Rajkot News/ રાજકોટમાં આગનું તાંડવ! 15 ઝૂંપડા અને 10 ફ્રૂટની લારીઓ બળીને ખાખ, 25 પરિવારોની છત છીનવાઈ

રાજકોટના થોરાળામાં 15 ઝૂંપડા અને એસ્ટ્રોન ચોકમાં 10 ફ્રૂટની લારીઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. ધારાસભ્ય ઉદય કાનગડે પીડિતોને મદદ કરી છે.

Top Stories Gujarat Rajkot
Rajkot

Rajkot Fire News: રંગીલા રાજકોટમાં 26 જાન્યુઆરીની સવાર અને અગાઉની રાત આગની બે મોટી દુર્ઘટનાઓ લઈને આવી. શહેરના થોરાળા અને એસ્ટ્રોન ચોક વિસ્તારમાં લાગેલી આગમાં કુલ 25થી વધુ પરિવારો પાયમાલ થઈ ગયા છે. કોઈકની રહેવાની છત છીનવાઈ તો કોઈકની આજીવિકાનું સાધન બળીને રાખ થઈ ગયું.

Rajkot

થોરાળામાં 15 ઝૂંપડા ખાખ, ધારાસભ્ય મદદે દોડ્યા

આજે વહેલી સવારે થોરાળા પોલીસ સ્ટેશનની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પવનની ગતિ વધુ હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આશરે 15 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્થાનિકોએ રોષે ભરાઈને હોબાળો કર્યો હતો, તેમ છતાં 5 ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Rajkot

આ દુર્ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ઉદય કાનગડ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને માનવતા દાખવી અસરગ્રસ્ત 15 પરિવારોને સાંત્વના પાઠવી તેમજ પ્રત્યેક પરિવારને ₹5,000ની રોકડ સહાયની જાહેરાત કરી હતી.

Rajkot

એસ્ટ્રોન ચોકમાં અસામાજિક તત્વોનો કહેર?

બીજી ઘટના એસ્ટ્રોન ચોક પાસે બની હતી, જ્યાં રાત્રિના સમયે અચાનક 10થી વધુ ફ્રૂટની લારીઓ સળગી ઉઠતા લાખો રૂપિયાના ફ્રૂટનો જથ્થો અને લારીઓ બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કોઈ અસામાજિક તત્વોએ જાણીજોઈને આગ લગાડી હોઈ શકે છે. હાલ માલવિયાનગર પોલીસ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જોકે, પ્રાથમિક રીતે સીસીટીવી ફૂટેજમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી નથી, પરંતુ આગનું સાચું કારણ એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો : સુરતમાં પ્લાસ્ટિકના કારખામાં આગ : બેના મોત

આ પણ વાંચો : અમદાવાદના ચાંદખેડામાં ફ્લિપકાર્ટ વેરહાઉસમાં ભયાનક આગ, કાળા ધુમાડાના ગોટે ગોટા ઊડ્યાં

આ પણ વાંચો : ગોરવા મધુનગરમાં આગનું તાંડવ! ધુમાડાના ગોટેગોટા વચ્ચે પતરાં તોડીને આગ પર મેળવાયો કાબૂ