ગુજરાત/ નવિન ફલોરિન ઇન્ટરનેશનલનાં દહેજ પ્લાન્ટનો આજથી પ્રારંભ : HFO કેમિકલ ઉત્પાદનથી કાર્બન ઉત્સર્જન ઘટાડશે

દેશનું ત્રીજા ભાગનું કેમિકલ ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને કેમિકલ ઉત્પાદનનાં ૧૧ હજારથી વધુ એકમો ગુજરાતમાં છે

Top Stories Gujarat Others
નવિન ફલોરિન

ભરૂચના દહેજ PCPIR માં રૂ. ૬૦૦ કરોડના રોકાણ સાથે આકાર પામેલા નવિન ફલોરિન ઇન્ટરનેશનલના નવા પ્લાન્ટનો ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીની ‘‘મેઇક ઇન ઇન્ડીયા-મેઇક ફોર ધ વર્લ્ડ’’ની નેમ આ પ્લાન્ટમાં ઉત્પાદિત થનારા HFO કેમિકલ સહિતના કેમિકલની વિશ્વમાં નિકાસથી સાકાર થશે.  ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે, આખા વિશ્વમાં એક્સપોર્ટ કરનારા આ પ્લાન્ટનો પ્રારંભ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રમાં નવી યશકલગી બનશે. ખાસ કરીને આ પ્લાન્ટમાં ઉત્પાદન થનારૂં HFO કેમિકલ એ કાર્બન ઉત્સર્જન ઘટાડનારૂં કેમિકલ છે અને રાજ્ય સરકાર પણ કાર્બન ઉત્સર્જન ઓછું કરવા પ્રતિબદ્ધ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

પ્લાન્ટ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૧૧ હજારથી વધુ કેમિકલ ઉત્પાદન એકમો સાથે ગુજરાત દેશના કેમિકલ ઉત્પાદનના ત્રીજા ભાગનું ઉત્પાદન કરતું રાજ્ય છે. એટલું જ નહિ, રાજ્યના ગ્રોસ સ્ટેટ વેલ્યુએડિશનમાં કેમિકલ ક્ષેત્રનું ર૪ ટકા યોગદાન તેમજ દેશના કેમિકલ એક્સપોર્ટમાં ૪૧ ટકા ઇનઓર્ગેનિક અને ૩૮ ટકા ઓર્ગેનિક કેમિકલ એક્સપોર્ટ એકલું ગુજરાત કરે છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત આજે દેશમાં મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે તેના મૂળમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઇએ નાંખેલો સુશાસન-ગુડ ગર્વનન્સ અને પોલિસી ડ્રીવન સ્ટેટનો મજબૂત પાયો છે. તેમણે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના ધ્યેયને પાર પાડવા ગુજરાત ઉદ્યોગોને પ્રોત્સાહનો અને બળ પુરૂ પાડી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.

આ પ્લાન્ટના ઉદઘાટન અવસરે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી તથા દહેજમાં પ્લાન્ટ સાઇટ ખાતે હનિવેલ એડવાન્સ મટિરિયલ્સ યુ.એસ.એ ના પ્રેસિડેન્ટ યુત કેનીથ વેસ્ટ, નવિન ફલોરિન ઇન્ટરનેશનલના ચેરમેન  વિશાદ મફતલાલ, એમ.ડી  રાધેશ વેલીંગ અને આમંત્રિતો, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : કોંગ્રેસે ભાજપનાં ‘વિકાસ’ને કર્યો ગાંડો : અમદાવાદમાં લગાવાયેલા પોસ્ટર બન્યા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર : ગાંડા વિકાસને જોવા ઉમટ્યા ટોળા