તાઉતે વાવાઝોડા બાદ બીજા રાઉન્ડમાં રાજકોટમાં ગઈકાલે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરી બાદ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.બપોર સુધી ધોમ ધખતો તડકો અને અસહ્ય બફારો જોવા મળ્યો હતો. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. પવન સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.

રાત્રીના 12 વાગ્યે આજી 2 ડેમ નો એક દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો
રાજકોટ નજીક આવેલા આજી 2 ડેમ તેની નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ડેમનો એક દરવાજો 0.5 ફૂટ રાત્રીના 12 વાગ્યે ખોલવામાં આવ્યો હતો. ડેમના નીચાણવાળા વિસ્તારના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સફર ગામના લોકોને ચેતવણી આપવામાં આવી હતી.
સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ
સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાં આજે ફરી મેઘરાજાનું અમુક વિસ્તારોમાં આગમન થયું છે.શહેરના યાજ્ઞીક રોડ અને ગોંડલ ચોકડીની નજીકના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત સમગ્ર શહેરમાં વાદળછાયું વાતવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા રસ્તા પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા.

રાત્રે વાતાવરણમાં એકાએક પલટો,મોટા ભાગના વિસ્તરોમાં વરસાદ
રાત્રે રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. શહેરમાં તોફાની પવન ફૂંકાવા સાથે વરસાદ થયો હતો. જેમાં શહેરના જંક્શન વિસ્તાર, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના મોટા ભાગના વિસ્તરોમાં વરસાદ થયો હતો. રાજકોટ જિલ્લાના લોધિકા વિસ્તારના ગામોમાં પવન સાથે વરસાદ થયો હતો. ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો હતો. ગોંડલના દેરડી(કુંભાજી)અને મોટીખિલોરીમાં ધોધમાર વાવણી લાયક વરસાદ થયો હતો.

બે કલાક સુધી વીજળી ગુલ થતા પીજીવીસીએલની પોલ છતી,
વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં અડધો કલાકથી લઈને બે કલાક સુધી વીજળી ગુલ રહી હતી. કન્ઝ્યુમર કેર સેન્ટરમાં ફરિયાદો મળતા પીજીવીસીએલની ટીમ જે-તે વિસ્તારમાં જઈને ફોલ્ટ રિપેર કરી વીજપુરવઠો પૂર્વવત કર્યો હતો. બે-બે કલાક સુધી લાઈટ નહીં આવતા અને વીજકંપનીના ફોલ્ટ સેન્ટરમાં પણ સંપર્ક નહીં થતા લોકો નજીકમાં આવેલી વીજ કચેરીમાં પણ પહોંચી ફરિયાદ કરી હતીવરસાદ પડતાની સાથે જ રવિવારે સાંજે રાજકોટના કાલાવડ રોડ, કોટેચા ચોક સહિતના જુદા જુદા વિસ્તારોમાં પીજીવીસીએલના પાંચથી વધુ ફીડર બંધ પડી ગયા હતા. બે-બે કલાક સુધી લાઈટ નહીં આવતા લોકોએ પીજીવીસીએલના ગ્રાહક સેવા કેન્દ્રમાં અને ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ કરવા ફોન કર્યા પરંતુ સંપર્ક નહીં થઇ શકતા લોકો અકળાયા હતા.

