Vadodara News: છોટાઉદેપુર જિલ્લાના ઘોળી ગામમાં વીજ પુરવઠો ખોરવાવાના મામલે વીજ કંપનીના કર્મચારી આર.એસ. રાઠવાને નિષ્પક્ષ તપાસ કર્યા વગર ફરજ પરથી મોકૂફ કરાતાં વિવાદ (Engineer Suspension) સર્જાયો છે. ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળે આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવી મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરી છે. મંડળે મોકૂફીનો આદેશ રદ કરી કર્મચારીને ફરી ફરજ પર લેવા માગ કરી છે.
Engineer Suspension: શું છે સમગ્ર વિવાદ?
મંડળના મહામંત્રી રાજેન્દ્ર ખત્રીના જણાવ્યા અનુસાર, ગત 19 નવેમ્બરે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરના વહીવટી કાર્યક્રમ દરમિયાન ઘોળી ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના મામલે આર.એસ. રાઠવા (R S Rathwa)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા (Employee Suspension) હતા. જોકે, મંડળનો દાવો છે કે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર આ કાર્યવાહી કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ઘટના સમયે કર્મચારી ઘોળી ગામમાં પોતાની ફરજ પર હાજર હતા. ગામના નિશાળ ફળિયામાં માત્ર એક વીજ ગ્રાહક કાંતિભાઈ નાયકના ઘરની લાઇટ બંધ હતી, જ્યારે સમગ્ર ગામમાં વીજ પુરવઠો ચાલુ (Power Supply) હતો. વધુમાં, કલેક્ટરના કાર્યક્રમ દરમિયાન પણ વીજ પુરવઠો ખોરવાવાની કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી.
મંડળે કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ
ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળે સવાલ ઉઠાવ્યો છે કે કોઈ ગ્રાહકના ઘરમાં વીજળી બંધ હોય તો તેની જાણ ગ્રાહકે કરવી જરૂરી છે. કર્મચારીને ફરિયાદ મળ્યા વગર દરેક સમસ્યાની અગાઉથી જાણ થઈ શકે નહીં. વીજ ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ લાવવા કંપની દ્વારા લાખો રૂપિયાના ખર્ચે એફઆરટી ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મંડળના જણાવ્યા અનુસાર, કર્મચારીએ કોઈ ઉચાપત કરી નથી કે કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું નથી. તેમ છતાં નિષ્પક્ષ તપાસ કર્યા વગર કરવામાં આવેલી સસ્પેન્શનની કાર્યવાહી અન્ય કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરી શકે છે. કર્મચારીઓ દબાણ હેઠળ કામગીરી કરે તો અકસ્માત થવાની ભીતિ પણ રહે છે.
આથી મંડળે મેનેજિંગ ડિરેક્ટર સમક્ષ રજૂઆત કરીને આર.એસ. રાઠવાને મોકૂફ કરવાનો આદેશ રદ કરી તેમને પુનઃ ફરજ પર લેવા માગ કરી છે.
આ પણ વાંચો: DGVCLની મેગા કામગીરી! ભારે વરસાદ બાદ 1,000થી વધુ ગામોમાં વીજ પુરવઠો શરૂ
આ પણ વાંચો: જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામી એલર્ટ જાહેર; હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો
