મદદ/ ગુજરાતના પાંચ ટ્રેકર્સનું સુરક્ષા દળો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ, હાલ ઉત્તરકાશીમાં સલામત સ્થળે આશરો અપાયો

માઉન્ટેઇન ટ્રેનિંગ માટે ગયેલા ગુજરાતી ટ્રેકર્સની સત્વરે રાહત બચાવ કામગીરી માટે ગુજરાત સરકાર ઉત્તરકાશી આપદા પ્રબંધન અધિકારી સાથે સતત સંપર્કમાં છે

Top Stories Gujarat
2 14 ગુજરાતના પાંચ ટ્રેકર્સનું સુરક્ષા દળો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ, હાલ ઉત્તરકાશીમાં સલામત સ્થળે આશરો અપાયો

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ૫,૬૭૦ મીટરની ઊંચાઇ દ્રોપદી કા દાંડા-૨ પર્વત ખાતે એડવાન્સ માઉન્ટેઇન ટ્રેનિંગ માટે ગયેલા પૈકી હિમસ્ખલનનો ભોગ બનેલા ગુજરાતના ટ્રેકર્સની સત્વરે રાહત બચાવ કામગીરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરએ ઉત્તરકાશી આપદા પ્રબંધન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. જેના પરિણામે ગુજરાતના કુલ ૦૬ માંથી ૦૫ ટ્રેકર્સને સહિ સલામત રીતે વિવિધ સુરક્ષા દળો દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા છે તેમ ગાંધીનગર ખાતે આજે રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું હતું.

રાહત કમિશનરએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતુ કે એડવાન્સ માઉન્ટેઇન ટ્રેનિગ માટે નેહરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીયરિંગ, ઉત્તરકાશી દ્વારા દ્રૌપદી કા દાંડા-૨ પર્વત ખાતે એડવાન્સ માઉન્ટેનીંગ કોર્સ તા.૦૨ થી ૦૪ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન યોજાયો હતો. જેમાં ગુજરાત સહિત ભારતના અલગ-અલગ રાજ્યમાંથી ટ્રેકર્સ જોડાયા હતા. આ પર્વત ઉપર ૫૬૭૦ મીટરની ઉંચાઇએથી ૦૪ ઓક્ટોબરના રોજ સવારે ૦૪.૦૦ કલાકે પરત ફરતા સમયે ૩૪ ટ્રેકર્સ અને ૭ ઇન્સ્ટ્રક્ટર સવારે ૦૮.૪૫ વાગે હિમસ્ખલન (એવલેન્ચ)નો ભોગ બન્યા હતા, જેમાં ગુજરાતના ૦૬ ટ્રેકર્સનો સમાવેશ થતો હતો.

તેમણે કહ્યું હતું કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર,ગાંધીનગર ખાતેથી આ દુર્ઘટનાની માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરતા ઉત્તરકાશી આપદા પ્રબંધન અધિકારી ઉત્તરાખંડના મોબાઇલ પરથી મળેલ મેસેજ મુજબ ગુજરાતના ૦૬- વ્યક્તિઓમાંથી ભાવનગરના રહેવાસી ગોહિલ અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહ મિસિંગ થયા છે.

જ્યારે અન્ય ૦૫ વ્યક્તિઓ અમદાવાદના દિપ કનૈયાલાલ ઠક્કર, NIM હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ ઉપરાંત બાકીનાં ૦૪ વ્યક્તિઓમાં રાજકોટના પરમાર ભરતસિંહ, સુરતના ચેતનાબેન રાખોલિયા, ભાવનગરના બારૈયા કલ્પેશભાઈ અને એરફોર્સ જામનગરના સાર્જન્ટ રાકેશકુમાર શર્માને ITBT, NDRF અને Air Force દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરી તા.૦૫ ઓક્ટોબર ૨૦૨૨નાં રોજ નેહરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીયરિંગ, ઉત્તરકાશી ખાતે રાખવામાં આવ્યા છે જ્યારે દિપ કનૈયાલાલ ઠક્કરને તા.૦૬ ઓક્ટોબરનાં રોજ NIM હોસ્પિટલમાંથી રજા આપતા હાલ કુલ ૦૫-ટ્રેકર્સને નેહરૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનીયરિંગ, ઉતરકાશી ખાતે રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત મિસિંગ થયેલા ગોહિલ અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહની શોધખોળ માટે ઉત્તરકાશીના સંબંધિત કન્ટ્રોલ રૂમ સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે તેમ રાહત કમિશનરશ્રીએ વિગતો આપતાં કહ્યું હતું.