Not Set/ હાથીજણ આશ્રમમાં બાળકો પર પણ અત્યાચાર કરાતો, આશ્રમ છોડવાની વાત ગણાતી ગુરુદ્રોહ :સગીરા

સોનલ અનડકટ, રિપોર્ટર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ હાથીજણ ખાતે આવેલી ડીપીએસ સ્કૂલના પ્રિમાઈસીસમાં ચાલી રહેલા આશ્રમ મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જનાર્દન શર્મા અને ભુવનેશ્વરીના અન્ય બે બાળકો જે આ આશ્રમાંથી મહામહેનતે બહાર આવ્યા છે, તેમણે મંતવ્ય ન્યૂઝ સમક્ષ કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા છે. આ બંને બાળકોએ આશ્રમમાં તેમની સાથે થયેલા વર્તનની વાત કરી […]

Ahmedabad Top Stories Gujarat
nityanand હાથીજણ આશ્રમમાં બાળકો પર પણ અત્યાચાર કરાતો, આશ્રમ છોડવાની વાત ગણાતી ગુરુદ્રોહ :સગીરા

સોનલ અનડકટ, રિપોર્ટર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

હાથીજણ ખાતે આવેલી ડીપીએસ સ્કૂલના પ્રિમાઈસીસમાં ચાલી રહેલા આશ્રમ મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જનાર્દન શર્મા અને ભુવનેશ્વરીના અન્ય બે બાળકો જે આ આશ્રમાંથી મહામહેનતે બહાર આવ્યા છે, તેમણે મંતવ્ય ન્યૂઝ સમક્ષ કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા છે. આ બંને બાળકોએ આશ્રમમાં તેમની સાથે થયેલા વર્તનની વાત કરી જે ચોંકાવનારી હતી. જનાર્દનની ત્રીજી પુત્રી કલ્પના (નામ બદલેલ છે) અને તેનો પુત્ર અનિલ (નામ  બદલેલ છે) બંનેને નાની ઉંમરથી જ બેંગલોર ખાતેના આશ્રમમાં મુકી દેવાયા હતા. કલ્પના માત્ર નવ વર્ષની ઉંમરે અને અનિલ છ વર્ષની ઉંમરે આશ્રમમાં દાખલ થયા.

આશ્રમમાં હિન્દુ સંસ્કાર મેળવવા માટે દાખલ થયેલા કલ્પના અને અનિલને બેગ્લોર આશ્રમથી અમદાવાદ ખાતેના ડીપીએસ સ્કુલમાં આવેલા આશ્રમ ખાતે ટ્રાન્સફર કરાયા. જાેકે આ અંગે તેમના માતા-પિતા તદ્દન અજાણ હતા. કલ્પનાએ મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે તેને આશ્રમમાં ભણવા અને ધ્યાન સહિતના સંસ્કાર મેળવવામાં મજા આવતી હતી. તેની સાથે તેની અન્ય બાળમિત્રો પણ હતી. અમદાવાદમાં બપોરે 12 થી 3-30 દરમિયાન તેમને ડીપીએસ સ્કૂલમાં જ એક અલગ બિલ્ડીગની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં તેમને શિક્ષણ અપાતુ હતુ. ડીપીએસના શિક્ષકો અને બહારના શિક્ષકો તેમને ભણાવતા હતા. કલ્પના 10માં ધોરણમાં અભ્યાસ કરે છે અને અનિલ આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે.

જાેકે કલ્પના કહે છે કે, છેલ્લા છ મહિનાથી તેને આશ્રમમાં થનારી ગતિવિધીઓના લીધે આશ્રમ પરથી તેનું મન ઉઠી રહ્યુ હતુ. છેલ્લા છ મહિનાથી માહોલ બદલાઈ ગયો હતો. તમામ બાળકોને આશ્રમમાંથી અપાયેલા ટેબ્લેટ પર મોડી રાત સુધી ફરજિયાત બેસાડવામાં આવતા હતા. આ ટેબલેટ મારફત તમામ બાળકોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાના રહેતા અને બાદમાં તેમના એકાઉન્ટ મારફત સ્વામી નિત્યાનંદના ફોટો સહિતની વિગતો અપલોડ કરીને વાઈરલ કરવાની રહેતી. આ કામ તેમની પાસે મોડી રાત્રિ સુધી કરાવાતુ હતું.  બાળકોને ઉંઘ આવતી હોવા છતાં તેમણે પરાણે જાગીને પણ આ કામગીરી કરવી પડતી હતી.

