Mahesana News: મહેસાણા સ્થિત દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)ની 66મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન અશોક ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં દૂધસાગર ડેરીએ અત્યાર સુધીનો સૌથી વધુ રૂ.455 કરોડનો નફો નોંધાવ્યો હોવાનું જાહેર કર્યું છે. સાથે જ ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂ.9,043 કરોડ રહ્યું છે. આ સભામાં પશુપાલકોને ચૂકવવામાં આવતા અંતિમ દૂધ ફેટના ભાવમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ પ્રતિ કિલો ફેટ રૂ.983 મળતા હતા, જે હવે વધારીને રૂ.1003 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યા છે. એટલે કે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ રૂ.20નો વધારો મળશે.
Dudhsagar Dairyનો રૂ.455 કરોડનો રેકોર્ડ નફો
દૂધસાગર ડેરીના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષ દરમિયાન સંસ્થાએ રૂ.455 કરોડનો નફો નોંધાવ્યો છે. ગત વર્ષે આ નફો રૂ.437 કરોડ હતો. આમ, એક વર્ષમાં ડેરીના નફામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત સંસ્થાએ વર્ષ દરમિયાન રૂ.9,043 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. ડેરીના ઇતિહાસમાં આ નફો અત્યાર સુધીનો સૌથી મોટો નફો હોવાનું સભામાં જણાવાયું હતું.
દૂધની રોજિંદી આવકમાં 2.50 લાખ લીટરનો વધારો
ડેરીની દૂધની દૈનિક આવકમાં પણ વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ રોજિંદી દૂધ આવકમાં આશરે 2.50 લાખ લીટરનો વધારો થયો છે. આગામી શિયાળાની સિઝનમાં દૂધની દૈનિક આવકને વધારીને 50 લાખ લીટર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સભા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારી દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
હવે પશુપાલકો પાસેથી છાણની પણ ખરીદી કરાશે
પશુપાલકોની આવકમાં વધારો કરવાની સાથે પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) દ્વારા છાણની ખરીદી કરવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે. મહેસાણા, ખેરાલુ અને પાટણ ખાતે બાયો-CNG અને જૈવિક ખાતરના પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. છાણમાંથી પ્રક્રિયા બાદ મળતી સ્લરીનો ઉપયોગ કરી પશુપાલકોને રાહત દરે જૈવિક ખાતર ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
12 દૂધાળા પશુની યોજના હેઠળ 1600 અરજીઓ મંજૂર
પશુપાલન ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની 12 દૂધાળા પશુની યોજના હેઠળ દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) દ્વારા 1,600 અરજીઓ મંજૂર કરાવવામાં આવી હોવાનું જણાવાયું છે. આ યોજના હેઠળ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ધિરાણ આપવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી વ્યાજ સહાય તેમજ શેડ અને મશીનરી માટે સબસિડીની જોગવાઈ કરવામાં આવશે. આગામી વર્ષે આ યોજના હેઠળ 2,500 અરજીઓ કરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
દરેક દૂધ મંડળીમાં અમૂલ પાર્લર શરૂ કરવાની યોજના
દૂધ મંડળીઓની આવક વધારવા માટે દરેક મંડળી ખાતે ‘અમૂલ પાર્લર’ શરૂ કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે. આ પાર્લરમાં અમૂલની વિવિધ પ્રોડક્ટ્સ ઉપરાંત મીઠાઈ અને ફરસાણનું વેચાણ કરવામાં આવશે. આ વ્યવસાયમાંથી થતો નફો સંબંધિત દૂધ મંડળીઓને જ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
રિયાંણ ખાતે નવા પ્લાન્ટનું આયોજન
દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) દ્વારા ખડાલ ખાતે ઓર્ગેનિક ઉત્પાદનોના પેકિંગ પ્લાન્ટ અને મધ ઉત્પાદન ક્ષેત્રે કામગીરી બાદ હવે સાગર ડેરીના રિયાંણ ખાતે નવા પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડેરીના જણાવ્યા મુજબ, બોઈલરમાં ઇંધણ તરીકે કચરાનો ઉપયોગ કરવાથી ખર્ચ ઘટાડવા ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણમાં પણ મદદ મળી રહી છે. આગામી 5 વર્ષમાં રૂ.10 હજાર કરોડના વ્યવસાયનું લક્ષ્ય
દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) દ્વારા આગામી પાંચ વર્ષમાં સંસ્થાના વ્યવસાયને રૂ.10,000 કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પશુપાલકોને દૂધના ભાવમાં વધારો, વધારાની આવકના સ્ત્રોત, બાયો-CNG અને ઓર્ગેનિક ખાતર જેવા પ્રોજેક્ટ તથા પશુપાલન ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપતી યોજનાઓ દ્વારા સંસ્થાએ પશુપાલકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો:ભાજપના બંગાળ વિજયમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને તેમની ટીમનો જબરદસ્ત ફાળો
આ પણ વાંચો:દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાયઃ અલ્પેશ ઠાકોર
આ પણ વાંચો:મહેસાણા દૂધસાગર ડેરી વિવાદમાં! સમગ્ર રાજકારણમાં પાટીદાર સમાજના ભાવિ પર સવાલ
