Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી ઘી (Fake Ghee)ના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે વિભાગની ટીમે શહેરની ત્રણ અલગ-અલગ ડેરી પેઢીઓ પર એકસાથે દરોડા પાડીને 1444 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. જપ્ત કરાયેલા ઘીની અંદાજિત કિંમત 8 લાખ 28 હજાર 490 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
ત્રણ બ્રાન્ડના ઘી પર શંકા
ફૂડ વિભાગે કાર્યવાહી દરમિયાન ‘પરિવાર કાઉ ઘી’, ‘કવિરાજ કાઉ ઘી’ અને ‘શ્રેષ્ઠ કાઉ ઘી’ નામે વેચાતા ઘીના ડબ્બા કબજે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં આ ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામ જથ્થાના સેમ્પલ લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
કઈ પેઢીમાંથી કેટલો જથ્થો ઝડપાયો?
ફૂડ વિભાગે ડીસાની ત્રણ પેઢીઓ પર કાર્યવાહી કરી હતી:
- તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટમાંથી ‘પરિવાર કાઉ ઘી’નો 448 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો, જેની કિંમત 2.68 લાખ રૂપિયા છે.
- શ્રી બહુચર ડેરી પ્રોડક્ટમાંથી ‘કવિરાજ કાઉ ઘી’નો 449 કિલો જથ્થો ઝડપાયો, જેની કિંમત 2.51 લાખ રૂપિયા છે.
- જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટમાંથી ‘શ્રેષ્ઠ કાઉ ઘી’નો 547 કિલો જથ્થો જપ્ત થયો, જેની કિંમત 3.08 લાખ રૂપિયા છે.
આ રીતે કુલ 1444 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરીને વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.
તાસવી એન્ટરપ્રાઇઝનો જૂનો ઈતિહાસ પણ સામે આવ્યો
તપાસ દરમિયાન મહત્વની વાત એ પણ સામે આવી છે કે તાસવી એન્ટરપ્રાઇઝ સામે અગાઉ પણ અનેક વખત કાર્યવાહી થઈ ચૂકી છે. વર્ષ 2019, 2024 અને 2025 દરમિયાન પણ લાખો રૂપિયાના શંકાસ્પદ ઘીના જથ્થા સીઝ કરવામાં આવ્યા હતા.
રાજસ્થાનના બાડમેરમાં પણ કંપનીનું સેમ્પલ ફેલ ગયું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત, સીઝ કરેલો જથ્થો વેચી દેવાના મામલે વડગામ કોર્ટ દ્વારા 35 હજાર રૂપિયાની પેનલ્ટી પણ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગે અગાઉ તેનું લાયસન્સ પણ રદ કર્યું હતું.
જિલ્લામાં નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
બનાસકાંઠા જિલ્લામાં નકલી અને ભેળસેળયુક્ત ઘીનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની શંકા વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ કાર્યવાહી કરીને મોટો પર્દાફાશ કર્યો છે. હવે FSL રિપોર્ટ બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પર્દાફાશ કર્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
