Ahmedabad Municipal School Music Training: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક અને સુવર્ણ તક સામે આવી છે. હવે સરકારી શાળાના બાળકો પણ ખાનગી શાળાઓની જેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરની સંગીત તાલીમ મેળવી શકશે. AMC સ્કૂલ બોર્ડ અને જાપાનની જગવિખ્યાત મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદક કંપની ‘યામાહા’ (Yamaha) વચ્ચે આ અંગે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા છે.
Ahmedabad : 24 શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ
આ પ્રોજેક્ટની શરૂઆત પાયલોટ બેઝ પર કરવામાં આવી છે. જેમાં અમદાવાદની 24 મ્યુનિસિપલ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓના કુલ 1,692 વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કામાં પ્રોફેશનલ મ્યુઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી બાળકોમાં છુપાયેલી કલા અને સંગીતની પ્રતિભાને વૈશ્વિક મંચ મળશે.

કિટમાં શું મળશે? બધું જ તદ્દન મફત!
વિદ્યાર્થીઓને સંગીત શીખવામાં કોઈ આર્થિક ભાર ન પડે તે માટે AMC અને યામાહા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પસંદ થયેલા તમામ 1,692 વિદ્યાર્થીઓને નીચે મુજબની કિટ મફત અપાશે:
આધુનિક રેકોર્ડર: સંગીત શીખવા માટેનું પ્રોફેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ.
સ્પેશિયલ બુક સેટ: સંગીતની થીયરી અને પ્રેક્ટિસ માટેના પુસ્તકો.
સર્વાંગી વિકાસ પર ભાર
AMC સ્કૂલ બોર્ડનો મુખ્ય હેતુ બાળકોનો માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ સર્વાંગી વિકાસ કરવાનો છે. સંગીત શીખવાથી બાળકોમાં એકાગ્રતા વધશે અને તેઓ ભવિષ્યમાં કલાના ક્ષેત્રમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકશે. સરકારી શાળાઓના સ્તરને ઊંચું લાવવા માટે આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: AMC ના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ ફરજિયાત, જાણો કમિશનરનો નવો નિયમ
આ પણ વાંચો: AMC એ જાહેર કર્યું ‘ઓરેન્જ એલર્ટ’, તાપમાન પહોંચશે 45 ડિગ્રીને પાર
આ પણ વાંચો: અમદાવાદનો નવો મેયર કોણ? AMCમાં સત્તાના ટોચના પદ માટે દોડ તેજ
