કાર્તિક વાજા, ઊના@મંતવ્ય ન્યૂઝ
ઊના – તાઉતે વાવાઝોડાના એક માસ જેટલો સમય થવા આવ્યો છે. છતાં પણ આ વિસ્તારમાં હજુ પણ અંધારા ઉલેચાયા ન હોય લોકો વન્યપ્રાણીના ભયથી ફફડી રહ્યા છે. તો પશુધન પાણી વગર તરસી તડપી રહ્યા છે. દેશની સરહદ પર માં ભોમની રક્ષા કરતા સનખડા ગામ અને તેનો માણલ વાડી વિસ્તારની અંદાજીત પંદરસો વસ્તી ધરાવતા આ વિસ્તારમાં રહેતા ખેડૂતોની સેંકડો એકર જમીનના બાગાયતી અને અન્ય સીઝન આધારીત ખેતી વ્યવસાય વાવાઝોડાની તબાહીના કારણે વેરાન બની જતાં આ પરીવારોની હાલત દયનિય બની ગઇ છે.

ઊનાથી 20 કિ.મી.અંતરે આવેલા ગોહીલ દરબારની વધુ વસ્તી ધરાવતા સનખડા ગામ અને તે ગામથી 2 કિ.મી. અંતરે આવેલ માલણ વિસ્તારમાં 1500 જેટલા પરીવારોની વસ્તી ખેતીવાડી વ્યવસાય કરી પરીવારો સાથે વસવાટ કરે છે. ગત તા. 17 મે.ના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દેતા આ વિસ્તારમાં ફળ જાળ વૃક્ષો જમીન દોષ થયા હતા. મકાન અને ઢાળીયાના પતરા છાંપરા, ઇલેક્ટ્રીક થાંભલા વાયરો સંપૂર્ણ નાશપામેલ છે. પરંતુ એક માસ જેટલો સમય થવા છતાં પણ માલણ વિસ્તાર માં કોઇ અધિકારી કે તંત્ર દ્રારા નિમાયેલ સર્વે ટીમ પહોચી નથી. અને સહાય પણ ચુકવાય નથી.
આ વિસ્તારના લોકોએ જણાવેલ કે ચુંટણીઓ વખતે મત લેવા દોડા દોડી કરતા ગામના સરપંચ, તા.પં. જી.પં.ના સભ્યો અને ધારાસભ્યો પણ આવી કુદરતી આફતે અસરગ્રસ્ત પરીવારને હૈયાધારણ આપવા ડોકાયા નથી. અને લોકો વિજળીના અભાવે વન્યપ્રાણીથી ફફડી રહ્યા છે. નાના બાળકોને ધરમાં પુરી રાખવા પડે છે. રાત્રીના તેલના દિવા કરી જાગરણ કરી કિંમતી પશુઓની સુરક્ષા કરવી પડે છે. વાવાઝોડાએ બધુજ ખત્મ કરી દીધુ છે. અને આ ખેતીવાડી ચોમાસા પહેલા ઉભી થઇ શકશે નહીં. તેના કારણે પરીવારની આજીવિકાસ પણ છીનવાઇ ગઇ છે. તેમ છતાં વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ ડોકાતા નથી. અને વિજળીનો પ્રશ્નો હલ કરતા નથી.

સનખડા અને માલણનેશ વિસ્તારમાંથી 35 જેટલા જવાનો આર્મીમાં જોડાયેલા છે. અને હાલમાં તે દેશના સીમાડે માં ભોમની રક્ષા કરી રહ્યા છે. તેમના પરીવારો દુઃખના દહાડા જીલી રહ્યા છે. સંતાનોના અભ્યાસ બગડી ગયા રહ્યા છે. સીમ શાળા બાજુમાં આવેલ છે. પરંતુ તેમાં પણ ભારે નુકશાન થતાં શિક્ષણ મેળવવું મુશ્કેલ છે. ખેડૂત વિજળીના અભાવે ખેતી કરી શકે તેમ નથી.
હાલમાં વહેલી ખેતી કરવામાં આવે અને વરસાદ ખેચાયતો કિમતી બિયારણ બળી જવાના કારણે કૃષિપાક પણ નિષ્ફળ જઇ શકે છે. શ્રમિકો પણ મળવા મુશ્કેલ બનતા ખેતી સુધારણા કરવી મુશ્કેલી બની ગઇ છે. ધરના ઝૂપડા મકાનોના નળીયા પતરા પણ મળતા નથી. તેથી રહેવાનો આશરો ખુલ્લો પડ્યો છે. માલણ વિસ્તારમાં અંદાજીત 300થી વધુ ખેડૂતોની જમીન આવેલ છે. અને 1500થી વધુ વસ્તી હોય 200થી વધુ બાળકોએ નિશાળે જવાનું છોડી દીધુ છે.
માલણનેશ રાવલ નદી કાંઠે આવેલ હોય ચોમાસાના વરસાદના કારણે જમીનોનું ધોવાણ થઇ જતુ હોવાથી ખેતીને બચાવવી મુશ્કેલ બને છે. સનખડા વિસ્તારની ખેતી પાકો કપાસ, તલ, મગ, જુવાર, બાજરી, મરચા, નારીયેળી, આંબા સહીતના બાગાયતી અને કંઠોળ પાકની કરાય છે. આ કૃષિ પાકો માટે પાણી પુષ્કળ હોવા છતાં વિજળીના કારણે વાવેતર થઇ શકે તેવી સ્થિતી રહી નથી. આમ વાવાઝોડાની ભારે તબાહી બાદ લોકોનું જનજીવન ધમધમતુ કરવા વહીવટી તંત્ર નિષ્ફળ રહ્યુ છે. લાખોનું નુકસાન થવા છતાં સહાય પાઇની પણ ગામ સુધી પહોંચી નહી હોવાનો વસવસો લોકોમાં જોવા મળી રહ્યો છે.

