Gujarat News/ ગુજરાતમાં હવે બેરલ કે ડબ્બામાં પેટ્રોલ-ડીઝલ આપવા પર પ્રતિબંધ, તમામ કલેક્ટરોને કડક આદેશ

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે ‘Panic Buying’ શરૂ થતાં પુરવઠા વિભાગે કલેક્ટરોને પત્ર લખી બેરલ કે પાત્રમાં ઈંધણ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Top Stories Gujarat Others
Fuel Panic Buying Gujarat Issue

Fuel Panic Buying Gujarat Issue: દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવો વચ્ચે ગુજરાતમાં એક નવી આફત ઊભી થઈ છે. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ફેલાયેલી અફવાઓને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો એટલે કે ‘Panic Buying’ (ભયના માર્યા અતિશય ખરીદી) શરૂ થઈ ગયું છે. આ પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગે મોટો નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને પુરવઠા અધિકારીઓને કડક સૂચના આપતો સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે.

શું છે આ ‘Panic Buying’ અને પુરવઠા વિભાગનો આદેશ?

જ્યારે બજારમાં કોઈ વસ્તુની અછત થવાની છે તેવી અફવા ફેલાય, ત્યારે લોકો ભવિષ્યની ચિંતામાં જરૂરિયાત કરતાં વધુ જથ્થો અગાઉથી ખરીદીને સંગ્રહ કરવા લાગે છે, તેને આર્થિક ભાષામાં ‘Panic Buying’ કહેવાય છે.

પુરવઠા વિભાગે પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઈનરીઓ દ્વારા પેટ્રોલ પંપો પર નિયમિત રીતે સપ્લાય મોકલવામાં આવી રહ્યો છે. છતાં ખોટી સંગ્રહખોરી અને કૃત્રિમ અછત રોકવા માટે નીચે મુજબના કડક નિયમો લાગુ કરાયા છે:

માત્ર ટાંકીમાં જ ઈંધણ મળશે: રાજ્યના દરેક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સીમિત રહેશે.

બેરલ કે કેન પર પ્રતિબંધ: વાહન સિવાયના અન્ય કોઈ પણ પાત્ર, પ્લાસ્ટિકના ડબ્બા કે લોખંડના બેરલમાં પેટ્રોલ-ડીઝલ આપવા પર સખત પ્રતિબંધ લગાવાયો છે.

આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કેસ: જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક કે વેપારી કૃત્રિમ અછત ઊભી કરશે તો તેની સામે ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955’ (Essential Commodities Act) હેઠળ ગુનો નોંધી જેલભેગા કરાશે.

9 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો

સામાન્ય જનતા પર મોંઘવારીનો કોરડો વીંઝાયો છે. માત્ર 9 દિવસમાં ત્રીજી વખત તેલના ભાવ વધ્યા છે. 15 મેના રોજ પ્રતિ લિટર 3 રૂપિયા અને 19 મેના રોજ 90 પૈસા વધ્યા બાદ ફરી એકવાર પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો ઝીંકાયેલો ભાવવધારો જનતાની ચિંતા વધારી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 99.51 રૂપિયા સુધી પહોંચી ગયું છે, જ્યારે ગુજરાતમાં પણ આંકડો સદી ફટકારવાની નજીક છે. રાજકોટના સ્થાનિકોનું કહેવું છે કે, હવે બજેટ ખોરવાઈ જતાં લોકોએ બિનજરૂરી બહાર ફરવાનું બંધ કરીને માત્ર કામ પૂરતા જ વાહનો કાઢવાનું શરૂ કર્યું છે.

1900 લિટર ઈંધણ સાથે બે ઝડપાયા

અફવાઓ અને કટોકટીના આ માહોલ વચ્ચે કાળાબજારી કરનારા તત્વો પણ સક્રિય થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SOG (Special Operations Group) ટીમે પેટ્રોલ-ડીઝલની ગેરકાયદે સંગ્રહખોરી કરતા માફિયાઓ પર ધોંસ બોલાવી છે.

રાજકોટ રેન્જ DIG અને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાથી SOG પીઆઈ વી.એ.રાણાની ટીમે સલાયા-ખંભાળિયા રોડ પરથી 1000 લિટર ગેરકાયદે ડીઝલ ભરેલી પિકઅપ ગાડી સાથે લાલુકા ગામના ભીખાભાઈ પિંડારિયાને ઝડપી પાડી ₹2.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ભાણવડ વિસ્તારમાંથી 900 લિટર શંકાસ્પદ ઈંધણ ભરેલા છકડા રિક્ષા સાથે ઢેબર ગામના આદમભાઈ હિંગોરાને ₹1.34 લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવાયો છે.


આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ડીઝલની ભારે અછત, પેટ્રોલ પંપો પર લાગી વાહનોની લાંબી લાઈનો

આ પણ વાંચો:પેટ્રોલ પંપો પર ‘Diesel નથી’ ના પાટિયા, છતાં 21 દિવસમાં જ વેચાયું 45 કરોડ લિટર ડીઝલ

આ પણ વાંચો:ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલની બબાલ, પેટ્રોલ પંપો પર લાંબી-લાંબી લાઈનો