Principals Peon Duty: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓને પગલે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. પરંતુ, આ ચૂંટણીઓ પાર પાડવા માટે તંત્ર સામે સ્ટાફની ભારે અછતનું મોટું સંકટ ઊભું થયું છે. તંત્રને 30,000 થી વધુ કર્મચારીઓની તાતી જરૂરિયાત હોવાથી, હવે નિવૃત્ત શિક્ષકો અને બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ને પણ ચૂંટણી કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે. જોકે, ચૂંટણી તંત્ર દ્વારા ડ્યૂટીના ઓર્ડર કરવામાં કેટલીક ગંભીર ભૂલો થતાં શિક્ષણ જગતમાં ભારે વિવાદ અને રોષ જોવા મળી રહ્યો છે.
Principalsને પટ્ટાવાળાની ડ્યૂટી!
ચૂંટણી તંત્રની સૌથી મોટી બેદરકારી એ સામે આવી છે કે, અમદાવાદ જિલ્લાની અનેક શાળાઓના સીનિયર એચટાટ (HTAT) મુખ્ય શિક્ષકો અને વર્ષોનો અનુભવ ધરાવતા સ્કૂલના આચાર્યોને સીધા ‘પટ્ટાવાળા’ (વર્ગ-4) તરીકેની કામગીરીના ઓર્ડર પકડાવી દેવામાં આવ્યા છે! આખી જિંદગી શિક્ષણ જગતમાં આદરણીય પદ પર રહીને બાળકોનું ભવિષ્ય ઘડનારા આચાર્યોને આવા નીચલા સ્તરના ઓર્ડર મળતા શિક્ષક સંઘોમાં ભારે રોષ ફેલાયો છે.
BLO ની બેવડી મુસીબત, અંદર રહેવું કે બહાર?
શિક્ષકોની સાથે સાથે BLO (બૂથ લેવલ ઓફિસર) ની કામગીરી કરતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. જે શિક્ષકો પહેલેથી જ BLO તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને હવે બૂથમાં ‘આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર’ તરીકેની વધારાની જવાબદારી પણ સોંપી દેવાઈ છે. BLO કર્મચારીઓની વ્યવહારુ ફરિયાદ એ છે કે ચૂંટણીના દિવસે તેમની મુખ્ય ફરજ વોટિંગ બૂથની બહાર બેસીને મતદારોની સ્લિપ અને યાદી ચેક કરવાની હોય છે, જ્યારે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજ વોટિંગ બૂથની અંદર બેસીને મતદાન પ્રક્રિયા સંભાળવાની હોય છે.
હવે મોટો સવાલ એ ઊભો થયો છે કે એક જ કર્મચારી એક જ સમયે બૂથની અંદર અને બહારની આ બે મહત્વની ભૂમિકાઓ કઈ રીતે નિભાવી શકશે? તંત્રના આ અણઘડ આયોજનથી કર્મચારીઓમાં ભારે અસમંજસ ઊભી થઈ છે.
કેમ ઊભી થઈ સ્ટાફની અછત? તંત્રની લાચારી
પ્રાપ્ત આંકડાઓ અનુસાર, અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લાની ચૂંટણીઓ માટે કુલ 5,500 જેટલા વોટિંગ બૂથ (જેમાં 4250 કોર્પોરેશન અને 1100 થી વધુ તાલુકા પંચાયતના બૂથ) નક્કી કરવામાં આવ્યા છે. નિયમ મુજબ દરેક બૂથ પર પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિત 5 કર્મચારીઓનો સ્ટાફ અનિવાર્ય હોય છે. આ જંગી માનવબળ પૂરું કરવા માટે ચૂંટણી તંત્ર પાસે નિવૃત્ત શિક્ષકો અને BLO ને વધારાની જવાબદારી સોંપવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
હવે જોવાનું એ રહેશે કે, શિક્ષક સંઘો દ્વારા નોંધાવવામાં આવેલા ઉગ્ર વિરોધ બાદ ચૂંટણી તંત્ર આચાર્યોના ‘પટ્ટાવાળા’ના ઓર્ડર અને BLO ની બેવડી ડ્યૂટીમાં કોઈ સુધારો કરે છે કે નહીં!
