Ahmedabad News: અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ ત્રાટકી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અમદાવાદના પ્રખ્યાત અનસ ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં એક સાથે નવ સ્થળોએ દરોડા પાડતા શહેરની વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. અનસ ગ્રુપ (Anas Group) એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો અને સમા ફિલ્ટર ખૈની જેવી બ્રાન્ડ હેઠળ તમાકુના ઉત્પાદન સાથે જોડાયેલું છે.
EDના દરોડામાં મળી બેહિસાબી આવક
ઇડીએ તેને મળેલી બાતમીના આધારે આ ગ્રુપ પર દરોડા પાડ્યા તેમા જાણે ખજાનો હાથ લાગ્યો હોય તેવી સ્થિતિ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓને તપાસમાં કરોડો રૂપિયાની અઘોષિત રકમ મળી આવી છે. તેમા 1.01 કરોડની તો રોકડ જ મળી આવી છે. જ્યારે 33.34 લાખ રૂપિયાની તો વિદેશી ચલણની નોટો મળી આવી છે. વિદેશી માર્કા ધરાવતું 1.6 કિલોગ્રામ સોનું મળી આવ્યું છે, જેની બજારકિંમત 2.5 કરોડ રૂપિયાથી પણ વધારે થાય છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત એવી આવી છે કે અનસ ગ્રુપ (Anas Group) ના ભાગીદારો અને તેમના કુટુંબના સભ્યોના નામે દુબઈમાં મોટી પ્રોપર્ટી છે.
વિદેશમાં લીધેલી સંપત્તિ પણ પકડાઈ
આ દરોડામાં અનેક એવા દસ્તાવેજો પણ મળ્યા છે જે દર્શાવેલી આવક કરતાં તેમની આવક વધુ હોવાનું સાબિત કરે છે. આ ઉપરાંત અનેક પ્રકારના ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાની વિગતો પણ મળી છે. એજન્સીએ આ બધી કાર્યવાહી ફેમા (FEMA) (ફોરીન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ કરી છે. અમદાવાદના જાણીતા વેપારી જૂથને ત્યાં દરોડાએ વેપારી આલમને ચિંતામાં નાખી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓનું માનવું છે કે બેેહિસાબી રકમનો આંકડો કરોડો રૂપિયામાં પહોંચી શકે છે. ગ્રુપે આ બદલ જંગી પેનલ્ટીનો સામનો કરવાનો પણ આવી શકે તેમ માનવામાં આવે છે. આગામી દિવસોમાં ગ્રુપની સામે વધુને વધુ આકરા કાયદાકીય પગલાં લેવામાં આવે તો જરા પણ આશ્ચર્ય નહીં થાય. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પછી આવકવેરા ખાતું પણ તેના પર ત્રાટકી શકે છે.
આ અગાઉ સુરેન્દ્રનગરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પાડેલા દરોડામાં મોટો ઘટસ્ફોટ થયો હતો. લગભગ 1,500 કરોડના કૌભાંડમાં નાયબ મામલતદારની ધરપકડ થઈ છે અને સુરેન્દ્રનગરના કલેક્ટરની ધરપકડ થાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં શંકાની સોય કલેકટર ભણી છે. એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ની ફરિયાદમાં પણ કલેક્ટરનું નામ લેવામાં આવ્યું છે. આના પગલે કલેક્ટર માટે આગામી દિવસો વધુ મુશ્કેલ નીવડી શકે છે. છેક દિલ્હીમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદમાં ગુજરાતના કલેક્ટરનું નામ ખૂલ્યું છે. આના પગલે ટોચના સરકારી અધિકારીઓ હવે મોટી કોર્પોરેટ કંપનીઓ સામે પંગો લેતા અચકાશે.
