અવસાન/ ડેવિસ કપના ભૂતપૂર્વ કેપ્ટન નરેશ કુમારનું નિધન, લિએન્ડર પેસના હતા મેન્ટર

ડેવિસ કપના કેપ્ટન અને લિએન્ડર પેસના મેન્ટર રહેલા ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી નરેશ કુમારનું 93 વર્ષની વયે નિધન થયું છે

Top Stories Trending Sports
9 21 ડેવિસ કપના ભૂતપૂર્વ કેપ્ટન નરેશ કુમારનું નિધન, લિએન્ડર પેસના હતા મેન્ટર

ડેવિસ કપના કેપ્ટન અને લિએન્ડર પેસના મેન્ટર રહેલા ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી નરેશ કુમારનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારમાં પત્ની સુનીતા, પુત્ર અર્જુન અને બે પુત્રીઓ ગીતા અને પ્રેહ છે. તે છેલ્લા અઠવાડિયાથી વય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. નરેશ કુમારની કેપ્ટનશીપમાં ડેવિસ કપમાં ડેબ્યૂ કરનાર જયદીપ મુખર્જીએ કહ્યું- આજે આપણે એક મહાન મેન્ટર ગુમાવ્યા છે.

નરેશ કુમારનો જન્મ 22 ડિસેમ્બર 1928ના રોજ અવિભાજિત ભારતના લાહોરમાં થયો હતો. તેમણે 1949 એશિયન ટેનિસ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય ટેનિસમાં પ્રવેશ કર્યો હતો. તેમણે રામનાથન ક્રિષ્નન સાથે 1950માં એક દાયકા સુધી ભારતીય ટેનિસ પર રાજ કર્યું. 1952માં તેમણે કેપ્ટન તરીકે ડેવિસ કપમાં પદાર્પણ કર્યું. તેઓ 1955માં વિમ્બલ્ડનના ચોથા રાઉન્ડમાં પહોંચ્યો હતા, જ્યાં નંબર વન ખેલાડી અમેરિકાના ટોની ટ્રેબર્ટ સામે હારી ગયા હતા. એક કલાપ્રેમી ખેલાડી તરીકે નરેશ કુમારે વિમ્બલ્ડનમાં રેકોર્ડ 101 મેચ રમી હતી.

નોંધનીય છે કે નરેશ કુમારે કારકિર્દીના પાંચ સિંગલ ટાઇટલ જીત્યા. જેમાં આઇરિશ ચૅમ્પિયનશિપ (1952 અને 1953), વેલ્શ ચૅમ્પિયનશિપ (1952), એસેક્સ ચૅમ્પિયનશિપ (1957) અને પછીના વર્ષે સ્વિટ્ઝર્લૅન્ડમાં જીતેલી વેંગેન ટૂર્નામેન્ટનો સમાવેશ થાય છે. તેમણે 1969ની એશિયન ચેમ્પિયનશિપમાં ફાઈનલ રમી હતી.  1990માં નોન-પ્લેયર તરીકે ડેવિસ કપની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમાં 16 વર્ષીય લિએન્ડર પેસ ટીમનો ભાગ હતા.

ફ્રાન્સ સામેની ક્વાર્ટર ફાઇનલમાં પાંચમી મેચ જીત્યા બાદ જ્યારે લિએન્ડર પેસે તેમને ગળે લગાવ્યા ત્યારે તે ખૂબ જ ભાવુક બની ગયા હતા. નરેશ કુમારને અર્જુન એવોર્ડથી સન્નમાનિત કરવામાં આવ્યા હતા. એટલુ જ નહીં 2000 માં તેઓ આજીવન સિદ્ધિ માટે  દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનાર પ્રથમ ટેનિસ કોચ બન્યા હતા. લિએન્ડર પેસે તેમના કાકા નરેશ કુમારને દ્રોણાચાર્ય પુરસ્કાર મેળવતા કહ્યું હતું – શ્રેષ્ઠ શિક્ષક હૃદયથી શીખવે છે, પુસ્તકમાંથી નહીં.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- નરેશ કુમારના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેમને એક મહાન ટેનિસ ખેલાડી તરીકે યાદ કરવામાં આવશે. મારું હૃદય તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે. આ મુશ્કેલ સમયમાં તેઓને શક્તિ મળે.