એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે પશ્ચિમ બંગાળના કથિત SSC કૌભાંડમાં દરોડા પાડ્યા હતા. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા દરમિયાન એજન્સીએ 20 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી છે. EDએ તેની રોકડની તસવીર ટ્વીટ કરતા કહ્યું કે ED એ પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ અને બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડની ભરતી સાથે સંબંધિત કૌભાંડના મામલામાં દરોડા પાડ્યા.
અગાઉ, સૂત્રોએ જણાવ્યું હતું કે ED અધિકારીઓની ટીમે શુક્રવારે કથિત શિક્ષક ભરતી કૌભાંડની તપાસના સંદર્ભમાં પશ્ચિમ બંગાળના બે પ્રધાનો પાર્થ ચેટર્જી અને પરેશ અધિકારીના ઘરો પર દરોડા પાડ્યા હતા.
ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/i4dP2SAeGG
— ED (@dir_ed) July 22, 2022
સૂત્રએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા સાતથી આઠ ED અધિકારીઓ સવારે 8.30 વાગ્યાની આસપાસ ચેટરજીના નાકટલા ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને 11 વાગ્યા સુધી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો બહાર તૈનાત હતા.
એજન્સીના અધિકારીઓની બીજી ટીમ કૂચ બિહાર જિલ્લાના મેખલીગંજમાં અધિકારીના ઘરે પહોંચી અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. EDના સૂત્રના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ શહેરના જાદવપુર વિસ્તારમાં સ્થિત પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના પૂર્વ અધ્યક્ષ માણિક ભટ્ટાચાર્યના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) હાઈકોર્ટના નિર્દેશો પર પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગની ભલામણો પર સરકાર દ્વારા પ્રાયોજિત અને સહાયિત શાળાઓમાં ગ્રુપ ‘C’ અને ‘D’ સ્ટાફ અને શિક્ષકોની ભરતીમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. જયારે ઇડીએ આ કેસ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગની તપાસમાં સામેલ છે.
નોંધનીય છે કે ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન ચેટર્જી તે જ્યારે કથિત કૌભાંડ થયું ત્યારે શિક્ષણ પ્રધાન હતા. સીબીઆઈએ તેમની બે વખત પૂછપરછ કરી છે. પહેલી પૂછપરછ 25 એપ્રિલે થઈ હતી જ્યારે બીજી વાર 18 મેના રોજ થઈ હતી. સીબીઆઈએ પશ્ચિમ બંગાળના શિક્ષણ રાજ્ય મંત્રી અધિકારીની પણ પૂછપરછ કરી છે. આ ઉપરાંત તેમની પુત્રીએ શાળામાં શિક્ષક તરીકેની નોકરી ગુમાવી દીધી છે. અધિકારીએ પત્રકારોને કહ્યું કે તેઓ ફોન પર તેમના પરિવાર સાથે વાત કરી શક્યા નથી.
મંત્રીએ કહ્યું, “તેમણે આજે અમારા ઘરે પહોંચવાની યોજના વિશે અમને જણાવ્યું ન હતું. 21 જુલાઈએ તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસની રેલી પછી હું કોલકાતામાં છું. જો હું ત્યાં હોત તો… જયારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ દરોડાઓને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય વિરોધીઓને પરેશાન કરવા માટે “કાવતરું” ગણાવ્યું હતું.