ગુજરાત/ અંતે પૂર પહેલા પાળ બંધાઈ : વડોદરામાં પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ માટે વહીવટી તંત્ર સજ્જ હોવાનો દાવો

મહાપાલિકાના ૬૦ વ્યક્તિની ટીમ તહેનાત કરવામાં આવી છે. ૨૨ ઓબીએમ, ૩૯ બોટ, ૧૦૮ ફાયર વાહનો, ૮૧ ટ્રી ટ્રિમિંગ અને કટર, ૧૫૮ લાઇફ જેકેટ જેવા સાધનો પૂર્વ ચકાસણી કરી રેડી રાખવામાં આવ્યા છે.

Gujarat Vadodara Trending
વડોદરા

રાજ્યભરમાં મોસમનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેટલાક સ્થળોએ પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. જોકે હજુ વરસાદની આગાહી છે ત્યારે વડોદરા દોડી આવેલા પ્રભારી મંત્રી  પ્રદીપભાઇ પરમારે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે કરાયેલી તૈયારીની સમીક્ષા કરી હતી. સાથે, તેમણે પૂર નિયંત્રણ અને રાહત કામગીરી પ્રત્યે જનપ્રતિનિધિઓ તરફથી મળેલી રજૂઆતો સાંભળી હતી અને તેનું સકારાત્મક નિરાકરણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

પ્રભારી મંત્રી  પ્રદીપભાઇ પરમાર સમક્ષ વડોદરા શહેરમાં કરાયેલી તૈયારીઓની એવી વિગતો રજૂ થઇ હતી કે પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ ઉપરાંત જરૂરત મુજબની એસડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે. સાથે, મહાપાલિકાના ૬૦ વ્યક્તિની ટીમ તહેનાત કરવામાં આવી છે. ૨૨ ઓબીએમ, ૩૯ બોટ, ૧૦૮ ફાયર વાહનો, ૮૧ ટ્રી ટ્રિમિંગ અને કટર, ૧૫૮ લાઇફ જેકેટ જેવા સાધનો પૂર્વ ચકાસણી કરી રેડી રાખવામાં આવ્યા છે.

વિશ્વામિત્રી નદી ઉપરાંત સાત અન્ડરપાસ તથા અન્ય સ્થળોએ સેન્સર બેઝ્ડ સિસ્ટમ મૂકવામાં આવી છે. જેથી પાણીની ભરાવની સ્થિતિનું તત્કાલ માહિતી મળતા સમયસર સલામતીના પગલાં લઇ શકાય એમ છે. મહાપાલિકા દ્વારા ૨૨ જેસીબી મશીનની વોર્ડ વાઇઝ ફાળવણી કરી દેવામાં આવી છે. કુલ ૧૩૩ ટીપર વાહન, બે ક્રેઇન ઉપરાંત નાગરિકોને ખસેડવા માટે ૨૦ સિટી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

વડોદરા શહેરમાં પાણી ભરાવાની સ્થિતિમાં તેના નિકાલ માટે પાલિકાના વિવિધ ક્ષમતાના કુલ ૧૫ ડિવોટરિંગ પમ્પ ઉપરાંત જરૂર પડે ત્યારે સિંચાઇ વિભાગના પણ આવા ૧૫ પમ્પ ઉપયોગમાં લઇ શકાય એમ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ૨૭, પશ્ચિમમાં ૧૭, ઉત્તરમાં ૮૨ અને દક્ષિણ વિસ્તારમાં ૧૧ મળી કુલ ૧૩૭ ફ્લડ લગાવવામાં આવી છે. વીજ કંપનીના સંકલનમાં રહી સ્ટ્રીટ લાઇટ શરૂ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

વરસાદ દરમિયાન વૃક્ષો પડી જવાના કારણે રસ્તાઓ બંધ થવાની સ્થિતિને પહોંચી વળવા માટે મહાપાલિકા દ્વારા ૪ હાઇડ્રોલિક પમ્પ, ૭ ચેનઇ શો, એક ગ્રાઇન્ડર અને ૧૦ ટ્રેક્ટર ટ્રેલર રાખવમાં આવ્યા છે. જુલાઇ માસની ૧૨મી તારીખ સુધીમાં ૪૮ વૃક્ષો પડવાની ઘટનાની નોંધાઇ છે. તેની સાથે અત્યાર સુધીમાં આ મૌસમમાં કુલ ૧૦૧૦ વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે.

