Gujarat News : સાયબર ઠગોએ હવે લોકોમાં ડર ફેલાવીને રૂપિયા પડાવવાની નવી રીત અપનાવી છે. એક કિસ્સામાં સાયબર ગેંગે વ્યક્તિને વીડિયો કોલ (Video Call) કરીને “તમે પોર્ન વીડિયો (Porn Video) જુઓ (Watching Porn) છો, તમારા સામે કેસ થયો છે” કહી લાખો રૂપિયાની માંગણી કરી હતી. પોતાને પોલીસના ઉચ્ચ અધિકારી અને ગૂગલ કંપનીના કર્મચારી તરીકે ઓળખાવી નકલી કેસ અને જેલની ધમકી આપતી ગેંગ સક્રિય થઈ છે. . જોકે સાવચેત રહેલા વ્યક્તિએ ગઠિયાઓની ચાલ સમજી આખી ઠગાઈનો ભાંડો ફોડ્યો હતો.
પોર્ન વીડિયો (Porn Video)જોવો ગુનો છે અને ગૂગલ કંપનીએ ફરિયાદ નોંધાવી છે

ફોન કરનાર શખસે પોતાને “DIG સુનીલ કુમાર” તરીકે ઓળખાવ્યો હતો. તેણે કહ્યું કે પોર્ન વીડિયો (Porn Video)જોવો ગુનો છે અને ગૂગલ કંપનીએ ફરિયાદ નોંધાવી છે. સાથે જ 4થી 5 લાખ રૂપિયાનો દંડ અને 9 વર્ષની જેલની ધમકી પણ આપી હતી. વાતને વધુ ગંભીર બનાવવા “તમારા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાશે” એવી ધમકી પણ આપવામાં આવી હતી.
શરૂઆતમાં સામાન્ય નાગરિકની જેમ ગભરાટ દર્શાવનાર વ્યક્તિએ હકીકતમાં સાયબર ગેંગનો પર્દાફાશ કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે મિત્રની મદદથી આખી વાતચીતનું વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું. થોડા સમય બાદ પોલીસની વર્દી પહેરેલો એક શખસ વીડિયો કોલ (Video Call) પર આવ્યો અને માફી માગવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.
ગેંગે પછી “ગૂગલ ઓફિસ”નો હોવાનું કહી એક નંબર મોકલ્યો. તે નંબર પર કોલ કરતાં સામેવાળા શખસે પોતાને “રાહુલ શર્મા, HR મેનેજર” તરીકે ઓળખાવ્યો હતો. તેણે ખૂબ પ્રોફેશનલ અંદાજમાં વાત કરી અને કહ્યું કે કેસ બંધ કરાવવા માટે “સિક્યુરિટી ચાર્જ” ભરવો પડશે. બાદમાં 11,500 રૂપિયાની માંગ સાથે QR કોડ પણ મોકલવામાં આવ્યો હતો.
ઠગોએ વ્યક્તિને કહ્યું કે પૈસા જમા કરાવશો તો કેસ ક્લોઝ થઈ જશે અને મોટાભાગની રકમ પરત પણ મળશે. જોકે કોઈ ટ્રાન્ઝેક્શન ન થતાં ગઠિયાઓએ નંબર બ્લોક કરી દીધો અને QR કોડ ડિલીટ કરી દીધો હતો.
સાયબર નિષ્ણાતો અને પોલીસના જણાવ્યા મુજબ, આ પ્રકારના કોલ સંપૂર્ણપણે ફ્રોડ છે. કોઈ પણ કાયદા અમલવારી એજન્સી વીડિયો કોલ કરીને ધરપકડની ધમકી આપતી નથી કે “માફીનામું” માટે પૈસા માંગતી નથી. આવી પરિસ્થિતિમાં ગભરાવાના બદલે તરત કોલ કટ કરીને નજીકના સાયબર ક્રાઇમ (Cyber Crime) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવે છે.
ગુજરાતમાં સાયબર ફ્રોડ (Cyber Crime)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સત્તાવાર આંકડા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો લોકો સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અલગ સાયબર ક્રાઇમ યુનિટ વધુ મજબૂત બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.