વધુમાં તમામ બાળકો જેને ઓળખતા હોય તેવા તમામને આશ્રમમાં બોલાવવા માટે ફરજ પાડવામાં આવતી હતી. બાળકો તેમના જાણીતાઓને આશ્રમ સુધી લાવે પછી તેમને આશ્રમ બતાવવાથી માંડીને આશ્રમ માટે લાખો-કરોડોનું દાન આપવા માટે પ્રેરિત કરવાની જવાબદારી પણ સોપવામાં આવી હતી. આ રીતે કમર્શિયલ પ્રવૃત્તિ માટે બાળકોનો ઉપયોગ થતો હતો.

કલ્પનાએ જણાવ્યુ કે સ્વામીજીની લોકપ્રિયતા વધારવા માટે તેનું માર્કેટીંગ કરવા બાળકોને રાત્રે તૈયાર કરીને મેકઅપ કરાવી નૃત્ય કરવાની ફરજ પાડવામાં આવતી. આ નૃત્યના વીડિયો બનાવવામાં આવતા અને તે માટે અમારે મોડી રાત્રિ સુધી જાગવુ પડતુ. મોટા ભાગના બાળકો ઝોલા ખાતા હોય તો પણ તેમને નૃત્ય કરવો પડતો.

બાળકોને આધ્યાત્મિક યોગ માટે ધ્યાનમાં બેસાડવામાં આવે છે, પણ છેલ્લા કેટલાક મહિનાથી આ મુદ્દે બાળકોને ફરજ પાડવામાં આવતી હતી. કલ્પનાને બે મહિના માટે ટ્રાન્સફોર્મેશનના નામે એક રુમમાં પુરી દેવામાં આવી અને આ બે મહિના દરમિયાન તેની પાસે તે રુમમાં કોઈજ કામ નહતુ. તેને રુમની બહાર પણ નીકળવા દેવામાં આવતી નહતી. કલ્પનાના ભાઈ અનિલને એક વખત આશ્રમમાં માર ખાવાનો પણ વારો આવ્યો હતો. એક વખતે તેણે આશ્રમના સંન્યાસીઓની પરવાનગી વગર સેલ્ફી સ્ટીક લઈને સેલ્ફી લેવાની કોશિશ કરી ત્યારે તેને માર પડેલો.

અનિલ કહે છે કે તેના જેવા અનેક બાળકો આશ્રમમાં કરાતી જાેહુકમીથી કંટાળી ગયા છે પણ કોઈ આશ્રમ છોડવાની વાત કરે તો તેને ગુરુદ્રોહ કહીને દબાવી દેવામાં આવે છે. આશ્રમમાં નાનપણથી શીખવાડાય છે કે આશ્રમના નીતિ નિયમો વિરુદ્ધ, ગુરુની વિરુદ્ધની વાત કરવી કે પછી આશ્રમ છોડીને માતા પિતા પાસે પરત જવાની વાત કરવી તે ગુરુદ્રોહ ગણાય. તેથી બાળકો આશ્રમ છોડીને જવાની વાત કરતા પણ ડરે છે.

આશ્રમમાં મલેશિયાથી આવેલી દિપા નામની સગીરાને પણ આશ્રમ છોડીને જવુ હતુ. તેણે તેના માતાપિતાને આ મુદ્દે જાણ કરતા તે મલેશિયાથી તેને લેવા માટે આશ્રમ આવ્યા હતા  પણ આશ્રમના સંચાલકોએ દિપાની ગેઈટ બહાર રિક્ષામાંથી તેના માતાપિતાના કબજામાંથી છોડાવી પરત આશ્રમ લાવ્યા હતા. ત્યારબાદ દિપાએ એકવખત તેના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરેલો, પણ તે ફાવી નહતી તેવું કલ્પનાએ જણાવ્યુ.

આશ્રમની એક યુવતી લોકપ્રિયા પણ આર્ટીસ્ટ બનવા માગતી હતી અને તેને પણ આશ્રમ છોડીને જવાની ઈચ્છા હતી પણ તે સફળ થઈ શકી નહોતી. કલ્પનાની મોટી બહેન એક વર્ષ પહેલા કેનેડા જતી રહી છે. તે ત્યાં શુ કરે છે તેની કલ્પનાને ખબર નથી અને તેની બીજી બહેન પણ કેટલાક મહિનાથી ગાયબ છે. તેના વિશે પણ કલ્પના કંઈ જ જાણતી નથી. કલ્પના અને અનિલ એક જ માગણી કરે છે કે હવે તેમને બંને બહેનો જલ્દીથી પરત મળી જાય.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન