Una News : ગીરના રાજા ગણાતા એશિયાટિક સિંહો (Lion)હવે માત્ર જંગલ વિસ્તાર સુધી મર્યાદિત રહ્યા નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ માનવ વસાહતો તેમજ દરિયાકાંઠાના વિસ્તારો સુધી વિચરણ કરતા જોવા મળી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના દીવમાં સામે આવી છે, જ્યાં દીવ કિલ્લા નજીક દરિયાની ભેખડમાંથી એક સિંહ(Lion) નો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતું થયું હતું.
50 ફૂટ ઊંડી ભેખડમાં ફસાયેલો મૃતદેહ
દીવ કિલ્લા પાસે દરિયાની ખાડીમાં સિંહ(Lion)નો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા જ દીવ વનવિભાગ સક્રિય બન્યો હતો. આ અંગે ધારીના DCF વિકાસ યાદવને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તેમની સૂચના અનુસાર જસાધાર રેન્જના RFO એલ.બી. ભરવાડ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સિંહનો મૃતદેહ દરિયાની ભેખડમાં અંદાજે 50 ફૂટ જેટલી ઊંડાઈએ ફસાયેલો હતો. સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ અત્યંત પડકારજનક હોવાથી મૃતદેહ બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. અંતે વનવિભાગે ક્રેનની મદદથી ભારે જહેમત બાદ મૃતદેહને સલામત રીતે બહાર કાઢ્યો હતો.
સિંહ (Lion) નો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

RFO એલ.બી. ભરવાડના જણાવ્યા મુજબ મૃત સિંહ નર છે અને તેની ઉંમર અંદાજે 5 વર્ષ જેટલી હોવાનું અનુમાન છે. મૃતદેહને તાત્કાલિક જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. DCFના માર્ગદર્શન હેઠળ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે સિંહનું મૃત્યુ ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણસર.
મોત અંગે બે શક્યતાઓ પર તપાસ

વનવિભાગ હાલ સિંહના મોત અંગે બે મુખ્ય શક્યતાઓ પર તપાસ કરી રહ્યો છે. પ્રથમ, સિંહ શિકારની શોધમાં અથવા વિચરણ દરમિયાન ભૂલથી ભેખડ પરથી દરિયામાં ખાબક્યો હોય અને ઇજા કે ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હોય શકે. બીજી શક્યતા એ છે કે સિંહનું અન્યત્ર મૃત્યુ થયું હોય અને તેનો મૃતદેહ દરિયાના મોજાં સાથે તણાઈને દીવના કિનારે આવી પહોંચ્યો હોય.
વધતું વિચરણ અને સુરક્ષાની ચિંતા
છેલ્લા કેટલાક વર્ષોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દીવ સુધી સિંહોના વિચરણના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. ગીરની બહાર વધતી સિંહોની સંખ્યા અને વિસ્તરતું આવાસ ક્ષેત્ર નવી પરિસ્થિતિઓ ઉભી કરી રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર સિંહોની સુરક્ષા, તેમના બદલાતા રહેઠાણ અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે ગંભીર ચર્ચા જગાવી છે.
