Vav: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના રાજીનામાના લીધે ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી (Vav Byelection) માટે આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 થી 11 વાગ્યા સુધીના ચાર કલાકમાં 24.39% મતદાન થયું હતું. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં વધુ રસપ્રદ છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ના બંને ઉમેદવારોની હાર થઈ છે. જોકે, ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલે ભાજપ-કોંગ્રેસની ગણતરીઓ બગાડી નાખી છે.
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહિત કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. જેનું ભાવિ આજે 3 લાખ 10 હજાર 681 મતદારો દ્વારા ઈવીએમમાં સીલ કરવામાં આવશે. વાવ, સુઇગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથ પર મતદાન થઇ રહ્યું છે. 97 સંવેદનશીલ મતદાન મથકો છે. જ્યાં કડક પોલીસ બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે 1500 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. જેમાં 4 DSP, 8 PI અને 30 PSI સહિત પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
ભાજપના સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.
ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે તેમની હાર થઇ હતી. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ટિકિટ ન મળતાં ભાજપના બળવાખોર નેતા માવજી પટેલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. માવજીભાઈ પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે. ખેડૂતોની ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સમુક્ત કરાવવામાં એક અગ્રિમ ભૂમિકામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે નિભાવી હતી.
આ પણ વાંચો: વાવ પેટાચૂંટણી પહેલા માવજી પટેલ સહિત અનેક નેતાઓ ભાજપમાંથી બરખાસ્ત
આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોરને મળી ટિકિટ
આ પણ વાંચો: વાવની પેટાચૂંટણીને લઈને ચૂંટણીપંચનું જાહેર નામુઃ 48 કલાક પૂર્વે ઓપિનિયન પોલ પર પ્રતિબંધ
