Ahmedabad News/ AMC ના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ ફરજિયાત, જાણો કમિશનરનો નવો નિયમ

AMC Car Pooling Rule: વડાપ્રધાન મોદીની અપીલ બાદ AMC કમિશનર બંછાનિધિ પાનીનો પરિપત્ર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગ અને વાહન શેરિંગ ફરજિયાત કરાયું.

Top Stories Ahmedabad Gujarat
AMC Car Pooling Rule

AMC Car Pooling Rule: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે કરવામાં આવેલી અપીલની અમદાવાદમાં મોટી અસર જોવા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કમિશનર બંછાનિધિ પાની દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, હવેથી AMC માં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘કાર પુલિંગ’ (Car Pooling) નો નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે.

ઓફિસ આવવા-જવા માટે કાર અને ટુ-વ્હીલર શેરિંગ

ઇંધણની બચત કરવાના હેતુથી બહાર પડાયેલા આ નવા નિયમ અનુસાર, જો કોઈ કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઓફિસના કમ્પાઉન્ડમાં અથવા આસપાસની નજીકની ઓફિસમાં ફરજ બજાવતા હોય, તો તેમણે ઓફિસ આવવા-જવા માટે ફરજિયાત કાર પુલિંગ કરવાનું રહેશે. આ જ નિયમ ટુ-વ્હીલર (દ્વિચક્રી વાહન) ચાલકોને પણ લાગુ પડશે, જેમાં રહેઠાણની નજીક રહેતા સાથી કર્મચારીઓએ એકબીજા સાથે સમન્વય સાધીને ટુ-વ્હીલર શેરિંગ કરીને જ ઓફિસે આવવા-જવાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

ફિલ્ડ વિઝિટમાં પણ નિયમનું કડક પાલન

આ નિયમ માત્ર ઓફિસ અપ-ડાઉન કરવા પૂરતો સીમિત નથી. પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જે અધિકારીઓ કે કર્મચારીઓને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફિલ્ડ વિઝિટ (Field Visit) માટે જવાનું હોય, તેમણે પણ અલગ-અલગ વાહનો લઈ જવાને બદલે સાથી અધિકારીઓ સાથે કાર પુલિંગ અથવા ટુ-વ્હીલર શેરિંગ કરીને જ ફિલ્ડમાં જવાનું રહેશે.

પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા સૂચના

રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પ્રદૂષણ કંટ્રોલ કરવાના આ ઉમદા હેતુથી મ્યુનિસિપલ કમિશનરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા ખાસ તાકીદ કરી છે. આ માટે મનપાના કર્મચારીઓને AMTS, BRTS અને અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ વધારવા જણાવાયું છે. AMC નો આ નિર્ણય પર્યાવરણ અને ટ્રાફિક મેનેજમેન્ટની દિશામાં એક ખૂબ જ સકારાત્મક પગલું માનવામાં આવે છે.


આ પણ વાંચો : PM મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, સ્ટાફ માટે ‘કાર પુલિંગ’ લાગુ કરાશે

આ પણ વાંચો : AMC એ જાહેર કર્યું ‘ઓરેન્જ એલર્ટ’, તાપમાન પહોંચશે 45 ડિગ્રીને પાર

આ પણ વાંચો : અમદાવાદના માધુપુરામાં AMC નો દરોડો, 3900 કિલો ભેળસેળવાળો મસાલો જપ્ત