Not Set/ પરાયા જ સવાયા !

એક દિકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, ‘સફળ જીવન’ શું હોય છે ? જવાબ આપવા પિતા, દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ ગયા. દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો.

Trending
માણસને

પતંગની દોરી નહીં કાપીએ તો ચાલશે પણ જીવનમાં રહેલી નફરત, અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો, પાખંડ, કામ, ક્રોધ જેવી અસંખ્ય અસમાનતાને જીવનમાંથી જરૂર કાપીએ – શરૂઆત મારાથી થાય. આ ઉત્તરાયણે ઘણું બધું વાંચવા, શીખવા મળ્યુ છે તેનો સંકલિત લેખ હવે પછી Compiled સ્વરૂપે મુક્વાની ઈચ્છા છે ખરી. તે પૈકી પેથાપુર (ગાંધીનગર, ગુજરાત) ખાતેના મારા મિત્ર શ્રી મેઘદીપસિંહજી રાઓલની પ્રાસંગિક રચના વિચારતા કરી દે તેવી છે :

માણસજ માણસને કિન્નાથી માપે છે

માણસ જ માણસને જ ચઢાવે છે ..

માણસ માણસને જ પછી કાપે છે ..

માણસ જોડે માણસ પેચ લઈ લે છે

માણસ જ માણસને પછી લૂંટે છે ..

માણસ માણસને કોડીના ભાવે વેચે

ફાટી ગયેલા માણસને ગુંદરપટ્ટી કરી સાંધી ફરી આકાશની ઊંચાઈએ લઈ જાય તેવા માણસની જરૂર છે !

એક દિકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, ‘સફળ જીવન’ શું હોય છે ? જવાબ આપવા પિતા, દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ ગયા. દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો. થોડા સમય પછી દીકરો બોલ્યો : પપ્પા, આ દોરાના લીધે પતંગ વધારે ઊંચે નથી જઈ શકતો, શું આપણે આ દોરાને કાપી નાંખીએ તો એ વધારે ઊંચે ચાલી જશે.

પિતાએ દોરો કાપી નાંખ્યો. પતંગ થોડોક ઉપર ગયો અને ઍના પછી લહેરાઈને નીચે આવીને દૂર અજાણી જગ્યા ઉપર જઈને પડી ગઈ. ત્યારે પિતાએ દીકરાને જીવનનું દર્શન સમજાવ્યું – દીકરા, જીંદગીમાં આપણે જે ઊંચાઈએ છીએ ત્યાં આપણને હંમેશા લાગે છે કે કંઈક વસ્તુ છે જેનાથી આપણે બંધાયા છીએ જે આપણને વધારે ઉપર જવાથી રોકી રહી છે. જેમ કે, ઘર, દુકાન, પરિવાર, અનુશાસન, માતા-પિતા, ભાઈ-બહેન, શિક્ષક/ગુરૂ અને સમાજ પણ. વક્રતા એ છે કે, આપણે તેનાથી આઝાદ થવા માંગીએ છીએ. કેમ ? કારણ ખબર નથી !

વાસ્તવમાં આ લોકો જ ઍ દોરા સમાન હોય છે જે આપણને ઊંચાઈ ઉપર સ્થિર રાખે છે. એમની વગર આપણે એકવાર તો ઉપર જઈશું પણ પછી આપણી પણ એ જ હાલત થશે જે દોરા વગરની પતંગની થાય. જીવનમાં જો  ઊંચાઈ પર સ્થિર રહેવુ હોય તો, ક્યારેય પણ દોરાથી સંબંધના તોડવા. દોરો ને પતંગ જેવા સંકલનથી, સંતુલનથી મળેલી ઊંચાઈને જ સફળજીવન કહેવાય છે. મુળ વાત સમજવા પણ સહનશક્તિ, સમજશક્તિ જેવી સહજશક્તિ કેવી ને કેમ હોય તે જાણવા ને માણવા નીચે મુજબની દૃષ્ટાંત કથા સહાયક બની શકે.

