Rajkot News: પહેલેથી જ મોંઘવારીનો માર ઝીલી રહેલી રાજ્યની જનતાને વધુ એક મોંઘવારીનો ડોઝ મળવા જઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્રની 500 જેટલી ખાનગી શાળા દ્વારા ફી વધારો કરવામાં આવ્યો છે, જેમાં સ્કૂલો દ્વારા જૂની ફીમાં એવરેજ રૂપિયા 2 હજારથી લઈને 10 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ 2 માસ બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી સૌરાષ્ટ્રના 11 જિલ્લાની સ્કૂલોએ માંગેલા ફી વધારા મામલે ફી નિર્ધારણ કમિટી દ્વારા કોઈ જ નિર્ણય લેવાયો નથી. ત્યારે હવે સ્કૂલો દ્વારા જ ફી વધારો કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની ખાનગી સ્કૂલોમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા ફી નિર્ધારણનો કાયદો લાવવામાં આવ્યો હતો, જે અંતર્ગત રાજ્યના 4 ઝોનમાં ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી. હાલ આ કમિટીમાં 5માંથી 3 સભ્યોની નિમણૂક છેલ્લા 5 માસથી થઈ ન હોવાથી ખાનગી સ્કૂલોની ફી નિર્ધારિત થઈ શકી નથી. રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની કમિટીમાં પણ 5માંથી માત્ર 2 જ સભ્યો રહ્યા છે.
રાજકોટ ફી નિર્ધારણ કમિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટી કાર્યરત છે. જે કમિટીમાં હાલ FRC ચેરમેન એવા નિવૃત જજ પી. જે. અગ્રાવત અને શિક્ષણવિદ સભ્ય અશોક સેતા જ છે. જ્યારે ખાનગી સ્કૂલોના પ્રતિનિધિ સભ્ય અજય પટેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગિરીશ દેવળીયા અને સિવિલ ઇજનેર વી. સી. પાઠકની ટર્મ ગત નવેમ્બર માસથી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા નવી નિમણૂક કરવામાં આવી નથી. જેને લીધે કમિટીમાં માત્ર 2 જ સભ્યો રહ્યાં છે. જોકે, તેમના દ્વારા હાલ ફી વધારો માગ્યો છે, તેવી સ્કૂલોની ફી નક્કી કરવા માટેની કોઈપણ પ્રકારની પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.
રાજકોટમાં બેસતી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટી હેઠળ રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની ખાનગી સ્કૂલો આવે છે. જેમાં સૌરાષ્ટ્રની 4,000 ખાનગી સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થી દીઠ ફી પ્રાથમિકમાં 15,000, માધ્યમિકમાં 25,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 30,000 કે તેથી ઓછી છે. જે સ્કૂલોએ પણ સૌરાષ્ટ્ર ઝોનની ફી નીયમન કમિટીમાં એફિડેવિટ કર્યું છે. જ્યારે 500 ખાનગી સ્કૂલો એવી છે કે, જેમના દ્વારા ઉપરોક્ત ફીથી વધુ વાર્ષિક ફી લેવામાં આવે છે અને તેમના દ્વારા નવા વર્ષે ફી વધારો માંગવામાં આવ્યો છે.
આ તમામ બાબતો વચ્ચે એક તરફ સ્કૂલો દ્વારા વર્ષ 2024-25 માટેની ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે તો બીજી તરફ ફી નિર્ધારણ કમિટીએ ફી નક્કી ન કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ લૂંટાઈ રહ્યાં છે. હજુ લોકસભા ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રાજ્યમાં ફી નિર્ધારણ કમિટીના સભ્યોની નિમણૂક નહિં થાય. જેથી વિદ્યાર્થીઓને ફી વધારાનો માર સહન કરવો પડશે.જો કે, ભવિષ્યમાં ફી સરભર કરવાની બાંહેધરી આપી ફી વધારો લાગુ કરી દેવાયો છે, પરંતુ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ફીમાં રાહત મળશે કે નહિ તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..
આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો
આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા
