અમદાવાદ/ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પહેલા પત્નીએ કર્યો આપઘાત, હવે પતિએ પણ ટુંકાવ્યું જીવન

રાણીપમાં બાલકૃષ્ણમંદિર રોડ પર લક્ષ્મીનગર એપાર્ટમેન્ટમાં નિકુંજ મહેશભાઈ પંચાલ (36) તેમના પરિવાર સાથે રહેતા હતા. નિકુંજભાઈ શિવશક્તિ મિનરલ વોટર નામની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવી મિનરલ વોટરનો ધંધો કરતા હતા.

Ahmedabad Gujarat
વ્યાજખોરોના

શહેરના રાણીપમાં રહેતા વેપારીએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બે મહિના પહેલા જ વેપારીની પત્નીએ વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી હતી. રાણીપ પોલીસે આ અંગે 3 જણા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ રાણીપમાં બાલકૃષ્ણમંદિર રોડ પર લક્ષ્મીનગર એપાર્ટમેન્ટમાં નિકુંજ મહેશભાઈ પંચાલ (36) તેમના પરિવાર સાથે રહેતા હતા. નિકુંજભાઈ શિવશક્તિ મિનરલ વોટર નામની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવી મિનરલ વોટરનો ધંધો કરતા હતા. 2009માં નિકુંજભાઈના લગ્ન થયા હતા. જેમાં તેમને 11 વર્ષનો દિકરો છે. જોકે 2016માં પત્ની સાથે તેમણે છુટાછેડા લીધા હતા. બાદમાં તેમણે શ્વેતા પંચાલ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

પાંચેક વર્ષ અગાઉ નિકુંજભાઈને તેમના રાણીપના સુમિરલ ફ્લેટમાં રહેતા મિત્ર અનુપ પ્રહલાદભાઈ પટેલ પાસેથી 15 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. ઘણીવાર રૂપિયાની ઉઘરાણી કરવા છતા અનુપ નિકુંજભાઈને પૈસા પરત આપતો ન હતો. બીજીતરફ કોરોનાને કારણે ધંધો ચાલતો ન હોવાથી આર્થિક તકલીફને કારણે નિકુંજભાઈએ ન્યુ રાણીપમાં રહેતા રાકેશ વિનોદભાઈ નાયક પાસેથી રૃ. 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. જેમાં તેમણે રાકેશભાઈને કોરા ચેક, પ્રોમિસરી નોટ તથા મકાનનો સમજુતી કરાર પણ કરી આપ્યો હતો. નિકુંજભાઈના માતા લીનાબહેનની ફરિયાદ મુજબ તેમના દિકરા નિકુંજે  રાકેશને વ્યાજ સહિત 10 લાખ રૂપિયા ચુકવી દીધા હતા. જોકે નિકુંજે આપેલી પ્રોમિસરી નોટ અને ચેક પરત આપ્યા ન હતા. તે સિવાય રાકેશે ચેકમા રકમ ભરીને એકાઉન્ટમાં નાંખતા ચેક બાઉન્સ થયા હતા. જેને કારણે 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. રાકેશ અવારનવાર નિકુંજભાઈના ઘરે આવીને તેમની પત્ની શ્વેતાને પણ ઉઘરાણી કરીને હેરાન કરતો હતો. બીજીતરફ અનુપ પટેલ પણ નિકુંજભાઈના 15 લાખ પરત કરતો ન હતો.

આમ રાકેશ નાયક અને તેનો ભાગીદાર દેવાંગ સથવારા પઠાણી ઉઘરાણી કરીને નિકુંજભાઈ અને તેમની પત્ની શ્વેતાને પરેશાન કરતા હતા. જેને કારણે શ્વેતાબહેને 2.6.2022ના રોજ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. શ્વેતાબહેનના મૃત્યુ બાદ પણ રાકેશ નિકુંજભાઈ પાસે વ્યાજ પેટે આઠ લાખની ઉઘરાણી કરતો હતો. થોડા દિવસ પહેલા રાકેશ અને તેનો ભાગીદાર દેવાંગ નિકુંજભાઈના ઘર બહાર ઉભા રહીને રૂ.8 લાખતો આપવા જ પડેશે નહીતર તારા ઘરનાને તકલીફ પડશે, એવી ધમકી આપતા હતા. આમ ધંધો પડી ભાંગતા અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈએ 26.8.2022ના રોજ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. નિકુંજભાઈએ આરોપીઓના નામ સાથેની ચાર પાનાની સ્યુસાઈડ નોટ લખી હોવાનું તેમની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે.

આ અંગે નિકુંજભાઈના માતા લીનાબહેન મહેશભાઈ પંચાલે(63) રાણીપ પોલીસ સ્ટેશનમાં રાકેશ નાયક, દેવાંગ સથવારા અને અનુપ પટેલ વિરૃધ્ધ દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે. જેને આધઘારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: BJP માં માસ્ટર છે પીએમ મોદી, અમિત શાહ નથી લેતા કોઈ નિર્ણય: સ્વામી

આ પણ વાંચો:કોણ છે દેશના નવા ચીફ જસ્ટિસ UU લલિત, અયોધ્યા વિવાદની સુનાવણીથી આ માટે પોતાને કર્યા હતા અલગ

આ પણ વાંચો:આ દવાથી આમથી ખાસ આદમીના પરસેવા છૂટી જાય છે….