દેવાળિયું પાકિસ્તાન/ પાકિસ્તાનની પાંચ ફાર્મા કંપનીઓએ ભારતને 2.82 કરોડ રૂપિયા આપવાના બાકી!

હિન્દુસ્તાન કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ્સનું ત્રણ પાકિસ્તાની ફાર્મા કંપનીઓ – પ્રાઝ ફાર્માસ્યુટિકલ્સ, રીગલ ફાર્માસ્યુટિકલ્સ અને મેટ્રો ફાર્માસ્યુટિકલ્સ પર $7,385નું દેવું છે.

Top Stories World
પાકિસ્તાન ફાર્મા

પાકિસ્તાનની પાંચ ફાર્મા કંપનીઓએ ભારતને  2.82 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. આ માહિતી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે રાજ્યસભામાં આપી હતી. તેમણે કહ્યું કે આ મુદ્દો ઈસ્લામાબાદમાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા ઉકેલ માટે પાકિસ્તાનમાં સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી હતી અને જલ્દીથી ચૂકવણી થાય તે અંગે જણાવવામાં આવ્યું હતું.

અનુપ્રિયા પટેલે શુકવારે સવારે એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. ઘણા લાંબા સમયથી આ મામલો અટકેલો છે. ભારતના સપ્લાયર્સ દ્વારા પાકિસ્તાનની ફાર્મા કંપનીઓને જરૂરી સામાનની નિકાસ કરવામાં આવી હતી પરંતુ તેમને રૂપિયા હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી.

હિન્દુસ્તાન કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ્સનું ત્રણ પાકિસ્તાની ફાર્મા કંપનીઓ – પ્રાઝ ફાર્માસ્યુટિકલ્સ, રીગલ ફાર્માસ્યુટિકલ્સ અને મેટ્રો ફાર્માસ્યુટિકલ્સ પર $7,385નું દેવું છે. ઇસ્લામાબાદ સ્થિત મેઝેડિયન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ પર પુણે સ્થિત ઓરેન લાઇફ સાયન્સિસનું $1,20,250 લેણું છે. જ્યારે ઈસ્લામાબાદમાં આવેલી મેસર્સ સિયામ ફાર્માસ્યુટિકલ પર ઓરેન $1,25,250નું દેવું છે. સિયામ પર ભારતીય કંપની ઇનવીર ફાર્માટેક પ્રાઇવેટ લિમિટેડને $1,20,660 રૂપિયા ચૂકવવાના બાકી છે.

કંપનીઓનું કહેવું છે કે બાકી નાણાંને લઈને વારંવાર માંગ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાની કંપનીઓએ આ અંગે કંઈ કહ્યું નથી. બાદમાં કંટાળીને આ કંપનીઓએ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગ કરી હતી. હવે દૂતાવાસ દ્વારા મામલો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2019 થી બંને દેશો વચ્ચેનો વેપાર લગભગ બંધ છે. પુલવામાની ઘટના બાદ ભારત સરકારે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો હતો. આ સાથે આયાતી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારીને 200% કરવામાં આવી છે. એક આંકડા અનુસાર  ભારતથી પાકિસ્તાનમાં નિકાસ લગભગ 60% ઘટીને US $816.62 મિલિયન થઈ છે. ઉપરાંત નાણાંકીય વર્ષ 2019-20માં, તેની આયાત 97% ઘટીને US$ 13.97 મિલિયન થઈ છે.

2018-19માં પાકિસ્તાન ભારતના ટોચના 50 વેપારી ભાગીદારોમાં સામેલ હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વર્તમાન પ્રતિબંધની પાકિસ્તાનને ઘણી અસર થઈ રહી છે. હકીકતમાં, પાકિસ્તાન તેના કપડાં અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગો માટેના કાચા માલ માટે ભારત પર ખૂબ જ નિર્ભર છે.