હું શાંતિથી, હોસ્પિટલમાં મારા પપ્પાના ICU બેડ પાસે બેઠો હતો. પપ્પાને આજે સવારે છાતીમાં દુખતુ હતું એટલે દાખલ કર્યા હતા. આ હોસ્પિટલમાં એ સારું હતું કે એક અંગત વ્યક્તિને દર્દીની બાજુમાં બેસવાની છૂટ આપવામાં આવી હતી.

હું સવારથી જ જોતો હતો કે, પચાસ વર્ષની આજુબાજુ લાગતી દેખવાડી ને સ્માર્ટ, પેન્ટ ટીશર્ટ પહેરેલ સ્ત્રી, દેખવામાં આધુનિક છતાં પણ વાતો કરવામાં શાલીનતા તથા વિવેક ચુક્યા વગર દાદાની સેવા કરી રહી હતી. ઘડીકમાં નાક સાફ કરે, તો ઘડીક માં મોઢું સાફ કરે, થોડીવાર થાય એટલે ચમચીથી ખોરાક મોઢામાં આપે, ઘડીકમાં માથે હાથ ફેરવે તો ઘડીકમાં પગ પણ દબાવે.

આધુનિક કપડામાં સ્ત્રી હોય એ સારું લાગે પણ જ્યારે આધુનિકતા તેમના વ્યવહાર, વર્તન તેમજ વાણીમાં આવે ત્યારે એ છીછરું, આકરું અને અઘરું લાગે ! આધુનિકતાનો મતલબ સ્વછંદીપણુ નથી પરંતુ માત્ર બદલતી દુનિયા સાથે કદમ મેળવવા એ આધુનિકતાનો અર્થ છે.

મારી ઉમ્મરના અનુભવ પ્રમાણે એવું લાગ્યુ, તે યુવતીના ચહેરાના ભાવ ઉપરથી વગર સ્વાર્થ કે અપેક્ષાએ પોતનું કાર્ય કરતી હતી એ સ્પષ્ટ હતું. મારા થી રહેવાયું નહીં એટલે મેં પૂછી લીધું કે, આ તમારા પપ્પા છે ?એ છોકરીએ કીધું : હા, મારા પપ્પા છે. મારાથી બોલાઈ જવાયુ કે, તમારી સેવાને સલામ કરું છું. ઈશ્વર છે કે નહીં એ શ્રદ્ધાનો વિષય છે પણ જીવતા જાગતા દેવ તો મારી સામે જ સાક્ષાત છે.

સાચી વાત અંકલ ! ખૂબજ પ્રેમાળ છે મારા પપ્પા. મારી તકલીફના સમયે પહાડની જેમ ઉભા હતા, મારી આંખોના આસુંઓ તેમણે ઝીલ્યા છે. મારી કઠોર રાતના ઉજાગરા સમયે એ મારી સાથે જાગતા બેઠા છે. મારું પાકીટ જ્યારે ખાલી રહેતું ત્યારે નોટોની થપ્પી તેમણે મારા પાકીટમાં મૂકી છે. તેમના ઉપકારનો બદલો શબ્દો માત્રથી હું ચૂકવી શકું તેટલી સમર્થ નથી. મારી મુસીબત સમયે ઘણા હાથ છોડાવી ભાગ્યા’તા, તો ઘણા નજર ચુકાવી ભાગેલા. પણ આ મારા પપ્પાએ મારા હાથ મજબૂતીથી પકડી રાખેલા. ભાઈ, તોફાન તો પસાર થઈ ગયું, એક સુંદર સવાર પણ ઊગી.આ સુંદર સવારના હક્દાર આ મારા પપ્પા છે. ફરીથી તેમના માથે આ તે તેજસ્વનીએ હાથ ફેરવ્યો.

મેં કીધું બહેન, તમને વાંધો ન હોય તો આપનું નામ કહેશો.

“ભાવના.”

મેં કીધું તમારી ભાવના શુદ્ધ છે, તેથી પ્રભુ તમને તેનું મીઠુ ફળ જરૂર આપશે.