વડોદરા

સંભવિત પૂર બાદ નાગરિકોને પીવાનું શુદ્ધપાણી મળી રહે એ માટે કુલ ૩૭ આરોગ્ય કેન્દ્રો ઉપર પૂરતા પ્રમાણમાં દવાઓ સાથે તબીબોને તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે ઝોન દીઠ એકએક એમ ચાર તત્કાલ મેડિકલ ટીમ બનાવવામાં આવી છે. સ્થળાંતરિત વ્યક્તિઓનું આશ્રય સ્થાનો ઉપર મેડિકલ ચેકઅપ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. વડોદરા શહેરમાં ૨૫૦૦થી વધુ નાગરિકો રહી શકે એવા આશ્રય સ્થાનો નિયત કરી દેવામાં આવ્યો છે. શહેરના રસ્તાઓ ઉપર અત્યાર સુધીમાં પડેલા કુલ ૩૯૧ ખાડાઓ ઉપર પેચ વર્ક કરવામાં આવ્યા છે.

કલેક્ટર  અતુલ ગોરે એવી વિગતો પ્રસ્તુત કરી હતી કે, વડોદરા જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ ૪૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે નીચાળવાળા વિસ્તારના ગામોના લોકોને ભૂતકાળના અનુભવોને આધારે પહેલેથી જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૭૩૩ નાગરિકોને આશ્રય આપવામાં આવ્યો હતો. તેમાંથી ૪૨૮ પોતાના ઘરે સલામત પરત ફરી ગયા છે. ત્યાં તેમને રહેવા ઉપરાંત ભોજનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આવા ગામોમાં એક માસનું રાશન એડવાન્સમાં આપવામાં આવ્યું છે. એક વ્યક્તિ અકસ્માતે પાણીમાં તણાઇ જવાની ઘટના બની છે. એ સિવાય અન્ય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી. તાલુકા મથકે પણ કન્ટ્રોલ રૂમ કાર્યરત છે.

મંત્રીએ આ વિગતો જાણીને તૈયારીઓથી સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, પૂરથી રક્ષણ કરવા માટે તંત્ર દ્વારા યોગ્ય રીતે તૈયારીઓ કરવામાં આવી છે. નાગરિકોને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે એ જોવું પડશે. પૂરમાં રાહત અને બચાવની કામગીરી માટે ટેક્નોલોજીનો ઉપયોગ સારી બાબત છે. તેમણે જનપ્રતિનિધિઓની વીજળી, માર્ગો અને કૃષિ, ટ્રાફિક અને જળભરાવ બાબતની રજૂઆત સાંભળી હતી અને તેનો નિકાલ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં મેયર  કેયુરભાઇ રોકડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ  અશોકભાઇ પટેલ, વિધાયકો સર્વ  યોગેશભાઇ પટેલ, મધુભાઇ વાસ્તવ, સીમાબેન મોહિલે, અક્ષયભાઇ પટેલ, જીતુભાઇ સુખડિયા, કેતનભાઇ ઇનામદાર, અગ્રણી  ભાર્ગવભાઇ ભટ્ટ અને ડો. વિજયભાઇ શાહ, મ્યુનિસિપલ કમિશનર સુ શાલિની અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર  ચિરાગ કોરડિયા, એસપી  રોહન આનંદ, નિવાસી અધિક કલેક્ટર  કુલદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં ૯૦ દિવસ માટે ૧૦૦ ટકા પેનલ્ટી માફી અપાશે