ગાંધીનગર/ જી.આઇ.ડી.સીના અધિકારીઓનો અનોખો અંદાજને કારણે , નાના ઉધોગકારો ત્રાહિમામ

જી.આઇ.ડી.સીમાં પ્લોટ ટ્રાન્સફર કરવા માટે પ્લાન પાસ કરાવવો ફરજિયાત,પણ ત્યાર બાદ બેફામ ગેરકાયદે બાંધકામો સામે આંખ મિચામણા

Gujarat Others
Untitled 151 જી.આઇ.ડી.સીના અધિકારીઓનો અનોખો અંદાજને કારણે , નાના ઉધોગકારો ત્રાહિમામ

આમ તો ભાજપ સરકાર જ્યારથી ગુજરાતમાં શાશન કરી રહી છે ત્યારથી જ ગુજરાતમાં ઉદ્યોગકારોને સારું વાતાવરણ મળી રહે તે માટે મસમોટા ગ્લોબલ બિઝનસ સમિટ અને વાઇબ્રન્ટ ગુજરાત જેવા બેનરો હેઠળ કરોડો રૂપિયાના પ્રોગ્રામ કરી નાખ્યા પણ અંતે પાટનગરના જ સ્થાનિક અને નાના ઉદ્યોગકારોને હેરાનગતિ વહોરવાનો વારો આવ્યો છે.

જી.આઇ.ડી.સી.ના નવા નિયમ અનુસાર હવે પ્લોટ ટ્રાન્સફર કરવો હોય કે પ્લોટ ધારકના નિધન બાદ વારસાઈ હક્ક હેઠળ પ્લોટમાં વારસદારનું નામ દાખલ કરવું હોય ત્યારે આવી પરિસ્થિતીમાં પ્લોટમાં હાલ જે બાંધકામ છે તે અંગેનું એક પ્લાન પાસ કરાવેલું સર્ટિફિકેટ જી.આઇ.ડી.સી ને રજૂ કરવાનુ હોય છે.આ નવો નિયમ હાલ પ્લોટ ધારકો માટે માથાનો દુખાવો સાબિત થયો છે અને પ્લોટ ટ્રાન્સફર કરવા ઈચ્છુક લોકોને જી.આઇ ડી.સી ના આ તઘલખી ફરમાનને લઈને લાખો રૂપિયાની દંડની રકમ ભરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.

દાખલા તરીકે પિતાના અવસાન બાદ ચાલુ ઉદ્યોગમાં જો તેમના સંતાનોનું નામ દાખલ કરવાનું હોય અને પ્લાન પાસ ન હોય તો દસ વર્ષ માટે પ્લોટને નોનયુઝ તરીકે ગણીને તે પૈકી લાખો રૂપિયા ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.પહેલા આવી કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી ન હતી અને માત્ર ટ્રાન્સફર ફી ભરીને જ પ્લોટ ટ્રાન્સફર કરી આપવામાં આવતો હતો.આ નવા નિયમને લઈને અસંખ્ય પ્લોટ ધારકો હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.ગાંધીનગર જિલ્લાના જી.આઇ.ડી.સી માં સમાવેશ થયેલ ગાંધીનગર,કલોલ દહેગામ અને માણસા જી.આઇ.ડી.સી ના પ્લોટ ધારકો હાલ આ નવા નિયમોને લઈને ત્રાહિમામ પોકારી ઊઠયા છે.નામ ન આપવાની શરતે એક ઉદ્યોગકારે જણાવ્યું કે હાલ મોટા ભાગના પ્લોટ પ્લાન પાસ કરાવ્યા વગર જ વર્ષોથી ઉદ્યોગ કરી રહ્યા છે.૯૦% લોકોને આ નિયમની ખબર જ ન હતી,આતો પ્લોટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરવાની જરૂર પડ્યે આ તમામ બાબતો સામે આવી.હાલ પ્લોટ ધારકોને ૧૦- ૧૦ લાખ સુધીની પેનલટી લગાવવામાં આવી રહી છે.કોઈ ઉદ્યોગકાર નું નિધન થઈ જાય અને તેના વારસદારો પ્લોટ નામે કરવા અરજી કરે તો મસમોટા પેનલટીના બિલ પકડાવી દેવામાં આવે છે.

વાત નિયમ પાડવાની હોય તો હજુ સમજી શકાય પણ જી.આઇ.ડી.સી ના અધિકારીઓને નિયમ સાથે કોઈ નિસ્બત ન હોય તેમ એક વખત ટ્રાન્સફર કરી નાખ્યાં બાદ કોઈ પણ વ્યક્તિ બેફામ બાંધકામ કરી નાખે છતાં જી.આઇ.ડી.સી તેની સામે કોઈ કાર્યવાહી કરતી નથી,હા તમારે ફરી ટ્રાન્સફર કરવાનું થાય તો પ્લાન પાસ કરાવો અને પેનલટી ભરો બાકી નિયમોનું પાલન કરાવવા માટે આ પેનલટી લગાવવામાં આવતી હોય તેવું નથી.

જી.આઇ.ડી.સી ના આવા બોગસ નિયમને લઈને હાલ ઉધોગકારો માં રોષની લાગણી છે.એક તરફ ગુજરાતમાં વહેપાર માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે વાઇબ્રન્ટ ગુજરાત અને ગ્લોબલ બિઝનેસ સમિટ જેવાં ખર્ચાળ પ્રોગ્રામ કરવામાં આવે છે અને બીજી તરફ નાના ઉદ્યોગકારોને આવા તઘલખી નિયમો નાખીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.શું આવા નાના ઉદ્યોગકારોની સરકાર ભાળ લેશે ખરી?આવા અવનવા નિયમોને નાખીને સરકાર નવા ઉદ્યોગકારો ને જી.આઇ.ડી.સી. માં ઉદ્યોગ સ્થાપિત કરવામાં સ્પીડબ્રેકરનું કામ કરી રહી છે.આવા નિયમોને લઈને નવા અને નાના ઉદ્યોગકારો ખાનગી જમીનમાં ઉદ્યોગો સ્થાપવાનું વધુ પ્રિફર કરી રહ્યા છે