હું ખુશ થયો. વાહ ! બાપ દીકરીનો પ્રેમ જોરદાર છે એવું અનુભવતો હતો ત્યાં તો અચાનક ડોકટર વિઝીટમાં આવ્યા. બધાને ચેક કરતા કરતા ડોકટર સાહેબ હવે બાજુવાળા દાદા પાસે ગયા. થોડી વાર ચેક કરી, બધા રિપોર્ટ જોઈ  ભાવનાબહેન સામે જોઈ ડોકટર બોલ્યા કે, “મમ્મી ચિંતા જેવું નથી. દાદાને સારું થઈ જશે. “

ભાવનાબહેને આંખ બંધ કરી ઈશ્વરનો આભાર માન્યો.

પણ હવે તો હું જ મૂંઝાઈ ગયો. આ ડોકટર ભાવનાબહેનને મમ્મી કેમ્ કહે છે !? મેં ભાવના બહેનને કીધું : દાદાને દીકરો નથી કે…?

ભાવનાબહેનની આંખો ભીની થઈ ગઈ. એ બોલ્યા : મારા આ પપ્પાને તો પુત્ર હતો પણ કાર અકસ્માતમાં ઘણી નાની ઉંમરે ગુજરી ગયો.

હું તેમની વિધવા પુત્રવધૂ છું અને હમણાં જે ડોકટર ચેક કરવા આવ્યા હતા એ મારો પુત્ર ડૉ. પ્રણવ હતો.

હું સહસા ઉભો થઈને ભાવના બહેનને હાથ જોડી પગે લાગ્યો. બહેન, તમે તો દીકરીને ય શરમાવે તેવી સેવા સસરાની કરો છો.

અરે મોટા ભાઈ, મારા પતિ ગુજરી ગયા, ત્યારે મારા પિયરપક્ષે સિફતાઈથી અંતર બનાવી લીધું હતું. મારો પુત્ર પ્રણવ આઠ ધોરણ માં હતો ત્યારે હું નોકરી કરતી ન હતી. આવા વિપરીત સંજોગોમાં મારા સગ્ગા બાપથી પણ જેમને હું ઉંચો દરજ્જો આપું છું એવા મારા સસરાએ મારો હાથ પકડી કીધું હતું કે, બેટા દીકરો ગુમાવ્યો છે તેનો મતલબ એ નથી કે, તું મારી નજરમાં પારકી છે. તું મારી દીકરી છે. આજથી ઘરનો આર્થિક વ્યવહાર તારે સાચવવાનો છે. લે, પકડ આ ચેક બુક – રૂપિયાની ચિતા કરતી નહીં. પ્રણવને તારી ઈચ્છા મુજબ ભણાવ.

ઈશ્વર કૃપાથી મેં પણ નોકરી શોધી લીધેલી પણ ઘરખર્ચ, પ્રણવ નો ભણવાનો ખર્ચ, સામાજીક ને વ્યવહારીક એ તમામ ખર્ચાઓ મારા સસરાએ નૈતિકપણે ઉપાડી લીધેલા. પરીણામસ્વરૂપ તમે જોયું જ છે કે, મારો પુત્ર ડોકટર બની ગયો આવી મહાન વ્યક્તિની સેવા કરવાનો મોકો મને મળે એતો પુણ્યનું કામ છે, મારા અહોભાગ્ય છે.

ભાવના તો સસરાની દીકરી બનીને આજે ઉભા રહ્યા છે. ભાવનાબહેનની સજ્જનતા તો જુઓ. એ પણ હસીને બોલ્યા કે, ભાઈ, મારા સસરા  પણ મારી મુસીબત વખતે બાપ બનીને ઉભારહ્યા હતા. મોઢું છુપાવીને કદીય, ક્યારેય ભાગ્યા નથી.

સંસારનો નિયમ છે. જેવું વાવો તેવું લણો. ભાવનાબહેન દાદાની સેવામાં ફરી જોડાઈ ગયા. પણ હું એક કુળવધૂને એના અલગ સ્વરૂપથી નતમસ્તક બની જોતો જ રહ્યો. સંબંધો કોઈ પણ હોય, એ સબંધ પાસે અપેક્ષાઓ રાખતા પહેલા આપણે તેને માટે લાયક બનવું પડે.