Rajkot News: રાજકોટમાં ઉનાળાના આગમન પહેલાં જ શોર્ટ સર્કિટ (Short Circuit) ના બનાવો બનવા લાગ્યા છે. રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલા મનમંદિર ફ્લેટમાં આગ (Fire) લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ઘરની અંદર સૂતેલા વૃદ્ધ માતાપુત્રનું ગૂંગળામણના લીધે મોત થયું છે. તેમને બેભાન હાલતમાં જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. ફ્લેટની અંદર અને રસોડામાં સંપૂર્ણ ઘરવખરી નાશ થઈ જવા પામી હતી.

શોર્ટ સર્કિટના લીધે દુર્ઘટનાની સંભાવના
આ આગ શોર્ટ સર્કિટ(Short Circuit)ના લીધે લાગી હોવાનું માનવામાં આવે છે. આ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઈ હતી. તેણે પાણીનો મારો ચલાવી આગને ઓલવી હતી. પોલીસે પણ દુર્ઘટનાનું કારણ જાણવા ફોરેન્સિકની મદદ લીધી છે. આ સાથે માતા અને પુત્ર બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં ઉનાળા પહેલાં જ બનવા લાગ્યા શોર્ટ સર્કિટના બનાવ
આ ઘટના અંગે રાજકોટ (Rajkot) શહેર એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. બોરીસાગરે જણાવ્યું હતું કે રાજકોટ (Rajkot) શહેરના પેલેસ રોડ પર આવેલા વર્ધમાન નગર શેરી નંબર-8માં આવેલા મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર સી-402માં 25 ફેબ્રુઆરીના રોજ રાતના 12 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. તેના લીધે આખા ફ્લેટમાં બધી જ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી

પૌત્ર સમીર ઘરે ન હોવાથી આબાદ બચાવ
આગ લાગી ત્યારે ઘરની અંદરના રૂમમાં વૃદ્ધ માતા 92 વર્ષીય પ્રભાબેન ભગવાનજીભાઈ પૂજારા અને તેમના 62 વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પૂજારા આગના ધુમાડાના કારણે ગૂંગળામણથી બેહોશ થઈ ગયા હતા. તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે જરા પણ દાઝ્યા ન હતા. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે બંનેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. રાહતની વાત એ છે કે થોડા દિવસ પહેલાં જ રાજકોટ આવેલો પૌત્ર સમીર ઘરે ન હોવાથી તેનો જીવ બચી ગયો હતો. આ આગનું પ્રાથમિક કારણ તો શોર્ટસર્કિટ માનવામાં આવે છે. આમ છતાં પણ તેના અંગે તલસ્પર્શી જાણકારી મેળવવા માટે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. તેના રિપોર્ટ પછી જ આગના સાચા કારણની ખબર પડશે તેમ મનાય છે.
આ પણ વાંચો: રાજકોટમાં યસ બેંકમાં મોડી રાત્રે ફાટી નીકળી આગ, ફાયર બ્રિગેડની જહેમત બાદ કાબૂમાં
આ પણ વાંચો: રાજકોટમાં આગનું તાંડવ! 15 ઝૂંપડા અને 10 ફ્રૂટની લારીઓ બળીને ખાખ, 25 પરિવારોની છત છીનવાઈ
આ પણ વાંચો: રાજકોટ જેતપુરના રબારીકા રોડ પર ટેકસટાઇલના કારખાનામાં લાગી આગ