સુરેન્દ્રનગરમાં પાટડીમાં સોલર પ્લાન્ટ લાગ્યા પછી કૌભાંડોનો ધમધમાટ થવા લાગ્યો હતો. જમીનોના ભાવ ઉચકાવવા લાગતા મોટાપાયા પર જમીન કૌભાંડ થવા લાગ્યા હતા. આ કૌભાંડોમાં મોટા માથાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડોનો ધમધમાટ એટલો વધ્યો કે તેના રૂપિયાની વાત છેક દિલ્હી સુધી પહોંચી ગઈ. આના પગલે કેસ પણ થવા લાગ્યા છે. દિલ્હીથી મુંબઈના એક્સપ્રેસ-વે જેટલા કિલોમીટરનો છે તેનાથી પણ મોટી રકમના કૌભાંડના કારણે વાત છેક ઇડી સુધી પહોંચી છે. હાલમાં દોઢ હજાર કરોડના લાગતા કૌભાંડનો વ્યાપ હજી પણ વધુ વધી શકે તો આશ્ચર્ય નહી થાય.
આશ્ચર્યની વાત એ છે કે ઇડીએ દરોડા પાડ્યા તે પહેલાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલે ત્રણ અધિકારી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ગોહિલ અને બારડની ટ્રાન્સફર કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ ભલામણ મહેસૂલ ખાતાના ટોચના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ બતાવે છે કે શું મહેસૂલ ખાતાના આ અધિકારીઓને ગંધ આવી ગઈ હતી કે સુરેન્દ્રનગરમાં ઇડીના દરોડા પડવાના છે. આ ત્રણેય અધિકારીઓની બદલીમાં ગાંધીનગરના અધિકારીઓને શું રસ પડ્યો. આ અધિકારીઓ એવી તે કઈ કામગીરી કરતાં હતા કે ગાંધીનગરના અધિકારીઓને તેમા રસ પડ્યો.
એસીબીની ફરિયાદમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નામ જોડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના કલેક્ટરને કંપની સાથે પંગો લેવો મોંઘો પડી ગયો છે. આ દરોડાનું મૂળ લખતરનો સોલર પ્લાન્ટ હોવાનું મનાય છે. આ ઉપરાંત કેટલાક સૂત્રો જમીનનો મામલો હોવાનું પણ કહે છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલને લખતરના સોલર પ્લાન્ટને લઈને કોર્પોરેટ કંપની સાથે માથાકૂટ કરવી ભારે પડી ગઈ હોય તેમ લાગે છે. લખતરમાં સોલર પ્લાન્ટ નાખનારી કંપનીની પહોંચ દિલ્હી સુધી છે. નાયબ મામલતદારના ઘરેથી 67 લાખની રોકડ રકમ મળી હોવાનું કહેવાય છે. ઇડીએ ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે. કોર્ટે પણ બનાવની ગંભીરતા જોતા નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ડેપ્યુટી કલેક્ટરને કેમ હાજર ન કરાયા તેમ કહીને ઇડીના અધિકારીઓનો ઉધડો લીધો હતો.
ઇડીએ ગઇકાલે જ કલેક્ટરના પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલાને ત્યાં દરોડા પાડ્યા હતા. ઇડીએ સવારથી જ સુરેન્દ્રનગરના કલેક્ટર સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ અધિકારીઓની ઓફિસો અને ઘરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેના પગલે લખતરમાં રહેતા કલેક્ટરના પીએના ત્યાં પણ ઇડીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ઇડીની ટીમોએ સવારથી જ ધામા નાખી દીધા હતા અને જુદા-જુદા અધિકારીઓની ઓફિસ-ઘરોમાં સઘન ચકાસણી હાથ ધરી હતી. તેના પછી ઇડીનો આ સૌથી મોટો દરોડો છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં EDના દરોડામાં 1,500 કરોડનું કૌભાંડ નીકળ્યું, કલેક્ટર સામે શંકાની સોય
આ પણ વાંચો: તબલીગી જમાત કેસમાં ગુજરાત સહિત 20 સ્થળોએ ED ના દરોડા
આ પણ વાંચો: દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગની તપાસમાં ઇડીના 25 સ્થળોએ દરોડા
