Rajkot News/ પામ ઓઈલ-મિલ્ક પાવડરથી બનતું હતું દૂધ? ઉપલેટામાં પોલીસનો દરોડો, લાખોનો મુદ્દામાલ જપ્ત

Fake Milk Factory: ઉપલેટાના કાથરોટા ગામમાં રહેણાક મકાનમાંથી નકલી દૂધ બનાવવાની શંકાસ્પદ પ્રવૃત્તિ ઝડપાઈ. પોલીસે 800 લિટર શંકાસ્પદ દૂધ, 200 કિલો મિલ્ક પાવડર અને પામ ઓઈલના ડબ્બા સહિત રૂ.1.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Gujarat Top Stories Rajkot
Fake Milk Factory: કાથરોટામાં નકલી દૂધ બનાવવાનો ખેલ ઝડપાયો

Rajkot News : રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ પાટણવાવ પોલીસે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રહેણાક મકાનમાંથી નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ ઝડપીને (Fake Milk Factory) આશરે 800 લિટર શંકાસ્પદ દૂધ, 200 કિલો દૂધનો પાવડર અને પામ ઓઇલના ખાલી ડબ્બા સહિત કુલ રૂ. 1.02 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Fake Milk Factory: બાતમીના આધારે પોલીસની રેડ

પોલીસને બાતમી મળી હતી કે કાથરોટા ગામમાં રહેતો ભાવેશ ભીખા ભારાઈ પોતાના રહેણાક મકાનમાં દૂધમાં અન્ય પદાર્થો ભેળવીને નકલી દૂધ (Adulterated Milk) તૈયાર કરતો હોવાની શંકા છે. બાતમીના આધારે પોલીસે પંચો અને ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દૂધમાં પામ ઓઇલ અને પાવડર ભેળવતો હોવાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ આરોપી ભેંસના દૂધમાં પામ ઓઇલ અને દૂધનો પાવડર ભેળવીને દૂધ ( Kathrota Fake Milk) તૈયાર કરતો હોવાની માહિતી મળી હતી. વધુ નફો મેળવવાના હેતુથી દૂધની માત્રા અને ફેટ વધારવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો પોલીસનો દાવો છે. રેડ દરમિયાન રહેણાક મકાનમાંથી આશરે 800 લિટર બનાવટી/શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું. આ જથ્થાની કિંમત અંદાજે રૂ. 32 હજાર હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત પોલીસે 200 કિલો દૂધનો પાવડર, જેની કિંમત આશરે રૂ. 70 હજાર હોવાનું જણાવાયું છે, તેમજ પામ ઓઇલના 7 ખાલી ડબ્બા કબજે કર્યા હતા. પોલીસે કુલ રૂ. 1,02,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સેમ્પલ પરીક્ષણ માટે વડોદરા મોકલાયા

કાર્યવાહી દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા શંકાસ્પદ દૂધ, દૂધના પાવડર અને પામ ઓઇલના અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને વધુ વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે વડોદરા મોકલવામાં આવ્યા છે. સેમ્પલના પરીક્ષણ અહેવાલ બાદ જ જપ્ત કરાયેલી સામગ્રીમાં કયા પ્રકારની ભેળસેળ હતી અને તે ખાદ્ય સુરક્ષાના ધોરણો પર કેટલી ઉતરે છે તે અંગે વધુ સ્પષ્ટતા થશે.

800 લિટર શંકાસ્પદ દૂધનો નાશ

Fake Milk Factory: કાથરોટામાં નકલી દૂધ બનાવવાનો ખેલ ઝડપાયો
Fake Milk Factory: દૂધ, દૂધના પાવડર અને પામ ઓઇલના અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા

ફૂડ ઇન્સ્પેક્ટરની સૂચના અનુસાર શંકાસ્પદ દૂધનો પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે દૂધના પાવડરના જથ્થાને સીઝ કરીને રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે વડોદરાથી સેમ્પલના પૃથક્કરણ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. અહેવાલ મળ્યા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

આ સમગ્ર કામગીરી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર (IPS), ધોરાજી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક  સિમરન ભારદ્વાજ (IPS) અને ઇન્ચાર્જ SDPO ધોરાજી ડિવિઝન શ્રીજીતા પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. PI  વાય.એમ. ગોહીલ અને તેમની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી શંકાસ્પદ દૂધ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ આ કેસમાં આગળની કાર્યવાહીનો માર્ગ નક્કી થશે.


આ પણ વાંચો: કામરેજમાં ફૂડ સેફ્ટીનો સપાટો! 172 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ, 2 રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી

આ પણ વાંચો: ઉંદરે કાતરેલા પાઉં મળ્યા! પટ્ટી વડાપાઉંનું લાયસન્સ 7 દિવસ સસ્પેન્ડ, ગ્વાલિયા સ્વીટ્સમાં 31 કિલો જથ્થો નષ્ટ

આ પણ વાંચો: ‘પાણી નહીં, ઝેર મળી રહ્યું છે!’ ધોળકાના ભેટાવાડામાં કેમિકલયુક્ત પાણી સામે ગ્રામજનોનો મોરચો