35 આર્મીમેન પરીવારોનું માદરેવતન અંધારામાં
સનખડા ગામથી 2 કિ.મી.દૂર માલણમાં ખેતીવાડી ધરાવતા અને સંયુક્ત બાપ દાદાના ભાઇઓના પરીવારમાં રહેતા બિપીનભાઇ જોરૂભાઇ ગોહીલએ જણાવેલ કે અમારા પરીવારના 8 સભ્ય આર્મીની વિવિધ પોસ્ટ પર ફરજ બજાવીએ છીએ અને સનખડા ગામના કુલ 35 જેટલા જવાનો દેશની સરહદો પર રક્ષા કરીએ છીએ અમારા મકાનો વાડી વિસ્તારમાં આવેલા છે. લાઇટના અભાવે મુશ્કેલી ભોગવી રહ્યા છે. અધિકારીઓ આ વિસ્તારમાં વિજળી પ્રશ્નો તાત્કાલીક હલ કરે જેથી અમારા બાળકોને વન્યપ્રાણીથી સુરક્ષીત રાખી શકીએ તેમજ ખેતીવાડીને પણ સજીવ બનાવી પરીવારોની આજીવિકાસ ફરી વખત ઉભી કરી શકીશું.
10 ભાઇનું 150 વ્યક્તિનું પરીવાર
સનખડા માલણ વિસ્તારના ખેડૂત ધુસાભાઇ ગોહીલના 10 ભાઇઓનું 150 વ્યક્તિનું આખુ પરીવાર માલણમાં વસવાટ કરે છે. વાવાઝોડાએ ભારે નુકશાન કર્યુ છે. છતાં કોઇ પુછવા આવેલ નથી. અને સહાય પણ આપી નથી. ખેતી પર પરીવારનો નિભાવ ચાલે છે. લાઇટ ન હોવાથી પશુધન પણ તરસ્યા રહે છે. દોરડા બાંધી કુવા માંથી પાણી સિંચીને પશુ અને માણસોની જરૂરીયાત મુજબ વ્યવસ્થા કરીએ છે.

અનાજ કેરોસીન પણ મળતુ નથી : માલુબેન ગોહીલ
સનખડા માલણ વિસ્તારમાં ખેતી ધરાવતા માલુબેન ગોહીલ વાવાઝોડા પછી 17 મે.થી પાવર બંધ થતાં દિવો કરીને તેમના પરીવારની રાત દિવસ સુરક્ષા કરી રહ્યા છે. આ માલણ વિસ્તારમાં સિંહોની અવર જવર રહેતી હોય દીપડા ઓનો આંતક હોય બહાર માલઢોર બાંધેલ રાખતા હોવાથી વન્યપ્રાણી તેનો શિકાર ન કરે તેની દેખરેખ કરી રહ્યા છે. તેમણે કહેલ કે સરકારી રાશન પણ મળતુ નથી. અને કેરોસીન પણ ન મળવાના કારણે તેલનાન દિવડા કરી પ્રકાશ મેળવી દિવસો કાઢી રહ્યા છે.
ગોળ અને બાફેલો બાજરો ખાઇને દિવસો કાઢ્યા : નાનુભાઇ
માલણ વિસ્તારમાં ખેતી સાથે ડિઝલ મશીનમાં ધંટી ચલાવતા નાનુભાઇ ગોહીલએ પોતાની વેંદના જણાવેલ કે ખેડૂતના દિકરા હોવા છતાં ત્રણ દિવસ તો ગોળ અને બાફેલ બાજરો ખાઇ ભુખના દિવસો કાઢ્યા હતા. માલઢોરના ઢાળીયા અને મકાનોના નળીયા છાપરા અને વૃક્ષો બાગાયતી ઝાડ પડી ગયા છે. છતાં સહાય મળી નથી. અને કોઇ રાજકીય નેતા અધિકારીઓ ડોકાયા નથી કુવામાં પાણી છે. પરંતુ ડિઝલ મશીન પોસાતુ નથી એટલે ધર પુરતુ અનાજ અને પશુ પુરતુ પાણી અવેડામાં ભરી મશીન બંધ કરી દે છે.

