Gandhinagar/ શિક્ષક દિને જ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈને ઉગ્ર વિરોધ

શિક્ષક દિને જ શિક્ષકો આંદોલનના મૂડમાં જણાતાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News :   દેશભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક માટે ભાવિ શિક્ષકોએ બાયો ચઢાવી છે. કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પાડવાની માગ સાથે મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી પણ કાયમી ભરતી કરાતી નથી. શિક્ષક દિને જ શિક્ષકો આંદોલનના મૂડમાં જણાતાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. સચિવાલય બહાર વિરોધ કરી રહેલા ઉમેદવારોને ડિટેઈન કરાતાં અન્ય ઉમેદવારો ચ-3 અંને ઘ-3 સર્કલ પર પહોંચ્યા હતા અને ત્યાં પણ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

રાજ્ય સરકારે અગાઉ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી, જેમાં TAT HSની 4 હજાર જગ્યાની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે એવું કહેવામાં આવ્યું હતું. નોટિફિકેશન જાહેર ન થતાં ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી. ત્યારે આજે TAT પાસ ઉમેદવારો ‘શિક્ષક દિન’ નિમિત્તે ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન કરવા પહોંચ્યા છે. રાજ્યમાં ખાલી પડેલી ઉમેદવારોની જગ્યા પર ભરતી અંગે આજે ગાંધીનગરમાં ઉમેદવારો ધરણાં પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. આજે ગુજરાત સહિત દેશભરમાં ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં એકવાર ફરી ઉમેદવારો દ્વારા ભરતી, પગાર સહિતના વિવિદ મુદ્દાઓ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધપ્રદર્શન કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે રાજ્ય સરકારે અગાઉ ઉમેદવારોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી હતી.

ઉમેદવારોએ આગળ જણાવ્યું, આ જાહેરાતમાં TAT HSની 4 હજાર જગ્યાની ભરતી માટે 1 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર થશે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર સુધી સરકાર (Gujarat Ggovernment) દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. આથી અમે ફરી એકવાર ગાંધીનગર આંદોલન કરવાના છીએ. સરકાર અમારી માગોનું જલદી નિરાકરણ લાવે એવી અમારી માગ છે.ટેટ-ટાટ પાસ ઉમેદવારે જણાવ્યું હતું કે અમે 18 જૂને રજૂઆત કરવા આવ્યા હતા, ત્યારે અમને સચિવાલયમાં રજૂઆત કરવા જવા દીધા ન હતા. એ બાદ ઋષિકેશ પટેલે એવું કહ્યું હતું કે અમે જલદી નોટિફિકેશન બહાર પાડીશું અને 24700ની ભરતી બહાર પાડીશું. ત્યારે 1 સપ્ટેમ્બરની વાત કહેવામાં આવી હતી. આજે 5 સપ્ટેમ્બર છે. 4 તારીખ સુધી અમે રાહ જોઈ, પણ કોઈ નોટિફિકેશન આવ્યું નહિ, જેથી આજે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવ્યા છીએ. જ્યારે ગુજરાતનો શિક્ષક રસ્તે રખડતો હોય અને પોતાના ન્યાય માટે માગણી કરતો હોય તોય રજૂઆત કરવા દેતા નથી.

અમને એવું કહ્યું હતું કે 5 લોકોને અમે રજૂઆત કરવા લઈ જશું. જ્યારે પરીક્ષાની જાહેરાત કરી એના 14 દિવસમાં જ પરીક્ષા લઈ લીધી હતી, અમને વાંચવાનો પણ વધુ ટાઈમ આપ્યો નહોતો. એમ છતાં અમે એ પરીક્ષા પાસ કરી લીધી હતી. આજે અમે એક વર્ષથી કહી રહ્યા છીએ કે અમારી ભરતી કરો. એમ છતાં ભરતી કરવામાં આવી નથી. જ્ઞાન સહાયકની યોજના અમલમાં મૂકી છે, જે એક ટેમ્પરરી યોજના છે, જ્યારે કાયમી ઉમેદવારો પાસ થઈને બેઠા છે તો ટેમ્પરરી ઉમેદવારોની જરૂર જ શું છે? જ્યારે કાયમી શિક્ષક ઉપલબ્ધ ના હોય તો ટેમ્પરરી શિક્ષકની જરૂર પડે, પણ હાલ કેટલાય કાયમી ઉમેદવારો પરીક્ષા પાસ કરીને બેઠા છે તો તેમની ભરતી કરવાના બદલે જ્ઞાન સહાયકની યોજનાને વધારી રહ્યા છે.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ મુજબ ભરતી કરવામાં આવી નથી. જે-તે સમયે વાત કરવામાં આવી હતી કે 24,700 શિક્ષકોની અમે ભરતી કરીશું, પરંતુ જે-તે વખતે જાહેર કરવામાં આવેલી તારીખો જતી રહી છે, પણ ભરતી કરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓ પોતાની માગણી વ્યક્ત કરી રહ્યા છે કે તમે જે વચનો આપ્યાં હતાં એ પૂરાં કરો. આજે શિક્ષક દિવસ છે. ત્યારે શિક્ષક શાળામાં શોભે, શિક્ષક ક્યારેય રસ્તા પર ના શોભે, પરંતુ આજે આ શિક્ષકોને પોતાની માગણી મુદ્દે રસ્તા પર આવવું પડ્યુ છે, કેમ કે તેમને સાંભળવા માટે કોઈ અધિકારી કે પદાઅધિકારી તૈયાર નથી. શિક્ષક દિનના રોજ નેતાઓ બેનરો મારે છે કે શિક્ષકો સાધારણ નથી હોતા. આ ગુરુઓ છે, જેઓ તમારાં બાળકોનું ભવિષ્ય સુધારવાના છે. આપણે ભૂતિયા શિક્ષકો પણ જોયા છે, જે વિદેશમાં છે એમ છતાં સરકારને તેમને પગાર આપવો પરવડે છે, પણ આ ખરેખર લાયક ઉમેદવારો છે તેમની ભરતી કરવી નથી.

