રાજકીય પક્ષોની આવક-જાવક તેમજ સંપત્તિના આંકડા અવારનવાર જાહેર થતાં રહે છે. તેના પરથી એવું તારણ અવારનવાર મંડાતું રહે છે કે, તેમને ડોનેશન પણ મળતું રહે છે અને તેની આવકમાં પણ સતત વધારો થતો રહે છે. જયારે રાજકીય પક્ષો જે રીતે ખેલ ખેલતા રહે છે તેનાં કારણે એવું લાગે છે કે, કોઈપણ પ્રકારની મંદી કે મહામારી રાજકીય પક્ષ કે રાજકારણીઓને ક્યારેય નડતી નથી. પછી મોંઘવારી તો નડવાનો સવાલ જ ઉભો થતો નથી. આપણા દેશમાં ઉગતા સુરજને પૂજવાની વર્ષોથી ચાલી આવતી પરંપરા છે તેના કારણે જે પક્ષ સત્તા પર હોય તેને ઉદ્યોગ જૂથો દ્વારા એક યા બીજા બહાના હેઠળ રાજકીય મદદ મળતી રહે છે. સરકારની તીજોરીમાં પણ વેરાના સ્વરૂપે નાણા ઠલવાતા રહે છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ ૨૨ દિવસથી સ્થિર કે આંશિક ઘટાડાના માર્ગે છે ત્યારે પેટ્રોલિયમ મંત્રી ખોખારીને કહે છે કે, ભાવો ઘટશે. થોડા સમય પહેલા એક કેન્દ્રીય મંત્રીએ એવું કહેલું કે, પેટ્રોલ ડિઝલની એકસાઈઝ ડ્યુટીની જે આવક વધારાની આવક થઈ તે રકમ મફત વેક્સીન આપવામાં વપરાઈ છે. આ અંગે અગાઉ સૌ લખી ચૂક્યા છે કે આમાં મફત વેક્સીન આપવાનો દાવો ટકતો નથી. પ્રજા પાસેથી એકસાઈઝ ડ્યુટીના સ્વરૂપમાં વધારાના નાણા ખંખેરીને મફત વેક્સીન આપવાનો ડોળ કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષો અનેે રાજકારણીઓ તેમજ સરકારને ઘણું મળતું રહે છે. તેમાંય સત્તાધારી પક્ષ અને તેના આગેવાનોની તો ચારેય આંગળી અને એક અંગુઠો ઘીમાંજ છે તેવું ઘણા વિવેચકોએ નોંધ્યું છે.
તાજેતરમાં ફરી એક વખત રાજકીય પક્ષની આવક અંગેનો રિપોર્ટ જાહેર થયો છે. તેમાં રાજકીય પક્ષોને ૪૭૫૮ કરોડની આવક થઈ છે. ૭ મુખ્ય પક્ષોની આવકના જે આંકડા જાહેર થયાં છે તે પ્રમાણે સત્તાધારી પક્ષ ભાજપને આમાનો ૭૬ ટકા હિસ્સો મળ્યો છે જ્યારે બાકીના છ મુખ્ય વિપક્ષોના ભાગે માત્ર ૨૪ ટકા રકમ આવી છે.
અત્યારે તો ચૂંટણીના વર્ષ એટલે કે ૨૦૧૯ની વિગતો બહાર આવી છે. તેમાં ઈલેક્ટોરલ બોન્ડ ડોનેશન વિગેરે મળીને કેન્દ્ર અને ૧૨ થી વધુ નાના-મોટા રાજ્યોમાં સત્તા ધરાવતા ભાજપને ૩૪૨૯ કરોડ રૂપિયાની આવક થઈ છે. એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ (એડીઆર)ના જણાવ્યા પ્રમાણે મુખ્ય સોર્સ એવા ઈલેક્ટોરલ બોન્ડની આવક ૩૪૨૯ કરોડ થઈ છે. જેમાંની ૮૭.૨૯ ટકા આવક તો ચાર મુખ્ય પક્ષો વચ્ચે વહેચાઈ ગઈ છે. જેમાં ભાજપ કોંગ્રેસ તૃણમુલ કોંગ્રેસ અને એન.સીપીનો સમાવેશ થાય છે ભાજપે ભલે કુલ આવક ૩૬૨૩ કરોડની આવક દર્શાવી હોય પરંતુ તેણે ખર્ચ ૧૬૫૧ કરોડનો દર્શાવ્યો છે. આમ ભાજપની મુડીમાં ૧૯૫૧ કરોડ રૂપિયા જમા થયા છે. ટૂંકમાં એવું કહી શકાય કે ભાજપની તીજોરીમાં આ રકમ છે. ૨૦૨૦ની આવક-જાવકના આંકડા હજી જાહેર થયા નથી. એડીઆરના આંકડા પ્રમાણે કોંગ્રેસને ૨૦૧૯ના વર્ષમાં ૬૮૨ કરોડની આવક થઈ હતી. તેની સામે તેનો ખર્ચ ૯૯૮ કરોડનો થયો છે. એટલે કે આવક કરતાં ૩૧૬ કરોડ એટલે કે, ૪૬ ટકા વધુ ખર્ચ થયો છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજીવાર સત્તાના સૂત્રો સંભાળનાર તૃણમુલ કોંગ્રેસ એટલે કે ટીએમસીને ૧૪૩ કરોડની આવક થઈ છે તો તેની સામે ખર્ચ ૧૦૭ કરોડનો થયો હોવાનું આ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે.
જ્યારે બાકીના પક્ષોમાં વધતે ઓછે અંશે આવક તો થઈ જ છે જેમાં માર્કસવાદી કમ્યુનીસ્ટ પાર્ટી, ભારતીય સામ્યવાદી પક્ષ, એનસીપી સપા બસપા અને ટીએમસી છે. જ્યારે પ્રાદેશીક કક્ષના પક્ષો બીજેડી (ઓરિસ્સા) વાય.આર.એસ. કોંગ્રેસ (આંધ્ર) ટીઆરએસ (તેલંગણા) ડીએમકે (તમિલનાડુ-પોંડીચેરી) અન્ના ડીએમકે (તમિલનાડુ-પોંડીચેરી) જનતા દળ (એસ) (કર્ણાટક) મુસ્લિમ લીંગ (કેરળ) કેરળ કોંગ્રેસ (મણી જૂથ) સહિત ૩૦થી વધુ નાના મોટા પક્ષો એવા છે કે જેનો આ રિપોર્ટમાં ઉલ્લેખ નથી. ઓરિસ્સામાં બીજેડી તો પાંચ ચૂંટણીથી સત્તા પર છે અને આંધ્રના જગનમોહન રેડ્ડીનો પક્ષ તો પહેલેથી જ કરોડપતિ પક્ષની છાપજ ધરાવે છે તે હકિકત છે. આ પણ એક મહત્વની વાત કહી શકાય. જ્યારે બિહારમાં સત્તાના સુત્રો સંભાળનાર નીતિશ કુમારનો જનતા દળ (યુ) પક્ષ ગઠબંધનોનાં સહારે પાંચ ચૂંટણીથી સત્તા પર છે અને અન્ય રાજ્યોમાં પણ તે ચૂંટણી લડે છે. જ્યારે જેને ભાજપની બી ટીમ તરીકે અન્ય વિપક્ષો ઓળખે છે અને બિહાર સહિત ઘણા રાજયોમાં જેના ધારાસભ્યો અને તેલંગણામાંથી જેના બે સાંસદો પણ ચૂંટાયા છે તે ઓવીસીનો પક્ષ એ.આઈ.એમ. એમ.ના નામનો પણ આ અહેવાલમાં ઉલ્લેખ મુખ્ય પક્ષ તરીકે નથી જ્યારે દિલ્હીમાં ત્રણ ચૂંટણી લડી ચૂકેલ અને ત્રણવાર સત્તાના સૂત્રો સંભાળનાર અરવિંદ કેજરીવાલનાં પક્ષ આમ આદમી પાર્ટી પંજાબમાં મજબૂત છે અને હવે ગોવા ગુજરાત ઉત્તરાખંડમાં પણ પગપેસારો કર્યો છે તેવે સમયે તેની આવક જાવકની વાત પણ આમાં કહેવામાં આવી નથી.
મુખ્ય સાત પક્ષો સિવાયનાં પક્ષોની આવક જાવકની વિગતો એડીઆરના રિપોર્ટમાં હશે પરંતુ તેને જાહેર કરવામાં આવી નથી તેવું બની શકે છે. ચૂંટણી વખતે દરેક ઉમેદવારને પોતાની આવક અને સંપત્તિ દર્શાવવી પડે છે હવે તેમાં એક ઉમેદવાર જે બે ચૂંટણી લડ્યા છે અને બે ચૂંટણી જીત્યા છે તેને પહેલી ચૂંટણી અને બીજી ચૂંટણીની ઉમેદવારી સમયે દર્શાવેલી આવકમાં બમણો તફાવત છે. સંપત્તિમાં પણ આવો જ વધારો થયો છે. આ તો એક દાખલો આપ્યો પરંતુ મોટાભાગના ઉમેદવારોની આવક અને સંપત્તિ પ્રત્યેક ચૂંટણી વખતે વધતીજ હોય છે જો કે, આમાં સતત ચૂંટણી જીતનારા રાજકારણીની તો વાત જ ક્યાં કરવી.
બીજા કોઈની નહીં તો ૨૦૧૯નાં એડીઆર રિપોર્ટના આધારે વિશ્વના સૌથી મોટા પક્ષ ગણાતા ભાજપ અને ભારતના સૌથી જૂના પક્ષ ગણાતા કોંગ્રેસની વાત કરી રાજકીય નિરીક્ષકો કહે છે કે ભાજપની હાલત આવક જાવકની દ્રષ્ટીએ ‘આમદાની રૂપૈયા અને ખર્ચા આઠ આની’ જેવી અને કોંગ્રેસની હાલત ‘આમદાની અઠઆની ખર્ચા રૂપૈયા’ જેવી છે.