ચોરી/ આ ચોર માત્ર એસ્ટીમ કાર જ ચોરતો હતો જાણો કેમ

તે થોડા સમય પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો અને બહાર આવી તેણે ફરી ચોરીઓ ચાલુ કરી હતી

India
car આ ચોર માત્ર એસ્ટીમ કાર જ ચોરતો હતો જાણો કેમ
મુંબઇના જુહુ પોલીસે એક અપંગ આરોપીની ધરપકડ કરી છે જે માત્ર એસ્ટીમ કારની ચોરી કરતો હતો. આ પાછળનું કારણ પોલીસને એ જાણવા મળ્યું હતું કે અપંગ હોવાથી તેને માત્ર એસ્ટીમ કાર ચલાવતાં જ ફાવતું હતું અને આજની મૉડર્ન કારનાં લૉક ખોલવાં તેને મુશ્કેલ પડતાં હતાં, જ્યારે એસ્ટીમનું લૉક તે તરત ખોલી શકતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ૬૦ વર્ષના ફરિયાદી વિલે પાર્લેના ગુલમોહર રોડ પર રહે છે. તેમની એસ્ટીમ કાર જુલાઈના ફર્સ્ટ વીકમાં ચોરી થઈ હતી. એની ફરિયાદ તેમણે જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં આસપાસના વિસ્તારોમાંથી મળેલાં સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં એક પગે બરાબર ચાલી ન શકતો યુવાન દેખાઈ આવ્યો હતો. એ જ યુવાન બે દિવસ પહેલાં કારપાર્કિંગની જગ્યાએ રેકી કરતો દેખાઈ આવ્યો હતો. એક ફૂટેજમાં મળેલા તેના ફોટોથી વધુ વિગત મેળવતાં તે આરોપી આનંદ હરિજન (૫૨ વર્ષ) હોવાની પોલીસને જાણ થઈ હતું.

જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીકાંત માનેએ  કહ્યું હતું કે ‘આરોપીની અમે ધરપકડ કરીને તેની પૂછપરછ કરી ત્યારે તેણે કાર ચોરી કરવાનો ગુનો કબૂલ કર્યો હતો. તે થોડા સમય પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો અને બહાર આવી તેણે ફરી ચોરીઓ ચાલુ કરી હતી. આ પહેલાં તેના પર ૩૨ કરતાં વધુ ગુના ચોરીના નોંધાયા છે. આમાંના ૧૫ ગુનામાં તેણે એસ્ટીમ કાર ચોરી કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.’