ દિલ્હી પોલીસની મદદથી રાઉન્ડઅપ કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં તાન્ઝાનિયા, નાઇજીરીયા અને યુગાન્ડાના નાગરિકો સામેલ હોવાનું સામે આવ્યું છે.
મુન્દ્રા પોર્ટ ઓથોરિટી, કોસ્ટલ પોલીસ, મરીન પોલીસ અને ATS વચ્ચેના સંકલનથી આ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ (Drugs) નેટવર્ક તોડી પાડવામાં સફળતા મળી છે. તપાસ એજન્સીઓ હવે આ ડ્રગ્સ (Drugs) કાર્ટેલના આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે.
