વર્ષ 2018ની શરૂઆતથી જ ફિલ્મોની રિલિઝ બદલાવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. વિવાદો વચ્ચે સંપડાયેલી ફિલ્મ ‘પદ્માવત’ની રિલિઝ ડેટ પહેલાં જ બદલાઇ ચુકી હતી, તે પછી અક્ષય કુમારની ‘પેડમેન’, સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપાયીની ‘અય્યારી’ની રિલિઝ ડેટ પણ બદલાઇ ચુકી છે અને આ હરોળમાં હવે કરીના કપૂરની કમબેક ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ પણ જોડાઇ ચુકી છે. આ ફિલ્મની રિલિઝ ડેટ પણ હવે બદલાઇ ચુકી છે.
ગર્ભવતી બન્યા બાદ કરીનાની કમબેક ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ છે. આ ફિલ્મ દ્વારા કરીના ફરીવાર સિલ્વર સ્ક્રીન પર પોતાનો જાદુ ચલાવવા આવી રહી છે. અગાઉ આ ફિલ્મ 18મેના રોજ રિલિઝ થવાની હતી પરંતુ ફિલ્મની પ્રોડ્યુસર એકતા કપૂરે જાણકારી આપી છે કે હવે આ ફિલ્મ 1 જૂનના રોજ રિલિઝ થશે. એકતા કપૂરે ટ્વીટ કર્યું છે કે’1 જૂન મોટો દિવસ છે. વીરે દી વેડિંગ મારા લક્ષ્યના જન્મદિવસે રિલિઝ થશે. હવે લગ્ન અને બર્થ ડે પર આપ સૌ આમંત્રિત છો.’
ફિલ્મની રિલિઝને શા માટે પાછી કરવામાં આવી છે તે પાછળનું કારણ તો જણાવવામાં નથી આવ્યું પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સોનમ કપૂર એપ્રિલ મહિનામાં લગ્ન કરવા જઇ રહી છે, જેના કારણે ફિલ્મની રિલિઝને પોસ્ટપોન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મની શુટિંગ દિલ્હી અને બેન્કોકમાં કરવામાં આવી છે.
ફિલ્મની કથા ચાર યુવતીઓની મિત્રતાની છે. હિન્દી ફિલ્મોમાં આ કોન્સેપ્ટ એકદમ નવો લાગી રહ્યો છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા અને સુમિત વ્યાસ જોવા મળશે. આ ફિલ્મ રોમેન્ટિંક કોમેડી છે.