Dwarka News: કલ્યાણપુર (Kalyanpur) તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. તેના ફોર્મ ભરવાની અંતિમ મુદત 24 મે હતી. કલ્યાણપુર તાલુકા પંચાયત કોંગ્રેસે (Congress) કબ્જે કરી હતી. તેથી તેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ (BJP) તરફથી ભરવા માટે એકપણ ફોર્મ આવ્યું ન હતું. તેના કારણે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેના ઉમેદવાર બિનહરીફ થયા હતા.

કલ્યાણપુર(Kalyanpur) માં કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપે કોઈ દાવેદારી ન નોંધાવી
કોંગ્રેસના કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પુરીબેન બાબુભાઈ ગોજીયા બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે લાખીબેન રામભાઈ કરમુર બિનહરીફ થયા હતા. કારોબારીના ચેરમેન તરીકે અલ્પાબેન વિનોદભાઈ કરમુર છે. ગંગાબેન જયસુખભાઈ ખાણધરની દંડક તરીકે પસંદગી કરવામાં આવી છે. ન્યાય સમિતિના ચેરમેન તરીકે ગોગનભાઈ ભીખાભાઈ રાઠોડની પસંદગી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલ્યાણપુર (Kalyanpur) તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની 22માંથી 18 બેઠકો પર ભાજપે કબ્જો કર્યો હતો. આ સિવાય ખંભાળિયા, ભાણવડ અને તાલુકા પંચાયત પર પણ ભાજપે કબ્જે કરી હતી. જ્યારે કલ્યાણપુર તાલુકા પંચાયત કોંગ્રેસના નામે થઈ હતી. તેના પગલે કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ કોંગ્રેસના જ હશે તે સુનિશ્ચિત થઈ ગયુ હતુ.

ભેદભાવ વગર શાસન કરવાનો નવા તંત્રનો દાવો
આના પગલે કલ્યાણપુર તાલુકા પંચાયત પર હવે કોંગ્રેસનું શાસન છે. તેની કારોબારી પણ અસ્તિત્વમાં આવી ગઈ છે. તે સમયે નવા પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રજાના પ્રશ્નો પર ધ્યાન આપવાનું વચન આપ્યુ છે અને તેને ઉકેલવાની દિશામાં ત્વરિત કાર્યવાહી કરવા માટેની હૈયાધારણ પણ આપી છે. નવી કારોબારીએ પણ જણાવ્યું છે કે અમે તંત્ર સાથે સમન્વય સાધીને પ્રજાના પ્રશ્નો પર કામ કરીશું. લોકોની તકલીફોનો ઉકેલ લાવીશું. પ્રજાની તકલીફોમાં પક્ષીય ભેદભાવ નહીં કરીએ.