અમારી એક જ માગણી છે કે આ અગાઉ શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે 15 જૂને કાયમી ભરતી આવશે. અમે વિશ્વાસ કર્યો, ના આવી એટલે અમે આંદોલન કર્યું. એ બાદ આંદોલન પછી તંત્રએ પ્રેસ-કોન્ફરન્સ કરી મુખ્યમંત્રી સહિત નેતાઓએ અલગ અલગ પ્લેટફોર્મ પરથી જાહેરાત કરી. પ્રેસ-કોન્ફરન્સમાં ઋષિકેશ પટેલે જાહેરાત કરી કે 1 સપ્ટેમ્બરની આજુબાજુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતીપ્રક્રિયા શરૂ થઈ જશે અને હજુ પણ કુબેરભાઈ કહે છે કે દિવાળી પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. જો હજુ નોટિફેકશન નહીં આવે તો દિવાળી પહેલાં કઈ રીતે પ્રક્રિયા પુરી થશે. માટે અમારી ફક્ત એક જ માગ છે કે તમે 1 સપ્ટેમ્બર તારીખ આપો છો તો કાયમી શિક્ષકોની ભરતીનું નોટિફેકશન તો બહાર પાડો. આજે 5મી સપ્ટેમ્બર છે, શિક્ષકોનો દિવસ છે, સરકાર વાયદા પર વાયદા કેટલા કરશો. આજે અમે ફક્ત નોટિફેકશન માટે અને અમારો એક મહત્ત્વનો મુદ્દો છે કે જૂના શિક્ષકોની જે જગ્યામાં વધારો કર્યો છે એટલે કે એ જૂના શિક્ષકોની જગ્યા નથી, એ એક ભરતી થયેલા શિક્ષકોની બદલી પ્રક્રિયા છે, પણ એને ભરતી નામ આપવામાં આવ્યું છે. તો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને તમામ માધ્યમોમાં જગ્યા વધારવામાં આવે. જે 24,700 જગ્યા છે એમાં વધારે જગ્યા ખાલી પડશે. તો એ જગ્યાને વધારવામાં આવે, કારણ કે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં પૂરતી જગ્યા નથી.

અમારી બસ એક જ માગ છે કે આજે તમે નોટિફેકશન જાહેર કરો અને અમે તો ખાલી રજૂઆત કરવા આવ્યા છીએ. ત્યાં તો અમે સચિવાલય સુધી ના પહોંચીએ એ માટે સચિવાલય સામે અમને ઊભા રાખી દીધા છે. હવે જોઈએ આગળ શું થાય છે, અમને રજૂઆત કરવા દે છે કે નહીં અથવા દર વખતની જેમ અમને ડિટેઈન કરી બેસાડી રાખી અમારો દિવસ ફેઇલ કરે છે. અમારે ફક્ત આવેદન આપી રજૂઆત કરવી છે અને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને મળવું છે અને કહેવું છે, ‘દાદા તમે તો સંવેદનશીલ છો, અમે તમારા પર વિશ્વાસ મૂક્યો છે, તમે તો અમારી લાગણીઓ સાથે રમો છો. શિક્ષણમંત્રી, પ્રવક્તા મંત્રી હોય કે મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી પણ જો આટલુ સહન કરવું પડે તો આપણે ક્યાં ગુજરાતમાં જીવી રહ્યાં છીએ એ મને ખબર નથી પડી રહી. કોઈપણ પ્રકારનો વાયદો હજુ સુધી સમયસર પૂરો કરવામાં આવ્યો નથી.

ગાંધીનગર સચિવાલય બહાર ધરણાં કરી રહેલા શિક્ષકોને ડિટેઈન કરવામાં આવતાં અન્ય ઉમેદવારો ચ-3 અને ઘ-3 સર્કલ પર પહોંચ્યા હતા અને ચક્કાજામ કરી ધરણાં શરૂ કર્યાં હતાં. ધરણાંને કારણે એક તરફનો રોડ બંધ થઈ જતાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતને વરસાદથી રહેવું પડશે સાવધાન!

આ પણ વાંચો:ગુજરાતમાં બની ઐતિહાસિક ઘટના, 33માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:IMDની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