Ahmedabad News : અમદાવાદ શહેરના વ્યસ્ત નહેરુનગર ચાર રસ્તા વિસ્તારમાં ફાયરિંગ (Firing)ની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, પૂર્વ DySP એ. ડી. ચૌહાણ દ્વારા ફાયરિંગ કરાયું હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

માહિતી અનુસાર, પાથરણા બજારને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ જ વિવાદ દરમિયાન મામલો ઉગ્ર બનતા ફાયરિંગ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાના સમયે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયરિંગ (Firing)ની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની તેમજ સાક્ષીઓના નિવેદન લેવા પ્રક્રિયા હાથ ધરાઈ છે.
હાલ પોલીસ ફાયરિંગ (Firing)પાછળનું સાચું કારણ અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા તજવીજ કરી રહી છે. સત્તાવાર રીતે હજુ સુધી કોઈ વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે.
